Select Page

ભાજપ શાસીત પાલિકામાં વિકાસ કામ થતા નથી તે કોંગ્રેસનુ નર્યુ જુઠ્ઠાણુ-રૂપલભાઈ પટેલ

પાલિકાના રૂા.૧૦ કરોડના વિકાસને કોન્ટ્રાક્ટરોની હડતાળથી બ્રેક

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં આઉટશોર્સીંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્વચ્છતા ચેરમેનના આક્ષેપથી તેમજ પાલિકા પ્રમુખે શેડ બનાવી દબાણ કર્યુ હોવાના વિવાદથી ભાજપ શાસીત બોર્ડ વિવાદના વમળોમાં ફસાયુ હતુ. જે મુદ્દો વિરોધ પક્ષે ઉઠાવતા ભાજપના સભ્યો એક થયા છે. પાલિકામાં યોજાયેલ મીટીંગમાં ભાજપના બોર્ડમાં કેટલો વિકાસ થયો છે તેની આંકડાકીય માહિતી આપી કોંગ્રેસ જુઠાણુ ચલાવી રહી હોવાનુ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતુ. ત્યારે કોન્ટ્રાક્ટરોની હડતાળથી રૂા.૧૦ કરોડના વિકાસ કામનુ ટેન્ડરીંગ થઈ શક્યુ નહી હોવાની વિગતો આપી હતી. વિસનગર ભાજપ શાસીત પાલિકાના સ્વચ્છતા ચેરમેન રંજનબેન પરમાર દ્વારા આઉટશોર્સીંગમાં રૂા.૫ લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપથી પાલિકાનુ બોર્ડ વિવાદના વમળોમાં ફસાયુ છે. આ દરમ્યાન તાલુકા પંચાયત સામેના માર્કેટમાં માર્જીનની જગ્યામાં શેડ બનાવવામાં આવતા પ્રમુખ વર્ષાબેન પટેલ ગેરકાયદેસર દબાણ કરી રહ્યા હોવાની બાબતથી ભાજપના બોર્ડમા ભુકંપ સર્જાયો હતો. જે મુદ્દાઓ ઉઠાવી કોંગ્રેસ દ્વારા આક્ષેપોનો દોર શરૂ કરતા રાજકીય હલચલ તેજ બની હતી. કોંગ્રેસે એ પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના બોર્ડ સત્તા મેળવ્યા બાદ વિકાસ કામમાં કંઈ ઉકાળી શક્યા નથી. વિવિધ મુદ્દે ભાજપનું બોર્ડ ભીસમાં આવતા તા.૧૭-૨-૨૦૨૨ ના રોજ પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, દંડક મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ દેસાઈ(આર.ડી.), પ્રકાશભાઈ પટેલ, બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ તથા સભ્યોની ઉપસ્થિતિમાં તાત્કાલીક મીટીંગ બોલાવી હતી.• આઉટશોર્સીંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સફાઈ ચેરમેનના આક્ષેપમાં કોઈ તથ્ય નથી-પ્રમુખ વર્ષાબેન પટેલ• સારો અને સ્વચ્છ વહીવટ આપવા માટે ભાજપનુ બોર્ડ કટીબંધ છે-બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ• સાધનોના પાર્કિંગ માટે શેડ બનાવ્યો છે. પાલિકાને અડચણ હોય તો સ્વેચ્છાએ ખસેડી લેવાની ખાત્રી આપીએ છીએ-ર્ડા.જે.સી.