રૂા. ૩૧૭ કરોડની યોજના મંજુર થતા સરકારનો આભાર માનવાખેરાલુ ધારાસભ્ય સાથે આંદોલનકારીઓ પણ ગાંધીનગર પહોચ્યા
ખેરાલુ તાલુકાની જીવાદોરી ચિમનાબાઈ સરોવર અને સતલાસણા તાલુકાની જીવાદોરી વરસંગ તળાવ તરીકે ઓળખાય છે. પરંતુ કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોથી ખેરાલુ-સતલાસણા તાલુકાની જીવાદોરી ધરોઈ ડેમ આધારીતે રૂા.૩૧૭.૦ર કરોડની સિંચાઈ યોજના કહેવાશે. જે યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજુર કરી દેતા બન્ને તાલુકાઓમાં આનંદ છવાયો છે. હવે સરકારની તરફેણ કરનારા અને સિંચાઈના પાણીના મુદ્દે સરકારનો વિરોધ કરનારા ભેગા મળીને સરકારનો આભાર માનવા પહોચ્યાનો ઈતિહાસમાં ખુબ ઓછા જોવા મળતા પ્રસંગો પૈકીના આ બનાવ કહેવાશે.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાચો વિરોધ કરનારને સાથે બેસાડે છે પરંતુ ખોટો વિરોધ કરનાર સાથે સમાધાન કરતા નથી તેવું ટુંક સમયના ધારાસભ્યકાળમાં જોવા મળ્યુ છે. ત્યારે રૂા.૩૧૭ કરોડની ધરોઈ ડેમ આધારીત સિંચાઈ યોજના મંજુર કરાતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાથે ખેરાલુ-સતલાસણા જળ અભિયાન સમિતિના સભ્યો સાથે મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓનો આભાર માનવા ગાંધીનગર પહોચ્યા હતા.
આ યોજના મંજુર કરાતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,તત્કાલિન સિંચાઈ મંત્રી અને હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય કક્ષાના સિંચાઈ મંત્રી મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તેમજ ઉત્તર ગુજરાતના મુખ્ય ઈજનેર એમ.ડી.પટેલ પાસે પહોચી મીઠાઈ ખવડાવી પુષ્પ ગુચ્છથી આભાર માન્યો હતો. જેમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આભાર માનવા આવેલા લોકોને ર૦ મીનીટનો સમય ફાળવી ચર્ચાઓ કરી હતી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાથે ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ પતિ ભરતભાઈ ચૌધરી, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, પાટણ લોકસભા સીટમાં ખેરાલુ વિધાનસભાના ઈન્ચાર્જ તથા પુર્વ નગર પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ, ભાજપ અગ્રણી એડવોકેટ નરેશભાઈ બારોટ, કિસાન મોરચા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બારોટ, ગોવિંદભાઈ પ્રજાપતિ (વઘવાડી), દિનેશભાઈ મોદી (ડભાડ), જયરાજસિંહ પરમાર,દશરથભાઈ પ્રજાપતિ (બળાદ), પવનભાઈ ચૌધરી તેમજ આંદોલનકારીઓમાં વિષ્ણુપ્રસાદ મેવાડા, વિરજીભાઈ ચૌધરી (વિઠોડા), રમેશભાઈ ચૌધરી (મંદ્રોપુરા), પ્રતાપસિંહ રાણા (ડાલીસણા), કિર્તીભાઈ ચૌધરી (ડાવોલ) સહીત ભાજપના આગેવાનો અને આંદોલનકારીઓ સાથે ૪પ થી પ૦ લોકો આભાર માનવા પહોચ્યા હતા. પરત ફર્યા પછી ભાજપના આગેવાનો પોતાના ઘરે ગયા હતા જયારે આંદોલનકારીઓ યોજના મંજુર કરાવવા માટે બે વર્ષ સુધી સંઘર્ષ કરનાર પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરનો આભાર માનવા પહોચ્યા હતા.
આભાર દર્શનનો કાર્યક્રમ પત્યા પછી બીજા દિવસે ભાજપના ત્રણ ગ્રૃપોમાં વિવાદ જોવા મળ્યો હતો કે પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, પ્રદેશ ભાજપ મંત્રી પંકજભાઈ ચૌધરી, ખેરાલુ વિધાનસભાના જિલ્લા ડેલીગેટો, તાલુકા ભાજપ પ્રમુખો સહીત ઘણા બધા લોકોને કેમ સાથે ગાંધીનગર લઈ ગયા નથી ? તેવો વિવાદ શરૂ થયો છે. જે હોય તે પણ ઈતિહાસમાં પહેલીવાર સરકારનો વિરોધ કરનારાને ધારાસભ્ય સરકારમાં આભાર માનવા લઈ ગયા હતા.