Select Page

વિસનગરમાં કોમી એકતા સાથે મહોર્રમ પર્વની ઉજવણી કરાઈ

વિસનગરમાં કોમી એકતા સાથે મહોર્રમ પર્વની ઉજવણી કરાઈ

ઈરાકમાં આવેલ કરબલાના મેદાનમાં ઈસ્લામના મહાન પયંગમ્બર હજરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના ખુબજ પ્યારા નવાસા(દોહીત્ર) હજરત ઈમામ હુસેન (ર.અ.)એ પોતાના સગા સબંધી સહીત ૭૨ સાથીઓ સાથે ઈસ્લામને બચાવવા માટે ભુખ્યા તરસ્યા રહી શહાદત વ્હોરી હતી. તેમની યાદમાં મુસ્લીમ બીરાદરો મહોર્રમના દસમાં દિવસે યવ્મે આશુરા તરીકે મનાવે છે. અને તેજ દિવસે તમામ મુસ્લીમો શહીદોની યાદમાં નમાઝ, રોઝા, ખેરાત, સદકા તથા સારૂ જમવાનું બનાવી લોકોને વહેચી શહીદોની યાદ તાજી કરે છે. હજરત ઈમામ હુસેન (ર.અ.)ને નમાઝના સઝદાની હાલતમાં શહીદ કરવામાં આવ્યા હતા. એટલે કે તેમણે છેલ્લી ઘડી સુધી પણ પોતાના સાયા હેઠળ નમાઝ અદા કરી હતી. મહોર્રમની આગલી રાત્રે શબે આશુરા અને મહોર્રમના દિવસે એટલે યવ્મે આશુરાના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી “યા હુસેન, યા હુસેન”ના નારાઓ સાથે તાજીયા જૂલુસ કાઢવામાં આવે છે અને તેને શ્રધ્ધાપૂર્વક શહેરના તળાવમાં ઠંડા કરવામાં આવે છે.
વિસનગરમાં બપોરે ઝોહરની નમાઝ બાદ શહેરના નવાવાસ ચોકમાંથી “યા હુસેન, યા હુસેન”ના નારાઓ સાથે નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધી હજ્જારોની સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જૂલુસમાં જોડાયા હતા. નવાવાસ ચોકના તાજીયા ગુલઝારથી લાલ દરવાજા સ્વામીનારાયણ મંદિરથી ગુંદીખાડ બાપુના ચોરાથી સાતચકલી થઈ માયાબજાર, દિપક ચાર રસ્તાથી ગંજી તરફ નિકળ્યા હતા. ત્યારબાદ કન્યાશાળા પાસે કડા દરવાજા કસ્બા વિસ્તારના તાજીયા ભેગા થયા હતા. અને બન્ને તાજીયા આગળ પાછળ ગજુકુઈ એક ટાવરથી મેઈન બજારથી લાલ દરવાજા અને વડનગરી દરવાજા થઈ છેલ્લે શહેરના દેળીયા તળાવમાં બન્ને તાજીયા શ્રધ્ધાપૂર્વક ઠંડા કરવામાં આવ્યા હતા.
શહેરમાં ઠેર-ઠેર જૂલુસના રોડ ઉપર હિન્દુ-મુસ્લીમ ભાઈઓ દ્વારા ઠંડા પાણી, શરબતની સેવાઓ પુરી પાડી હતી તેમજ હિન્દુ ભાઈઓએ ઠેરઠેર જૂલુસનુ સ્વાગત કરતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. જૂલુસમાં મુસ્લીમ યુવાનો તેમજ નાના બાળકોએ અંગ કસરતના ખેલ અને લાઠી દાવ વગેરેથી અખાડાઓનું પ્રદર્શન કર્યુ હતુ. શહેરના કસાઈવાડા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાત્મક છબીલ બનાવવામાં આવી હતી. જૂલુસના રૂટ ઉપર ઠેર-ઠેર મુસ્લીમ તેમજ હિન્દુ ભાઈઓ દ્વારા શરબત, ઠંડુ પાણી, દૂધ કોલ્ડ્રીંક્સ, ચોકલેટો, બિસ્કીટો તેમજ વડનગરી દરવાજા પાસે હુસેની કમીટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘઉંનો ખીચડો(પ્રસાદ) બનાવવામાં આવ્યો હતો. સંતશ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ વિસનગર દ્વારા તાજીયા જૂલુસમાં પણ રૂટ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા માટે ઠંડા પાણીના જગ મુકવામાં આવ્યા હતા. આમ જૂલુસનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
