Select Page

ગુજરાતમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે-રાજ્યપાલ દેવવ્રત આચાર્ય

ગુજરાતમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે-રાજ્યપાલ દેવવ્રત આચાર્ય

કાંસામાં પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન ખેડૂત સંમેલન યોજાયુ

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારે ખેડુતોને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવા પ્રાકૃતિક ખેતીનુ મિશન ઉપાડયુ છે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર તાલુકાના કાંસા ગામમાં આવેલ અંબાજી માતા મંદિરના સંકુલમાં ગત રવિવારે ધરોઈ બ્રાન્ચ-ર પિયત સહકારી સંઘ દ્વારા ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં પાકૃતિક ખેતી માર્ગદર્શન માટે ખેડૂત સંમેલન યોજાયુ હતુ. જેમા રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીએ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેનુ ખેડૂતોને વિસ્તૃતમા માર્ગદર્શન આપ્યુ હતુ. આ ખેડૂત સંમેલનમા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રજનીભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, જીલ્લા કલેકટર એમ.નાગરાજન, ડી.ડી.ઓ.ડૉ.ઓમપ્રકાશ, વિસનગર પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, પિયત સહકારી મંડળીના પ્રમુખ જશુભાઈ પટેલ (કાંસા), ઉપપ્રમુખ અમૃતભાઈ પટેલ, રાજુભાઈ પટેલ (આર.કે), મહેન્દ્રભાઈ પટેલ (કમાણા), ર૮ ગામની પિયત મંડળીના પ્રમુખો, મંત્રીઓ તથા ખેડૂતો ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
વિસનગર તાલુકાના કાંસા ગામના અગ્રણી અને ધરોઈ શાખા- ર પિયત સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ પટેલ, વિસનગર સહીત આજુબાજુના પંથકના ખેડૂતોના હિતમા વર્ષોથી કામ કરે છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારમા નિડરતાથી રજૂઆત કરે છે. જશુભાઈના બહોળા અનુભવથી આજે ખેડૂતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. જશુભાઈના રાજકીય અને સહકારી ક્ષેત્રના વર્ષોના અનુભવથી કાંસા ગામ તથા વિસનગર તાલુકાના લોકોને મોટો લાભ મળી રહ્યો છે. જેથી જશુભાઈના દરેક કાર્યક્રમમા લોકો મોટી સંખ્યામા હાજરી આપે છે. જશુભાઈ પટેલના અથાક પ્રયત્નોથી ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની ઉપસ્થિતિમા કાંસામાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન ખેડૂત સંમલેનમા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામા હાજર રહેતા આ કાર્યક્રમ સફળ અને યાદગાર રહ્યો હતો. દરેક ગામમા જશુભાઈ પટેલ જેવો નિડર આગેવાન હોવો જોઈએ.
આ ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ કેવી રીતે બને તેની સતત ચિંતા કરે છે. જેના ભાગરૂપે આજે ગુજરાતમા નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ખેતર ફળદ્રુપ અને નરમ બને છે. પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કરતા વધુ ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતીમાં ઓછો ખર્ચ વધુ ઉત્પાદન થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પન્ન થતા અળશિયા અને સુક્ષ્મ જીવાણુ ધરતીને ફળદ્રુપ બનાવે છે. ધરતીમાતાને ફળદ્રુપ બનાવવામા અળશિયા તથા અન્ય સુક્ષ્મ જીવાણુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાકૃતિક ખેતીમા દેશી ગાયનુ છાણ જરૂરી છે. કારણ કે ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડથી વધુ સુક્ષ્મ જીવાણુ હોય છે. જો કે વર્ષો પહેલા ૪પ પ્રકારની નસલવાળી દેશી ગાયો હતી. પરંતુ આજે માત્ર રર નસલની જ ગાયો જોવા મળે છે. જેથી દરેક ખેડુતોએ ગૌ માતા આધારિત ખેતી કરી ઋષિમુનીઓની પરંપરાને જાળવવી જોઈએ.
વધુમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીનો તફાવત સમજાવતા જણાવ્યુ હતુ કે વર્ષો પહેલા જમીનમાં બેથી અઢી ટકા ઓર્ગેનિક કાર્બન હતુ. પરંતુ રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી આજે જમીનમાં ૦.૫ ટકાથી ઓછો ઓર્ગોનિક કાર્બન થઈ ગયો છે. જો આવી રીતે આગામી પ૦ વર્ષ સુધી રાસાયણિક ખેતી થશે તો ખેતર બંજર બની જશે. આજે એક એકર ખેતરમા રાસાયણિક ખેતી કરવામા આશરે રૂા.૧પ૦૦૦ ખર્ચ અને ૧૦૦ ટકા પાણી વપરાય છે. જેની સામે ર૮ કિવન્ટલ ઉત્પાદન મળે છે. જયારે પ્રાકૃતિક ખેતીમાં એક એકર ખેતરના વાવેતરમાં રૂા.ર૦૦૦ ખર્ચ અને પ૦ ટકા પાણી વપરાય છે. જેની સામે ૩૬ કિવન્ટલથી વધુ ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતી નિયમ મુજબ કરવામા આવે તો ખેતરને ફળદ્રુપ બનતા કોઈ રોકી નહી શકે ? વધુમાં તેમને જણાવ્યુ હતુ કે હુ ખેડૂત છુ. અને મે કુરુક્ષેત્ર જીલ્લામા ર૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી છે. ત્યારે રાસાયણિક ખેતી કરવા ખેતરની માટી અને પ્રાકૃતિક ખેતીના ખેતરની માટીનુ દેશની નામાંકિત લેબમાં પરિક્ષણ કરાવતા રસાયણિક ખેતીના ખેતરમા ૩૦ લાખ ૬૦ હજાર સુક્ષ્મ જીવાણુ જોવા મળ્યા હતા. જયારે પ્રાકૃતિક ખેતીના ખેતરમા ૧૬૧કરોડ સુક્ષ્મ જીવાણુ મળ્યા હતા. આમ પ્રાકૃતિક ખેતી ફાયદાકારક અને ખેતરને બંજર બનતા અટકાવે છે.
જ્યારે ગુજરાતના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારે ખેડૂતોને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવા પ્રાકૃતિક ખેતીનુ મિશન ઉપાડયુ છે. જો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ખેડુતોને પ્રાકૃતિક ખેતી સાથે ડ્રીપ ઈરીગેશન અને સ્પ્રિકલર જેવી પધ્ધતિ અપનાવી પાણી બચાવવા અપીલ કરી હતી. પરંતુ જાગૃતિના અભાવે આજે પણ ખેડૂતો રાસાયણિક ખેતી કરે છે. જેનાથી લોકોના આરોગ્યને નુકશાન થાય છે. જયારે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરવાની ખેડૂતોની આર્થિક મોટો ફાયદો થાય છે. ખેતર ફળદ્રુપ રહે છે. સાથે સાથે લોકોનુ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. તેમ જણાવી ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા આહૃવાન કર્યુ હતુ. આ ઉપરાંત પિયત સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ પટેલ (કાંસા) તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમા ગામના અગ્રણી શંકરભાઈ પટેલ (ઘડીયાળી) તથા પૂર્વ સરપંચ રમેશભાઈ પટેલ (પ્રભુ) સહીત કાંસા પીપલ્સ કો.ઓપરેટીવ સોસાયટીની ટીમે આમંત્રિત મહાનુભાવો તથા ખેડુત ભાઈ-બહેનો માટેના ભોજન વ્યવસ્થાની જવાબદારી નિભાવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us