Select Page

વિસનગર “નારી શક્તિ વંદના” કાર્યક્રમમા સખી મંડળની બહેનોને રૂા.૪૧.લાખ સહાય ચુકવાઈમિશન મંગલમ યોજનાથી લાખ્ખો મહિલાઓ આત્મનિર્ભર બની-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર “નારી શક્તિ વંદના” કાર્યક્રમમા સખી મંડળની બહેનોને રૂા.૪૧.લાખ સહાય ચુકવાઈમિશન મંગલમ યોજનાથી લાખ્ખો મહિલાઓ આત્મનિર્ભર બની-મંત્રી ઋષિભાઈ પટેલ

વિકસીત ભારત, વિકસીત ગુજરાત અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્વિમ બંગાળના બારાસતથી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી બુધવારના રોજ “નારી શક્તિ વંદના” કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ઉદ્‌બોધન કર્યુ હતુ. આ પ્રસંગ ગુજરાત રાજ્યના ૧૩૦૦૦ થી વધુ સ્વ.સહાય જુથની ૧.૩૦ લાખ બહેનોને રૂા.રપ૦ કરોડની વિવિધ સહાયના ચેકનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. જેમા વિસનગરમા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતમાં યોજાયેલ “નારી શક્તિ વંદના” કાર્યક્રમમાં તાલુકાની પર૪ સખી મંડળની બહેનોને રૂા.૪૧.૧૦ લાખ સહાયના ચેક તેમજ પાંચ બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારની સખી બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આપણા વિસનગર તાલુકામા અત્યારે ૧૪૧૦ સખી મંડળો કાર્યરત છે. સખી મંડળના માધ્યમથી બહેનો બેન્કમાંથી લોન મેળવી ઘર આંગણે નાના-મોટા વિવિધ વ્યવસાય કરી રોજગારી મેળવે છે. બહેનો પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થાય છે. આજે તાલુકાના ૪૧ ગામોમા સખી સંઘ દ્વારા કલ્સ્ટર લેવલ ફેડરેશન સરકાર તરફથી રૂા.રપ૦૦ તેમજ ગામ સખી સંઘને રૂા. ૭પ,૦૦૦ થી લઈને રૂા.૩.પ૦ લાખ સ્ટાર્ટઅપ ફંડ આપવામા આવી રહ્યુ છે. મિશન મંગલમ યોજનાના માધ્યમથી આજે લાખ્ખો મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની છે. મહિલાઓની સુરક્ષા, સુવિધા અને શસક્તિકરણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત કટિબધ્ધ છે. સરકારી સહાયથી આજે બહેનો પુરૂષ સમોવડી બની રહી છે. બહેનો પોતાના પતિને મદદરૂપ બની ઘરમાં માન-સન્માન મેળવે છે. સરકારની મદદથી આજે પ્રત્યેક પરિવારની મહિલાઓને દિકરીઓ આર્થિક સક્ષમ બની રહી છે. આ છે મોદીની ગેરંટી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા મહિલાઓ દિકરીઓ મહત્વનુ યોગદાન આપી રહી છે- મંત્રી ઋષિભાઈ પટેલ
વધુમા મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારત સંકલ્પને સાકાર કરવામા મહિલાઓ, દિકરીઓ સહયોગ આપી રહી છે. ત્યારે નરેન્દ્રભાઈએ એન.આર.એલ. એમ.યોજનાના માધ્યમથી બહેનોને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો છે. સરકારની આ યોજનાથી ગ્રામિણ પરિવારની બહેનોએ આત્મનિર્ભર બની મહીલા શસક્તિકરણનુ ઉમદા ઉદાહરણ પુરુ પાડી રહી છે. વિકસીત ભારત, વિકસીત ગુજરાતના નિર્માણમાં બહેનોનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. આ પ્રસંગે ઉદલપુર સખી મંડળના ઉષાબેન પરમાર અને કમાણા સખી મંડળના વૈશાલીબેન પટેલે પોતાના પ્રતિભાવોમા મિશન મંગલમ યોજનાથી સખી મંડળની બહેનોને થતા આર્થિક ફાયદા અને સરકાર દ્વારા મળતી સહાયની માહિતી આપી તમામ ઉત્સાહી બહેનોની પોતાના ગામના સખી મંડળમા જોડાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે એન.આર.એલ.એમ.યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સહીત આમંત્રિત મહાનુભાવોના હસ્તે તાલુકાની ૧૧ સખી મંડળની બહેનોને રૂા.૧૩.૩૦લાખ સહાયના ચેક તેમજ પાંચ બહેનોને માતા યશોદા એવોર્ડ અર્પણ કરી સન્માન કરાયુ હતુ.
આ કાર્યક્રમમાં ટી.ડી.ઓ. સુચીબેન પટેલ, નાયબ ટી.ડી.ઓ. રોહિતભાઈ રાવલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વી.પી.પટેલ, મિશન મંગલમના જયશ્રીબેન રાવલ સહીત મિશન મંગલમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જસ્મીન, પ્રાન્ત ઓફિસર દેવાંગ રાઠોડ, એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર પ્રમુખ મનિષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમખ પુષ્પાબેન વણકર, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, ટી.ડી.ઓ.સુચીબેન પટેલ, ચિફ ઓફીસર પાર્થ ત્રિવેદી, નાયબ ટી.ડી.ઓ રોહિતભાઈ રાવલ, મિશન મંગલમ્‌ના ટી.એલ.એમ જયશ્રીબેન રાવલ, એસ.બી.એમ.ના રિગ્નેશ જોષી, પાલિકાના ઓ.એસ.સુધિરભાઈ કંસારા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ, સહિત શહેર તાલુકાના આગેવાનો અને સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વિસનગર ટી.ડી.ઓ. સુચીબેન પટેલ, નાયબ ટી.ડી.ઓ રોહિતભાઈ રાવલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વી.પી.પટેલ (દેણપ), મિતેશભાઈ પટેલ (કમાણા), કે.સી.પટેલ, મિશન મંગલમના જયશ્રીબેન રાવલ, રિગ્નેશ જોષી તથા મિશન મંગલમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે સરકારના દરેક કાર્યક્રમમાં તાલુકાના ગામે ગામથી સખી મંડળની બહેનો મોટી સંખ્યામા હાજરી આપે છે. જેમા આ કાર્યક્રમમા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને મહિલા ડી.ડી.ઓ. ડૉ.હસરત જસ્મીન ઉપસ્થિત રહેવાના હોઈ સખી મંડળની બહેનોમા અનેરો અનેરો ઉત્સાહ હતો. કાર્યક્રમ બાદ સખી મંડળની બહેનો મંત્રી ઋષિભાઈ પટેલ અને ડી.ડી.ઓ.હસરત જસ્મીન સાથે સામૂહિક ફોટો પડાવવા ઈચ્છતી હતી. ત્યારે પાર્ટીમાં કામ કરવા કરતા ફોટો સેશનમાં માહિર કેટલીક બહેનોએ મંત્રી સાથે ફોટો પડાવવા આઈ.એ.એસ. મહિલા ડી.ડી.ઓ.ને ધક્કે ચડાવતા આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતોે. દર વખતે મંત્રી સાથે ફોટા પડાવી નિકટતાનો દેખાવ કરનાર કેટલીક બહેનોની હવે ભાજપના હોદ્દેદારો અને સાચા સંનિષ્ઠ ટીખળખોર, કાર્યકરો રમૂજ ઉભી કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us