શહેરના દિપક ચાર રસ્તા પાસે વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોર, વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ વિજયસિંહ ઠાકોર, મહેશભાઈ રાઠોડ, બાબુભાઈ વાસણવાળા, ઋષિકેશભાઈ ભટ્ટ, ચેરમેન માયનોરીટી મુસ્તાકભાઈ સીંધી, અસ્પાકખાન પઠાણ, સમીરખાન પઠાણ(પૂર્વ મ્યુ.કાઉન્સલીર અમદાવાદ), નવાબખાન પઠાણ તથા શહેરના નામી અનામી તમામ હિન્દુ મુસ્લીમ ભાઈઓએ જૂલુસનુ ઠેર ઠેર સ્વાગત કર્યુ હતુ.
વિસનગર કડા દરવાજા કસ્બા વિસ્તારના તાજીયા કમીટી સભ્યો અને તાજીયા બનાવનાર રહેમતખાન પઠાણ, જાંગીરબેગ મીરઝા, સરદારબેગ મીરઝા(બાબુ), સીરાજભાઈ ચૌહાણ, જમીયતખાન પઠાણ, નાજીમભાઈ ચૌહાણ, વસીમભાઈ પઠાણ, જાબીરભાઈ શેખ, ઈમરાનભાઈ ચૌહાણ, ગુલામ મયુદ્દીન પઠાણ, નઈમભાઈ મનસુરી, શાકીર ચૌહાણ, સોહીલ ચૌહાણ તેમજ નવાવાસ ચોક વિસ્તારના અસગરઅલી સૈયદ(બાબાભાઈ), ગુલામનબી સૈયદ, ફારૂકભાઈ બહેલીમ (મુન્સી), યુસુફભાઈ બલોચ(જીલાની), કાળુભાઈ સૈયદ, મુસ્તાકભાઈ સીંધી, એહમદહુસેન સૈયદ, સૈયદઅલી સૈયદ, સોકતઅલી સૈયદ, રૂહુલ સૈયદ, અલ્તાફ સૈયદ, રજ્જાક સૈયદ, મુસ્તાકભાઈ (ફોરમેન), મહંમદનૂર, ફિરોઝ/ઈમ્તીયાઝ(દો ભાઈ), ઈમામશા, અખ્તરહુસેન (જેકી), સમીર નાગોરીએ મહોર્રમ પર્વે ભારે જહેમત ઉઠાવી હતી. શહેર પી.આઈ.એસ.એસ.નિનામા સાથે પોલીસ સ્ટાફે ખડેપગે ફરજ બજાવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લે વડનગરી દરવાજા પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના માયનોરીટીના ચેરમેન વજીરખાન બી.પઠાણે પોલીસ સ્ટાફનો ફુલહારથી સ્વાગત કર્યુ હતુ. અને આભારવિધીમાં ઈર્શાદભાઈ એડવૉકેટ, ચેરમેન માયનોરીટી મુસ્તાકભાઈ સીંધી અને સમગ્ર મુસ્લીમ સમાજે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ડી.વાય.એસ.પી. ચૌહાણ, પી.આઈ. એસ.એસ.નિનામા, પી.એસ.આઈ.ગોહીલ, પી.એસ.આઈ. બી.વી. ભગોરા, પી.એસ.આઈ.જોષી, પી.એસ.આઈ.જુલ્ફીકારઅલી તથા પોલીસ સ્ટાફ, કલેક્ટર, પ્રાન્ત અધિકારી, મામલતદાર, પાલિકા પ્રમુખ, નગરપાલિકા સ્ટાફ, કોર્પોરેટરો, વિસનગર સિવિલ મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ સ્ટાફ તથા ર્ડાક્ટર સ્ટાફ, જીઈબી સ્ટાફ, તાલુકા પંચાયત પ્રમુખ, વેપારી મહામંડળ તેમજ નામી અનામી વિસનગરની ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us