દેપલ તળાવનુ રૂા.૯૭ લાખના ખર્ચે બ્યુટીફીકેશન થશે
વિસનગરમાં જાળેશ્વર રોડ ઉપર આવેલ દેપલ તળાવના વિકાસ માટે વર્ષોથી માગણી હતી. માગણી સાથે આ વિસ્તારનો વિકાસ થતો નહી હોવાની પણ એટલીજ નારાજગી હતી. ત્યારે નાત જાતના ભેદભાવ વગર વિકાસના હિમાયતી એવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવતા રૂા.૯૭ લાખના ખર્ચે દેપલ તળાવનુ બ્યુટીફીકેશન થશે. દેપલ તળાવ વિકાસની મંજુરી સાથેજ કડા દરવાજા ઠાકોર સમાજની વર્ષોની માગણી સંતોષાઈ છે. જેનો સીધો લાભ લોકસભાની ચુંટણીમાં થશે.
આગવી ઓળખની રૂા.૪ કરોડની ગ્રાન્ટમાં પીંડારીયા તળાવનુ બ્યુટીફીકેશન થતા શહેરના અન્ય તળાવના વિકાસ માટે પણ ઘણા સમયથી માગણી થઈ રહી છે. જાળેશ્વર રોડ ઉપર આવેલ દેપલ તળાવ આ વિસ્તાર માટે ઘણુ ઉપયોગી છે. કડા દરવાજા ઠાકોર સમાજના લોકો પશુ પાલન સાથે સંકળાયેલા છે. ત્યારે દેપલ તળાવ પશુ પાલનમાં ઘણુ ઉપયોગી થઈ રહ્યુ છે. દશામાના વ્રતમાં પણ આ તળાવમાં મૂર્તિઓ પધરાવે છે. શ્રાવણ માસમાં જાળેશ્વરના મેળામાં પણ તળાવની પાળનો સહેલાણીઓ ઉપયોગ કરે છે. ત્યારે પાલિકા અને તંત્રની ઉપેક્ષાના કારણે તળાવની હાલત ખુબજ ખરાબ થઈ છે. તળાવના પાળા ધોવાઈ ગયા છે. આસપાસ ઝાડી જાખરા ઉગ્યા છે અને ગંદકી પણ જોવા મળે છે.
શહેરના દેળીયા અને પીંડારીયા તળાવના વિકાસ માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવતા દેપલ તળાવના વિકાસ માટે પણ ગ્રાન્ટ ફળવાય તેવી કડા દરવાજા ઠાકોર સમાજની વર્ષોની માગણી હતી. ગત વિધાનસભાની ચુંટણીમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે બાહેધરી આપતા પાલિકા સભ્ય તથા દંડક અમાજી ઠાકોરે દેપલ તળાવનો વિકાસ થશે તેવુ ચુંટણી સભાઓમાં જણાવ્યુ હતુ. ત્યારબાદ વોર્ડ નં.૮ માં આવતા આ તળાવના વિકાસ માટે દંડક અમાજી ઠાકોર અને સભ્ય રંજનબેન વિજયભાઈ પરમાર દ્વારા દેપલ તળાવની ગ્રાન્ટ માટે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. આ તળાવના વિકાસ માટે પાલિકામાં પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. કેબીનેટ મંત્રી નાત જાતના ભેદભાવ વગર શહેરના તમામ વિસ્તારને વિકાસનો લાભ મળે તેવો અભિગમ દાખવે છે. કેબીનેટ મંત્રીની સુચનાથી સીંચાઈ વિભાગ દ્વારા દેપલ તળાવના બ્યુટીફીકેશન માટે દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્તમાં તળાવના પાળા ઉપર ઝાડી જાખરા કટીંગ થાય, તળાવની ગંદકી દૂર થાય તેમજ પ્રોટેક્શન વૉલ અને તળાવની દિવાલ ઉપર પથ્થર પીચીંગ થાય, ઉપરાંત્ત અમુક ભાગમાં તળાવ ઉપર વૉક-વે બને તે માટેની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે દેપલ તળાવ બ્યુટીફીકેશન માટેની દરખાસ્તમાં કેબીનેટ મંત્રીની ભલામણથી જળ સંપત્તિ વિભાગના મંત્રી દ્વારા ખાસ કિસ્સામાં રૂા.૯૭,૬૦,૧૯૦/- ની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. દેપલ તળાવના વિકાસ માટે વર્ષોની માગણી હતી. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી તળાવ બ્યુટીફીકેશન માટે માતબર રકમની ગ્રાન્ટ ફળવાતા દેપલ તળાવ હરવા ફરવા માટેનુ સ્થળ બની રહેશે. સંરક્ષણ દિવાલ અને પથ્થર પીચીંગના કારણે તળાવમાં જળ સંગ્રહ પણ થશે. જેનો આ વિસ્તારના પશુ પાલકોને પણ મોટો ફાયદો થશે.