વિસનગરમાં ઉર્જા મંત્રી ઋષિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યુનીટી માર્ચ પદયાત્રા યોજાઇ ભારતના નિર્માણમાં સરદાર પટેલની ભૂમિકાને ઉજાગર કરવા યુનિટી માર્ચ-ઉર્જા મંત્રી
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે. જેના ભાગરૂપે વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના ઉર્જા મંત્રી ઋષિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુરૂવારના રોજ યુનીટી માર્ચ પદયાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે કાંસા ચોકડી ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ ઉપર ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું હતું. અંગ્રેજોના આ શાસનમાંથી મુક્તિ અપાવવા ગુજરાતના બે સપૂતો પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદી અપાવવા માટે અનેક સત્યાગ્રહો કર્યા હતા અને આ સત્યાગ્રહો થકી આજે આપણે આઝાદીના મીઠા ફળ આરોગી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારાને લોકો સુધી પહોચાડી રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલની જે ભૂમિકા રહી છે તે ભૂમિકાને ઉજાગર કરવા આજે યુનિટી માર્ચ પદયાત્રાનુ આયોજન કર્યુ છે. આ પ્રસંગે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સપનાને સાકાર કરવા માટે નાગરિકોને પ્રેરિત કરવાનો છે.
ઉર્જા મંત્રી ઋષિભાઈ પટેલે કાંસા ચાર રસ્તા પાસે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને વિશાળ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ
વધુમાં તેમણે કહ્યુ હતું કે, સરદાર પટેલનું જીવન સંઘર્ષમય રહ્યું છે. તેઓ દેશ સેવા માટે સતત કાર્યરત હતા. સરદાર પટેલે કરેલા નિર્ણયો દેશવાસીઓને હંમેશા યાદ રહેશે. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડાના એકીકરણ વખતે સરદારની જે ભૂમિકા હતી તે લોકો સદીઓ સુધી યાદ રાખશે. સરદાર પટેલના આવા દેશસેવાના કાર્યોને લોકો આજીવન યાદ રાખે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી સમગ્ર વિશ્વને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તાલુકાની શાળાઓમાં યોજાયેલી વકતૃત્વ, ચિત્ર સહિતની સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂતે સરદાર પટેલના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓ વિશે લોકોને વિગતવાર જાણકારી આપી હતી.
આ પદયાત્રા કાંસા ચોકડીથી થલોટા, રામપુરા કાંસા, કાંસા ગામ થઈ કાંસા એન. એ. વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ કુમકુમ તિલકથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
પદયાત્રા દરમિયાન રસ્તામાં આવતા દરેક સ્થળોએ કુમકુમ તિલકથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું
આ પદયાત્રામાં નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, છઁસ્ઝ્ર ચેરમેન જયંતીભાઈ પટેલ, જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસ્મીન, પ્રાંત અધિકારી વિકાસ રાતડા, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરી, રાજુભાઈ પટેલ(આર.કે.), શહેર પ્રમુખ ખુશાલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરી(ગુંજાળા), તાલુકા સંઘના પૂર્વ ચેરમેન મુકેશભાઈ ચૌધરી(મગરોડા), સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ(દેણપ), કડાના પૂર્વ સરપંચ જશુજી ચાવડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ, સખી મંડળની બહેનો સહિત વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.