પટેલ આ મીટીંગમાં ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપના બોર્ડમાં વિકાસ થતો નથી તેવુ કોંગ્રેસ નર્યુ જુઠાણુ ચલાવી રહી છે. વિકાસ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ ચેરમેન, બાંધકામ ચેરમેન તથા સભ્યોએ ૨૦ થી ૨૫ વખત ગાંધીનગરની મુલાકાત લીધી છે. જેમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના સાથ સહકારથી વહીવટી અને તાંત્રીક મંજુરીઓ મળી છે. કેબીનેટ મંત્રીશ્રીની સીધી દેખરેખમાં વિકાસ થઈ રહ્યો છે. પૂર્વ પ્રમુખે વિકાસ કામ થતા નથી અને ટેન્ડર પાડી શક્યા નથી તે વાત વાહીયાત છે. ભાજપે પાલિકામાં સત્તા સંભાળ્યા બાદ ડામર રીસરફેશીંગ, પેવર બ્લોક, ગટરલાઈન, સી.સી.રોડ, ડીજીટલ વૉટર મીટર, ટ્યુબવેલ, ડી.આઈ. પાઈપલાઈન, જી.ડી.હાઈસ્કુલમાં સાયન્સ લેબોરેટરી, આદર્શ સામે કમ્પાઉન્ડમાં પંપ રૂમ, પી.વી.સી.પાઈપલાઈન ખરીદી, ટ્યુબવેલના પંપ બગડે તો કાઢવા ઉતારવા, પીવાના પાણીની પાઈપલાઈન વિગેરે વિકાસ કામ માટે રૂા.૫૭૬.૪૦ લાખની કામગીરીના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. આ તમામ વર્કઓર્ડર ભાજપના શાસનમાં આપવામાં આવ્યા છે અને થઈ રહેલા વિકાસ કામ શહેરના નાગરિકોને દેખાય છે પરંતુ વિરોધના ચશ્મા પહેરેલ કોંગ્રેસને દેખાતા નથી. વિકાસ કામની વધુ વિગતો આપતા ઉપપ્રમુખે જણાવ્યુ હતું કે, રૂા.૧૬ લાખની એલ.ઈ.ડી.લાઈટ ખરીદાઈ છે. સર્વે નં.૩૦૫ માં ઘણા સમયથી ભંગાર પડ્યો હતો. તેને અલગ તારવી ભંગારની પારદર્શક હરાજી કરી રૂા.૪૫.૭૧ લાખની ઉપજ પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત થઈ છે. જે બદલ બોર્ડના તમામ સભ્યોને અભિનંદન આપ્યા હતા. ક્લોરીનેશન માટે ગેસના બાટલા રીફીલીંગ, જંતુનાશક દવા ખરીદી, પ્રીશોર્ટીંગ પ્લાન્ટ, ઓ.ડબ્લ્યુ.સી.મશીન, મેન પાવર સપ્લાયના વાર્ષિક ભાવ મંગાવવા, હાથલારી સપ્લાય તથા ડસ્ટબીન સપ્લાય માટે રૂા.૨૮૦ લાખનુ ટેન્ડરીંગ કરી ફક્ત વર્ક ઓર્ડર આપવાના બાકી હોવાની માહિતી આપી હતી. શહેરને લગતા મહત્વના વિકાસ કામ બાબતે ઉપપ્રમુખે વિગતો આપી હતી કે, કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર અધિકારીઓ સાથે મીટીંગ કર્યા બાદ રૂા.૧૦૯૯.૦૩ લાખના કામોની વહીવટી તથા તાંત્રીક મંજુરી મળી છે. જેમાં રૂા.૧૨૬.૯૩ લાખ ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધી પાઈપલાઈન, રૂા.૪૪.૫૩ લાખ ધર્મશાળા રીનોવેશન, રૂા.૨૨૧.૩૭ લાખ ગૌરવપથ રોડ વિકાસ, રૂા.૫૬.૭૯ લાખ લાલ દરવાજા વોટર વર્કસમાં ૨૦ લાખ લીટરનો સંપ, રૂા.૫૧.૯૬ લાખ શહેરમાં પ્લાન્ટેશન, રૂા.૧૧૭.૩૪ લાખ દગાલાથી કાંસા ચારરસ્તા સુધી વરસાદી પાણીની કેનાલ, રૂા.૬૫.૬૯ લાખ સ.નં.