Select Page

સરકારી ગ્રાન્ટના અભાવે મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના SBMઅને મનરેગા શાખાના કર્મચારીઓનો પગાર અટવાયો

સરકારી ગ્રાન્ટના અભાવે મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના SBMઅને મનરેગા શાખાના કર્મચારીઓનો પગાર અટવાયો

સરકારની સ્વચ્છ ભારત મિશન અને મનરેગા યોજનાનો લાભ ગામેગામ પહોચાડનાર મહેસાણા જીલ્લાના તમામ કરાર આધારિત કર્મચારીઓનો છેલ્લા ચાર-પાંચ માસથી પગાર નહી થતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના મનસ્વી વહીવટથી કર્મચારીઓ પોતાના હકનો ઈ.પી.એફ.ના નાણા પણ ઉપાડી શકતા નથી. ત્યારે વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરનાર ભાજપ સરકાર સામાન્ય પગારમાં નોકરી કરતા મહેસાણા જીલ્લાના કરાર આધારિત કર્મચારીઓના પગારની ચિંતા કેમ કરતી નથી? તેવો વેઘક પ્રશ્ન કર્મચારીઓના મનમાં સતાવી રહ્યો છે.
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડા ગમે તે કારણે એપ્રુવલ નહી આપતા કર્મચારીઓ પોતાના ઈ.પી.એફના જમા નાણા પણ ઉપાડી શકતા નથી.
અત્યારે મહેસાણા ગ્રામ વિકાસ કચેરીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની વિચારધારાવાળા કર્મચારીઓના વિવાદથી વાતાવરણ ડહોળાયુ છે.
આજની મોંઘવારીમા સામાન્ય પગારમાં નોકરી કરતા કોઈપણ પરણિત કર્મચારીનો બે મહિના સુધી પગાર ન થાય તેને પોતાના પરિવારનુ નિર્વાહ ચલાવવુ મુશ્કેલ બની જાય છે. જેમા કેટલાક કર્મચારીઓતો સમયસર મહિને પગાર નહી મળતા તેઓ પોતાનો નાણાંકીય વ્યવહાર સાચવવા ઉંચા વ્યાજના ચક્કરમાં પિસાય છે. મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન અને મનરેગા યોજના શાખાના સમગ્ર જીલ્લાના કરાર આધારિત કર્મચારીઓનો છેલ્લા ચાર-પાંચ મહિનાથી સરકારની ગ્રાન્ટના અભાવે પગાર નહી થતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કર્મચારીઓ પોતાના પરિવારનુ નિર્વાહ ચલાવવા સગા-સબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના લઈ રહ્યા છે. આશરે રૂા.૧પ૦૦૦ ના સામાન્ય પગારમાં નોકરી કરતા આ બન્ને શાખાના કર્મચારીઓએ પગાર બાબતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડાને પણ ત્રણ ચાર વખત રજુઆત કરી હતી. ત્યારે તેઓ સરકારમાંથી ગ્રાન્ટ આવશે ત્યારેજ પગાર થશે તેવુ કર્મચારીઓને જણાવી રહ્યા છે. સરકારી ગ્રાન્ટના અભાવે કર્મચારીઓને પગારની સાથે ટી.એ.ડી.એ.બીલ પણ નહી મળતા અત્યારે કર્મચારીઓને “ભુખ્યા પેટે ભજન” કરવા જેવી દયનીય હાલત થઈ છે. વધુમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડા કર્મચારીઓના પગારમાંથી કપાતા ઈ.પી.એફના જમા નાણા ઉપાડવા માટે એપ્રુવલ પણ આપતા નથી. જેના કારણે કર્મચારીઓ પોતાના હકના નાણા લેવા માટે લાચારી અનુભવી રહ્યા છે. કર્મચારીઓમા એવી ચર્ચા છે કે વિધાનસભાની ચુંટણીમા મહેસાણાની એક મહિલા કર્મચારીએ મહિલા કર્મચારીઓના વોટસએપ ગ્રૃપમાં આડકતરી રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કરવાના મેસેજો કરતા ભાજપ સમર્પિત કર્મચારીઓએ તેનો વિરોધ કર્યો હતો. જેની નિયામક ચાવડાને પાછળથી જાણ થઈ હોવા છતા તેમને કોઈ નિષ્પક્ષ કાર્યવાહી નહી કરતા આજદીન સુધી કર્મચારીઓનો વિવાદ શમ્યો નથી. અત્યારે મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં ભાજપ અને આમ-આદમી પાર્ટીની વિચારધારા વાળા કર્મચારીઓ અંદરો અંદર વહેચાઈ ગયા છે. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગ્રામ વિકાસ કમિશ્નર મનિષાબેન ચંદ્રા કસુરવારો સામે કડક પગલા નહી લે તો લોકસભાની ચુંટણીમાં પણ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ વચ્ચે ભાજપ અને આમ-આદમી પાર્ટીનુ ભુગર્ભ રાજકારણ ખેલાશે. અને નિર્દોષ કર્મચારીઓ નોકરીમાં હેરાન થશે. અગાઉ આમ આદમી પાર્ટીની વિચારધારાવાળી મહિલા કર્મચારી અને નિયામકે ભેગા મળી ડી.ડી.ઓ.ને ગુમરાહ કરી વિસનગરના ભાજપ સમર્પિત આઉટ સોર્સ મહિલા કર્મચારી સહીત ત્રણને તાત્કાલિક છુટા કર્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us