ખેરાલુ ડેપોમાં ૩૨ ડ્રાઈવરની ઘટ,ધાર્મિક સ્થળોની બસો બંધ-મુકેશભાઈ દેસાઈ
ગુજરાત સરકાર દ્વારા દેશ વિદેશમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે બિનજરૂરી વિવાદો ઉભા કરી સાચા ખોટા દબાણો દુર કરે છે. ધર્મના નામે મત માંગનારી સરકાર પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો સુધી જતી બસો બંધ કરે છે. જે બાબતે ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ સમક્ષ લોકોેએ ફરિયાદ કરી હતી મુકેશભાઈ દેસાઈએ પ્રચાર સાપ્તાહિક સમક્ષ ગુજરાત સરકાર વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતા.
ધર્મના નામે મત માંગી ધાર્મિક સ્થળોની ઉપેક્ષા કરતી સરકાર વિરૂધ્ધ આક્ષેપોની વણઝાર
મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩માં ડ્રાઈવર કંડક્ટરોની ભરતી કરી હતી તે પછી કોઈ ભરતી ન કરતા હાલ ગુજરાત રાજ્યમાં દશ હજાર ઉપરાંત ડ્રાઈવર કંડક્ટરોની ઘટ છે. ખેરાલુ ડેપોમાં છાસવારે બસોના શીડ્યુલ રદ થતા પ્રાઈવેટ વાહનો વાળાને મોટો ફાયદો થઈ રહ્યો છે. ખેરાલુ ડેપોમાં કઈ બસો ક્યારે રદ થવાની છે તેની જાણકારી અગાઉથી પ્રાઈવેટ વાહનોવાળાને મળી જાય છે. ખેરાલુ ડેપોમાં ૩૨ ડ્રાઈવરોની ઘટ છે જેના કારણે ખેરાલુ નડાબેટ બસ વારંવાર રદ કરવામાં આવે છે. જે બસો સારો વકરો કરે છે તેવી લોકલ બસોને ડેપોની આવક વધારવા રાતોરાત એક્ષપ્રેસ કરવામાં આવે છે. જેનાથી મધ્યવર્ગ લુંટાઈ રહ્યો છે. ખેરાલુ-સરખેજ બસ લોકલ હતી જેને એક્ષપ્રેસ કરવામાં આવી છે. ખેરાલુ ડેપોમાં ઉચ્ચ અધિકારીઓની ઘટ છે. જેની ભરતી કરાતી નથી. ખુટતા ડ્રાઈવર કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા ડેપો મેનેજરની તાત્કાલિક નિમણુક કરવા માંગણી કરાઈ છે. એક તરફ સરકાર ગરીબોની સરકાર હોવાની વાતો કરે છે.ત્યારે બીજી તરફ ગરીબોની બસો બંધ કરીને જીવના જોખમે પ્રાઈવેટ બસોમાં મુસાફરી કરવા મજબુર કરવામાં આવે છે.
મુકેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે, ધર્મના નામે મત લઈને ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની બસો બંધ કરાતા ખેરાલુ વિધાનસભાની પ્રજા અકળાઈ ગઈ છે. જ્યારે પણ નવી બસો આપવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછી બસો ખેેરાલુ ડેપોને ફાળવવામાં આવે છે. જો ટુંક સમયમાં ખુટતા ડ્રાઈવરોની ભરતી કરવામાં નહી આવે તો ખેરાલુના વેપારીઓ તાલુકાની જનતાના હિતમાં ગાંધી ચિન્ધ્યામાર્ગે આંદોલન શરૂ કરવા ચિમકી ઉચ્ચારી છે.