મુખ્યમંત્રીના હસ્તે રૂા.૪૯૫ કરોડના વિકાસ કાર્યોનુ ખાતમુહૂર્ત-લોકાર્પણ
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની કર્તવ્યનિષ્ઠાથી વિસનગરમાં ઈતિહાસ રચાશે
- બાયપાસ હાઈવે વળતરના ચેક વિતરણ સાથે ખાતમુહૂર્ત થશે
આજથી પાલિકાનુ તમામ કામકાજ નવા ભવનમાં
આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂા.૬.૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિસનગર પાલિકાના નવીન ભવનનુ પણ લોકાર્પણ થશે. સ્ટેશન રોડ-ગૌરવપથ ઉપર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં બનેલ પાલિકા ભવનમાં આજથી પાલિકાને લગતુ તમામ કામકાજ શરૂ થશે. શહેરી વિસ્તારના લોકોને હવે પાલિકાને લગતા તમામ કામ માટે નવીન પાલિકા ભવનનો સંપર્ક કરવાનો રહેશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂા.૪૯૫ કરોડના વિકાસ કામોનુ ખાતમૂહુર્ત અને લોકાર્પણની સાથેજ વિસનગરમાં ઈતિહાસ રચાશે. પરિસ્થિતિ પહેલા એવી હતી કે એક કરોડ રૂપિયાના વિકાસ કામ માટે મંજુરીની રાહ જોવી પડતી હતી. અત્યારે કેબીનેટ મંત્રીના ઋષિભાઈ પટેલના શહેર અને તાલુકાની જનતાને સુવિધાઓ પુરી પાડવાના અથાક પ્રયત્નોથી કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામ થઈ રહ્યા છે. નાત જાતના ભેદભાવ વગર સર્વ જન હિતાય, સર્વ જન સુખાયના ધ્યેયથી કામ કરવાના કારણથીજ આરોગ્ય મંત્રીએ લોકપ્રીયતા પ્રાપ્ત કરી છે.
વિસનગર શહેર અને તાલુકાના લોકોને આરોગ્ય, શૈક્ષણિક તથા ભૌતિક સુવિધાઓ પુરી પાડવા માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની કર્તવ્ય નિષ્ઠાથી રૂા.૪૯૫ કરોડના વિકાસ કામોનુ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થશે. આજે તા.૧૯-૫-૨૦૨૫ ને સોમવારના રોજ સવારે ૯-૦૦ કલાકે પાલડી ત્રણ રસ્તા પાસે આવેલ એપીએમસીના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ તથા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રૂા.૪૨૩ કરોડથી વધુ ખર્ચે ૭૬ કાર્યોનુ ખાતમુહૂર્ત તેમજ રૂા.૭૨ કરોડથી વધુના ખર્ચે ૧૮ કાર્યોનુ લોકાર્પણ થશે.
કયા વિકાસ કામોનુ લોકાર્પણ થશે તે જોઈએ તો, રૂા.૩૦ કરોડના ખર્ચે બનેલ જી.ડી.જનરલ હોસ્પિટલમાં નવીન ઓટી તથા અદ્યતન તબીબી સાધનો સાથેનુ હોસ્પિટલ બીલ્ડીંગ, રૂા.૬.૭૦ કરોડના ખર્ચે તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં નવીન નગરપાલિકા ભવન, રૂા.૪.૪૭ કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત ભવન, રૂા.૭.૫૦ કરોડના ખર્ચે દેણપ, તરભ, જેતલવાસણા રોડ, રૂા.૪.૪૬ કરોડના ખર્ચે ગંજબજાર વરસાદી લાઈન સાથેના રૂા.૭૫.૧૫ કરોડના ખર્ચે થયેલા વિકાસ કાર્યોનુ લોકાર્પણ કરવામાં આવશે.
કયા મહત્વના વિકાસ કાર્યોનુ ખાતમુહૂર્ત કરવામાં આવશે તે જોઈએ તો, રૂા.૪.૪૬ કરોડના ખર્ચથી બનનાર ધરોઈ કોલોનીમાં રેસ્ટ હાઉસ, રૂા.૭.૨૧ કરોડના ખર્ચે અનુ.જાતિની કન્યાઓના સરકારી છાત્રાલયનુ બાંધકામ, એમ.એન.કોલેજમાં રૂા.૫.૯૧ કરોડના ખર્ચે પરીક્ષા ભવન, કોમ્પ્યુટર સેન્ટર ઓફીસ બીલ્ડીંગ, રૂા.૨૦.૬૪ કરોડના ખર્ચે ટ્યુટોરીયલ બીલ્ડીંગ, રૂા.૩.૬૩ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વૉલ, રૂા.૧૩.૩૯ કરોડના ખર્ચે સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, રૂા.૪.૦૫ કરોડના ખર્ચે એકોસ્ટીક વૉલ-સીલીંગ સેન્ટ્રલી એ.સી. સાથેનો કોમ્યુનીટી હૉલ, રૂા.૫.૩૬ કરોડના ખર્ચે રેસ્ટહાઉસ, રૂા.૯.૧૨ કરોડના ખર્ચે સેમીનાર હૉલ, રૂા.૨૦ કરોડના ખર્ચે વિસનગર-ઉંઝા હાઈવે ઉપર નવીન બ્રીજ, રૂા.૩૫ કરોડના ખર્ચે મહેસાણા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીનો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથેનો ચાર માર્ગીય સી.સી.રોડ, રૂા.૨૧૦ કરોડના ખર્ચે ફોરલેન બાયપાસ, સહિત કુલ ૭૬ વિકાસ કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મહત્વની બાબત તો એ છેકે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ પ્લસ વન નવા ઓપીડી બીલ્ડીંગ માટે અગાઉ રૂા.૬ કરોડ મંજુર થયા હતા. જેમાં રૂા.૩ કરોડ ફાળવવામાં આવતા ઓપીડી બીલ્ડીંગ બન્યુ હતુ. ત્યારબાદ તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે બીજા રૂા.૩ કરોડ મંજુર નહી કરતા ઓપીડી બીલ્ડીંગનો પ્રથમ માળ બની શક્યો નહોતો. શહેર અને તાલુકાના લોકોને આરોગ્યની ઉત્તમ સેવાઓ મળી રહે તેવી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની લાગણીથી રૂા.૩૦ કરોડના ખર્ચે હોસ્પિટલનુ નવુ બીલ્ડીંગ બન્યુ છે. આજ રીતે ૨૦૧૨ માં બાયપાસ મંજુર થયો હતો, જેનુ કામ પણ રાજકીય કિન્નાખોરીમાં ખોરંભાયુ હતુ. ત્યારે આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી રૂા.૨૧૦ કરોડના ખર્ચે બાયપાસ બનશે.