છુટા કરાયેલા કર્મચારીએ ડુપ્લીકેટ ચાવી બનાવી લેબોરેટરીમાં ચોરી કરી હતી. P.I.કે.બી.પટેલની કાબેલીયતથી ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસ પાસે વિશાળ સત્તાઓ હોય છે. આવડત, અનુભવ, અને ધગશ હોય તો ભલભલા ચોરીના ભેદ ઉકેલી શકાય છે તેવુ વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.બી.પટેલે સાબીત કરી બતાવ્યુ છે. ઉમા માર્કેટની એક લેબોરેટરીમાથી રૂા.૬.પ૦ લાખની મશીનરી ચોરાઈ હતી. પી.આઈ.પટેલ તથા તેમની ટીમે સઘન તપાસ કરી ફરીયાદ દાખલ થઈ તેના બેજ દિવસમા ચોરીનો ભેદ ઉકેલી કિંમતી મશીનરી સાથે બે આરોપીને ઝડપ્યા હતા. ચોરી કરનાર એક ઈસમને લેબોરેટરીમાંથી છુટો કરાયો હતો. જેને લેવાનો થતો હિસાબ નહી આપતા કામકરતા સહકર્મચારી પાસેથી ચાવી લઈ ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ.
વિસનગરમા ધરોઈ કોલોની રોડ શિરડીનગરની અંદર આવેલ સામવેદ સોસાયટીમા રહેતા દિનેશચંદ્ર રામજીભાઈ જેસંગદાસ પટેલ બસ સ્ટેન્ડની સામે આવેલ ઉમા માર્કેટમા ઈશ્વર પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. લેબોરેટરીમા દગાવાડીયા ગામના નીતિન ઈશ્વરભાઈ પરમાર તથા કાંસા એન.એમા રહેતા પાર્થ મકવાણા નોકરી કરે છે. તા.ર૮-૧-ર૬ના રોજ પાર્થ પરમાર સવારે શટર ખોલી લેબોરેટરીમાં જતા અંદર મુકવામા આવેલી મશીનરી જણાઈ નહોતી. દિનેશચંદ્ર પટેલ લેબોરેટરીમા આવી તપાસ કરતા હિમોગ્રામ મશીન, બાયોકેમેસ્ટ્રી મશીન, હોર્મોન મશીન તથા મશીન ઓપરેટ કરવાના રિએજન્ટની ચોરી થઈ હોવાનુ જણાયુ હતુ. ચોરાયેલ મશીનરી છ વર્ષ અગાઉ આશરે રૂા.૬.પ૦ લાખમા ખરીદી હતી. ફરીયાદ કરવા મશીન ખરીદતા બિલો ખોવાયા હતા જે નહી મળતા બનાવના બે દિવસ બાદ પોલીસને જાણ કરતા તા.૩૦-૧-ર૬ ના રોજ સીટી પોલીસ સ્ટેશનમા ચોરીનો ગુનો દાખલ કરાયો હતો.
વિસનગરમા અગાઉ ઘરફોડ ચોરીના ઘણા બનાવ બન્યા છે. જેમા પોલીસ ગુનાનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે સીટી પોલીસ સ્ટેશનમા પી.આઈ. કે.બી.પટેલે તેમની આવડત અને અનુભવ આધારે તપાસ શરૂ કરી હતી. લેબોરેટરીની મુલાકાત લેતા શટર તોડયુ નહોતુ કે દિવાલમા બાકોરુ પાડી ચોરી થઈ નહોતી લોક ખોલીને ચોરી થઈ હોવાથી એ દિશામા તપાસ શરૂ કરી હતી. શહેરમા ચાવી બનાવનાર લોકોની પુછપરછ કરતા ખેરાલુનો હાર્દિક લાલજીભાઈ સથવારા ડુપ્લીકેટ ચાવી બનાવી ગયો હોવાનુ માલુમ થયુ હતુ. જેના ખેરાલુના નિવાસ્થાને તપાસ કરતા બે મશીન મળી આવ્યા હતા. સીસીટીવી ફુટેજ આધારે સ્વેટર પહેરેલ ઈસમ પણ ચોરીમા સામેલ હોવાનુ જણાયુ હતુ. હાર્દિક સથવારાની પુછપરછ કરતા ખેરાલુનો અનીલજી ચંદુજી ઠાકોર ચોરીમા તેનો સાથીદાર હતો. ત્યારે અનીલજી ઠાકોરના ઘરમાંથી એક મશીન મળી આવ્યુ હતુ. અનીલજી ઠાકોર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેના વિરૂધ્ધ અનેક ગુનાઓ નોધાયા છે. પોલીસે બન્ને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.
પોલીસ પુછપરછમા બહાર આવ્યુ હતુ કે હાર્દિક સથવારા અગાઉ આ લેબોરેટરીમા નોકરી કરતો હતો. જેની સાથે હિસાબ બાબતે મનદુઃખ થતા તેને છુટો કરવામા આવ્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક સથવારાને લેબોરેટરી સંચાલક પાસેથી રૂા.૭૦ હજારનો હિસાબ લેવાનો થતો હતો. જેની ઉઘરાણી કરવા છતા નહી આપતા ચોરીનો પ્લાન બનાવ્યો હતો. હાર્દિક સથવારા અગાઉ લેબોરેટરીમા નોકરી કરતો હોવાથી હાલમા લેબોરેટરીમા નોકરી કરતા પાર્થ મકવાણા સાથે સંપર્કમા હતો. જેણે પાર્થ મકવાણા પાસે એક્ટીવા માંગતા એક્ટીવાની ચાવી આપી હતી. ચાવીના આ જુમખામા લેબોરેટરીની પણ ચાવી હતી.આ ચાવી ઉપરથી ડુપ્લીકેટ ચાવી બનાવી હાર્દિક સથવારાએ લેબોરેટરીમા મશીનોની ચોરી કરી હતી.