છેલ્લા ચાર માસથી પગાર કે પ્રવાસી ભથ્થુ નહી મળતા મહેસાણા જીલ્લાના જીમ્સ્ શાખાના કર્મચારીઓની કામ નહી કરવાની ચિમકી
મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની ભેદભાવભરી નિતીથી છેલ્લા ઘણા સમયથી કરાર આધારિત કર્મચારીઓમાં ભારે આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મહેસાણા જીલ્લાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય)ના કર્મચારીઓનો છેલ્લા ૪ માસથી પગાર તેમજ ૬ માસથી પ્રવાસી ભથ્થા બીલ ચુકવવામાં નહી આવતા તમામ કર્મચારીઓએ કોઈ કામગીરી નહી કરવાની ચિમકી આપતા બળતામાં ઘી હોમવા જેવુ થયુ છે. કર્મચારીઓના વિવાદમાં એક વિકલાંગ મહિલા કર્મચારીએ ભાજપના મહિલા નેતાના પી.એ. અને નિયામક બંન્ને વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન અને ભ્રષ્ટાચાર કરનાર કરાર આધારિત બે મહિલા કર્મચારીઓનો સતત બચાવ કરતા હોવાનો મુખ્યમંત્રી સમક્ષ ગંભીર આક્ષેપ કરતા મહેસાણા જીલ્લા ભાજપમાં ભારે હડકંપ મચી ગયો છે.
આજે કોઈપણ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓનોકોઈ કારણસર ચાર-છ મહિના સુધી પગાર ન થાય તેવુ બની શકે. પરંતુ વિકાસકામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી ભાજપ સરકાર પાસે સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓનો પગાર ચુકવવા ગ્રાન્ટ ન હોય તે આશ્ચર્યજનક બાબત કહેવાય. મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય)ના કરાર આધારિત કર્મચારીઓનો છેલ્લા ચાર માસથી પગાર કે પ્રવાસી ભથ્થા બીલ ચુકવવામાં આવ્યુ નથી. છતાં કર્મચારીઓ નિષ્ઠાપુર્વક વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં રોજરોજ પોતાની જવાબદારી નિભાવી હતી. કર્મચારીઓએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં અઢી માસ સુધી તેમજ દિવાળીના તહેવારોમાં ફોટોગ્રાફની કામગીરી કરી હતી. છતાં સરકારે કર્મચારીઓના પગાર માટે ગ્રાન્ટ ન ફાળવતા છેવટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય)ના જીલ્લાના તમામ કર્મચારીઓએ પગાર ન થાય ત્યાં સુધી કોઈપણ કામગીરી નહી કરવાની સામુહિક ચિમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત વિસનગર તાલુકા પંચાયતના મનરેગા શાખાના કર્મચારીઓનો પણ છેલ્લા છ માસથી પગાર નહી થતા તેઓ પણ અકળાયા છે. દર મહિને નિયમિત પગાર નહી થતા બે-ત્રણ કર્મચારીઓ નોકરીમાંથી રાજીનામું આપવાનું પણ વિચારી રહ્યા છે. જો કે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડાની વ્હાલા દવાલાની નિતિના કારણે આઠ થી દશ કર્મચારીઓએ અંગત કે સામાજીક કારણ દર્શાવી નોકરીમાંથી રાજીનામાં આપ્યા હોવાનું ચર્ચાય છે. વધુમાં કર્મચારીઓમાં એવી પણ ચર્ચા છે કે, નિયામક ચાવડા વિધાનસભાની ચુંટણીમાં ભાજપ સરકાર વિરોધી પ્રવૃતી કરનાર અને રૂા.૪.૫૦ લાખના ભ્રષ્ટાચારના આક્ષેપમાં ફસાયેલ બે મહિલા કર્મચારીઓને કાયદાના સકંજામાંથી બચાવવા સતત પ્રયત્નો કરે છે. અને જો બીજા કોઈ કર્મચારીથી સામાન્ય ભુલ થાય તો નિયામક સાહેબ તેની સામે કાર્યવાહી કરવા ફાઈલ તૈયાર કરે છે. અગાઉ એક વિકલાંગ મહિલા કર્મચારી સાથે કિન્નાખોરી રાખી બદલીમ રસ લેતા આ મહિલા કર્મચારીએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઈકોર્ટે આ મહિલા કર્મચારીની બદલીને ગેરલાયક ઠેરવી હતી. આમ આ નિયામક વિવાદીત બે મહિલા-કર્મચારીના ઈશારે અન્ય કર્મચારીઓને કોઈપણ બ્હાને હેરાન કરવા તથા નોકરીમાંથી છુટા કરવા તખ્તો ગોઠવતા હોવાનું ચર્ચાય છે. જો આ મહિલા કર્મચારીઓના વિવાદની ઉચ્ચકક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે.