પૂર્વ સરપંચ ભરતભાઈ ગામી, તલાટીઓ તથા ફઝ્રઈની મહેનત થી કાંસામાં ૮૯૦ ખેડૂતોએ કૃષિ સહાયનો લાભ મેળવ્યો
કમોસમી વરસાદના કારણે વિસનગર તાલુકાના ૨૦ હજારથી વધુ ખેડુતોના પાકને નુકશાન થયુ હતુ. ત્યારે કાંસાના જાગૃત સેવાભાવી સરપંચે ગામના ખેડુતોને સરકારની કૃષિ સહાયનો લાભ મળે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવા તેમજ જરૂરી પુરાવા એકઠા કરવા સહયોગ આપ્યો હતો. સરપંચ ક્રિષ્નાબેનના પતિ ભરતભાઈ પટેલ (ગામી)ની નિઃસ્વાર્થ મહેનતથી આજે કાંસા ગામના ૮૯૦ જેટલા ખેડુતોને સરકારની કૃષિ સહાયનો લાભ મળ્યો છે.
પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના સહયોગથી ગામમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો કરી લોકચાહના મેળવી છે
ગુજરાત રાજ્યમાં આવેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અસંખ્ય ખેડુતોના પાકને નુકસાન થયુ હતુ. ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઈ જતા ખેડુતોએ સરકાર સમક્ષ આર્થિક સહાયની માગણી કરી હતી. જેમાં સરકારે રાજ્યના ખેડુતોને જમીન પ્રમાણે પાક નુકસાનીનું વળતર ચુકવવા રૂા.૧૦,૦૦૦ (દસ હજાર)નુ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. ત્યારે વિસનગર તાલુકાના કાંસા ગામના સેવાભાવી સરપંચ ક્રિષ્નાબેન પટેલ તથા તેમના પતિ પુર્વ સરપંચ ભરતભાઈ રેવાભાઈ પટેલ (ગામી)એ ગામના તથા ગામની સીમમાં જમીન ધરાવતા ખેડુતોને સરકારની કૃષિ સહાયનો લાભ અપાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં પુર્વ સરપંચ ભરતભાઈ પટેલે કોઈપણ પ્રકારની રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર ગામના ખેડુતોને કૃષિ સહાયનો લાભ અપાવવા ખેડુતોના ઘરે જઈ જરૂરી પુરાવા એકઠા કર્યા હતા. ખેડુતોને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં મદદ કરી હતી. પુર્વ સરપંચ ભરતભાઈ પટેલ (ગામી), તલાટી પિયુષભાઈ પટેલ, પંકજભાઈ મોદી તથા ગ્રામ પંચાયતના વી.સી.ઈ. કૃણાલભાઈ પટેલના સતત પ્રયત્નો અને નિઃસ્વાર્થ મહેનતથી આજે કાંસા ગામના આશરે ૮૯૦ ખેડુતોને સરકારની કૃષિ સહાયનો લાભ મળ્યો છે. આજે ગામના મોટાભાગના ખેડુતોના બેંક ખાતામાં સીધી કૃષિ સહાય જમા થઈ છે. જોકે પુર્વ સરપંચ ભરતભાઈ ગામીએ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના સહયોગથી ગામમાં કરેલા કરોડો રૂપિયાના વિકાસકાર્યોથી ગામમાં ભારે લોકચાહના મેળવી છે. કાંસા ગામમાં થયેલા વિકાસકાર્યોમાં વિસનગર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ અને તેમના પતિ કિરીટભાઈ ચેલાભાઈ પટેલ (કે.સી.)નું પણ નોંધપાત્ર યોગદાન રહ્યુ છે.