Select Page

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા રાગીના લાડુના ૨૫૧૭૦ બોક્ષના વિતરણનુ પરિણામ મળ્યુ વિસનગર તાલુકામાં માતા અને બાળ મરણના દરમાં ઘટાડો

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા રાગીના લાડુના ૨૫૧૭૦ બોક્ષના વિતરણનુ પરિણામ મળ્યુ વિસનગર તાલુકામાં માતા અને બાળ મરણના દરમાં ઘટાડો

સગર્ભા માતા તંદુરસ્તી માટે પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી તત્કાલિન આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા ઓક્ટોબર ૨૦૨૪થી વિસનગર તાલુકાની તમામ સગર્ભા માતાઓને ડ્રાયફ્રુટ મિક્ષ રાગીના લાડુ સ્વરૂપે પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. રાગીના લાડુની બનાવટમાં રાગીનો લોટ, કાજુ, બદામ, અખરોટ, તલ, ટોપરૂ, ગુંદર, દેશી ગોળ, શેકેલી સિંગ, ઈલાયચી જેવા પોષણયુક્ત ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. સગર્ભા માતા માટે આ લાડુ ઋષિકેશભાઈ પટેલના કાર્યકર્તાઓની સીધી દેખરેખમા એપીએમસી વિસનગર ખાતે બનાવાય છે. તાલુકા હેલ્થ ઓફિસ વિસનગર મારફતે રાગીના લાડુના બોક્સ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે સગર્ભા માતાઓની સંખ્યા પ્રમાણે પહોંચાડવામાં આવે છે. અને ત્યાંથી ગ્રામ્ય લેવલે પહોંચાડી જન પ્રતિનિધિના હોદ્દેદારોના હસ્તે આશાબહેનો મારફત લાડુનુ વિતરણ કરવામાં આવે છે. જેનુ સીધું નિરીક્ષણ તાલુકા હેલ્થ ઓફિસર અને ભાજપ સંગઠનના સભ્યો દ્વારા કરવામાં આવે છે.
સગર્ભા માતાઓના આરોગ્ય અને પોષણને મતબુત બનાવવા માટે મંત્રીશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪ના ઓક્ટોબરમાં હયાત ૧૨૪૮ સગર્ભા, નવેમ્બરમાં ૧૩૦૮, ડીસેમ્બરમાં ૧૫૬૬, વર્ષ ૨૦૨૫ જાન્યુઆરીમાં ૧૩૦૮, ફેબ્રુઆરીમાં ૧૪૫૮, માર્ચમાં ૧૪૬૯, એપ્રિલમાં ૧૪૫૪, મે માં ૧૬૬૯, જુનમાં૧૬૯૫, જુલાઈમાં ૧૭૨૯, ઓગસ્ટમાં ૧૫૯૧, સપ્ટેમ્બરમાં ૧૫૧૫, નવેમ્બરમાં ૧૪૧૫, ડીસેમ્બરમાં ૧૩૩૯ અને જાન્યુઆરી ૨૦૨૬માં ૧૩૩૯ સગર્ભા માતાને લાડુનુ વિતરણ કરાયુ આમ ૨૫૧૭૦ પેકેટ રાગીના લાડુ સ્વરૂપે પોષણ કીટનુ વિતરણ કરવામાં આવેલ છે. આ પોષણ કીટમાં આર્યન, કેલ્શિયમ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ, એનર્જી જેવા ભરપુર પોષણ તત્વો હોય છે. આ પોષણ કીટ માતા અને ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે. આ પોષણ કીટના સેવનથી સગર્ભા માતાના વજન અને તંદુરસ્તીમાં વધારો થયેલ છે. જેનાથી તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકનો જન્મ થાય જે બાળમરણ અને માતા મરણ ઘટાડવામાં આશિર્વાદ સ્વરૂપ છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડા.આર.ડી.પટેલના જણાવ્યા અનુસાર “સ્વસ્થ માતા એટલે સ્વસ્થ સમાજ” સગર્ભા માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે માટે પોષણયુક્ત આહાર ખુબજ જરૂરી છે. પોષણ કીટ દ્વારા માતાઓમાં એનિમિયા ઘટાડવા તેમજ સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આ પોષણ કીટ માત્ર પોષણ પુરતું મર્યાદિત નથી. પરંતુ સગર્ભા માતાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો મહત્વપુર્ણ પ્રયાસ છે. આ પગલું માતા અને બાળક મુત્યુદર ઘટાડવામાં મહત્વપુર્ણ સાબિત થશે. સગર્ભા માતાઓના સ્વસ્થ ભવિષ્ય માટે હાથ ધરાયેલ આ પહેલને જનસમુદાય તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને આ કાર્યક્રમ આરોગ્યક્ષેત્રે એક મહત્વપુર્ણ માઈલસ્ટોન સાબિત થશે. બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ પોષણની બાબતમાં જાગૃત રહેવુ જોઈએ કેમકે માતાના સ્વાસ્થ્યની અસર ગર્ભસ્થ શિશુ પર થાય છે.
છેલ્લા પાંચ વર્ષના વિસનગર તાલુકાના બાળ મરણ તથા માતા મરણની માહિતી પરથી જાણી શકાય છે કે લોકભાગીદારીમા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને આરોગ્ય તંત્રના અથાગ પ્રયત્ન થકી બાળ મરણ અને માતા મરણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ બાળમરણ ૭૮, માતા મરણ ૭, વર્ષ ૨૦૨૨-૨૩માં બાળ મરણ ૭૦ માતા મરણ ૩, વર્ષ ૨૦૨૩-૨૪માં બાળ મરણ ૭૦, માતા મરણ ૩, વર્ષ ૨૦૨૪-૨૫માં બાળ મરણ ૫૬, વર્ષ ૨૦૨૫-૨૬મા બાળમરણ ૩૮ અને માતા મરણ ૧ થયુ હતુ.
સગર્ભા માતાને પોષણયુક્ત લાડુ વિતરણનો મુખ્ય હેતુ સગર્ભા માતાની તંદુરસ્તી વધારીને માતા મુત્યુદર ઘટાડવાનો છે. માતા મુત્યુદર એટલે ગર્ભાવસ્થા દરમિયાન પ્રસુતિ સમયે કે પછીના ૪૨ દિવસમાં થતા મૃત્યુ. ગુજરાતમાં માતા મૃત્યુ દરનું પ્રમાણ ઘટીને ૫૭ (પ્રતિ એક જીવિત જન્મે) થયુ છે. પરંતુ હજુ ૫૦ થી ૯૮% મૃત્યુ અટકાવી શકાય છે. ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં દર ૭૦થી નીચે લવવાનું લક્ષ્ય રાખ્યુ છે. માતા મૃત્યુદર અટકાવવાના પગલામાં મુખ્યત્વે પ્રસુતિ તબીબ કે નર્સ દ્વારા જ થવી જોઈએ એટલે કે સંસ્થાકીય સુવાવડ કરાવવી, સગર્ભા માતાની નોંધણી અને નિયમિત આરોગ્ય તપાસ, પોષણક્ષમ ખોરાક અને આર્યનની ઉણપ દુર કરવી અને કટોકટીના સમયે યોગ્ય અને સમયસર તબીબી સારવાર મળવી ખુબજ જરૂરી છે.