૩૦૫ માં શેડ, ગોડાઉન, શબ ઓફીસ, રૂા.૯૮.૪૪ લાખ સી.સી.રોડ, પેવર બ્લોક, ટોયલેટ, પ્રોટક્શન વૉલ, સ્લેબ, ઓવરફ્લો ગેટ, રૂા.૮૬.૭૭ લાખ પેવર બ્લોક, ડ્રેનેજ લાઈન, સ્લેબ, સ્ટ્રોમ વૉટર લાઈન, રૂા.૮૯.૪૫ લાખ સી.સી.રોડ પેવર બ્લોક, ટોયલેટ, પ્રોટેકશન વોલ, કેનાલ સ્લેબ, સ્મશાનની કામગીરી, રૂા.૬૧.૭૧ લાખ જુદી જુદી જગ્યાએ સી.સી.રોડ, રૂા.૨૯.૩૫ લાખ વાલ સપ્લાય તથા ફીટીંગ, ઓવરહેડ ટાંકીમાં ચડતી ઉતરતી પાઈપો, રૂા.૨૬.૬૯ લાખ સી.સી.રોડ, વરંડા, ટોયલેટ, બાથરૂમ, ગટરલાઈન, સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી તથા રૂા.૨૨.૧૪ લાખ જનભાગીદારી યોજના અંતર્ગત રહેણાંક મકાનોની ગટરલાઈનને મુખ્ય ગટરલાઈન સાથે જોડાણની કામગીરી માટેના ૧૦૯૯.૦૩ લાખના ટેન્ડર તૈયાર છે. પરંતુ કોન્ટ્રાક્ટરોની હડતાળના કારણે ટેન્ડરીંગ થઈ શકતુ નથી. ટેન્ડર પાડીએ તો ખર્ચ પણ માથે પડવાનો છે. કોન્ટ્રાક્ટરોની હડતાળ સમેટાશે તેના બીજા દિવસે પાલિકા દ્વારા અસંખ્ય વિકાસ કામના ટેન્ડર પાડવામાં આવશે. ગત બોર્ડમાં ભ્રષ્ટાચાર કોને કર્યો તે શોધવાનો સમય બગાડવા માગતા નથી. સુફીયાણી વાતો કરનાર કાચ આગળ ઉભા રહેશે તો ખબર પડશે કે અરીસો શુ કહે છે. પાલિકા પ્રમુખ ઉપર થયેલા દબાણના આક્ષેપમાં ઉપપ્રમુખે વિગતો આપી હતી કે માર્કેટના ભાડુઆત ર્ડા.જે.સી.પટેલ દ્વારા શેડ બનાવવામાં આવ્યો છે. સાઈડની જગ્યાનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરવા શેડ બનાવવામાં આવ્યો છે. આ જગ્યા માર્કેટના માલિક કે કોઈની વ્યક્તિગત નથી. ફોલ્ડીંગ શેડ બનાવ્યો છે. કોઈની અડચણરૂપ થાય તો સ્વેચ્છાએ ખસેડી લેવાની ખાત્રી આપી છે. પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ હતું કે, પાર્ટીએ શહેરની જવાબદારી આપી છે ત્યારે વિકાસ કામમાં પાછીપાની થવાની નથી. શહેરની ગટર યોજના, રમતગમત મેદાન, કોમ્યુનીટી હૉલ, પાલિકા ભવનની જગ્યા સંપાદન, અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા, દરબાર કમ્પાઉન્ડમાં સંપ તથા ઓવરહેડ ટાંકી વિગેરે વિકાસ કામ માટે કેબીનેટ મંત્રીશ્રી ઋષિભાઈ પટેલની સુચના તથા દોરવણીથી સતત પ્રયત્નો ચાલુ છે. જેમાં સફળતા મળવાની છે. બન્ને ટાવરની ઘડીયાલ રીપેરીંગ માટે ત્રીજી વખત ટેન્ડરીંગ કરવામાં આવનાર છે. બીજી વખતના ટેન્ડરમાં રૂા.૫ લાખના ખર્ચનુ ટેન્ડર આવતા રદ કરવામાં આવ્યુ છે. ભાજપના તમામ સભ્યોના સહકારથી વિકાસ કામ ધમધમી રહ્યા છે અને અગાઉ ક્યારેય થયો ન હોય તેવો વિકાસ થવાનો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us