Select Page

ખેરાલુ તાલુકામાં આંબા કૌભાંડ પછી કૌભાંડોનો સિલસિલો ચાચરીયામાં રૂા.ર૩.૮૮ લાખના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા લોકપાલ

ખેરાલુ તાલુકામાં આંબા કૌભાંડ પછી કૌભાંડોનો સિલસિલો ચાચરીયામાં રૂા.ર૩.૮૮ લાખના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા લોકપાલ

ખેરાલુ તાલુકામા ન ભુતો ન ભવિષ્યતિ જેવા મનરેગા કૌભાંડો થઈ રહ્યા છે. જેમા લોક જાગૃતિ આવતા ચાચરીયા, સમોજા, વાવડી અને ગોરીસણા ગામના લોકોએ માહિતી અધિકાર પ્રમાણે અરજી કરતા એક પછી એક કૌભાંડો ખુલી રહ્યા છે. ત્યારે ચાચરીયા ગામના મનરેગાની તપાસ કરનાર લોકપાલ દ્વારા જવાબદાર અધિકારીઓને સખ્ત સજા કરવા રાજ્યના ચિફ સેક્રેટરી પંકજકુમારને અહેવાલ મોકલતા ઉત્તર ગુજરાતમા ખેરાલુ તાલુકાનુ નામ કૌભાંડો મુદે બદનામ થયુ છે. અગાઉ આંબા કૌભાંડ ખુલ્યુ ત્યારબાદ ચાચરીયાનુ માટીકામ કૌભાંડ ખુલ્યુ છે. જો સમગ્ર તાલુકામા તપાસ થાય તો છેલ્લા ત્રણ વર્ષમા મનરેગામાંથી થયેલા કામોમા ૭થી ૮ કરોડના કૌભાંડો ખુલે તેવી શક્યતાઓ છે.
મનરેગા લોકપાલ ગીરીશભાઈ શર્માએ વર્ષે ર૦રર-ર૩, ર૦ર૩-ર૪ અને ર૦ર૪-રપ ના તત્કાલીન ટીડીઓ, એટીડીઓ, એપીઓ આસી વર્ક મેનેજર, ટી.એ.જી.આર એસ તથા ચાચરીયા ગામના તલાટી અને વહીવટદાર સામે ફરીયાદ કરવા રાજ્ય સરકારમા જાણ કરી છે. ચાચરીયા ગામના દૂધ મંડળીના પ્રમુખ જસવંતભાઈ અવચળભાઈ ચૌધરીએ છેલ્લા ત્રણ વર્ષમા થયેલા કામોની તપાસ કરાવી હતી. જેમા ચાચરીયા ગામમા છેલ્લા ત્રણ વર્ષમા આશરે રપ લાખના કામો મનરેગા દ્વારા કરવામા આવ્યા છે. જે આધારે આર.ટી.આઈ. કરી માહીતી માંગી હતી. તલાટી કે ટીડીઓ માહિતી ન આપતા પાટણ-સાસદ ભરતસિંહ ડાભીએ ટીડીઓને ફોન કરતા માહિતી આપી હતી. જેમા ચાર રસ્તાઓના માટીકામ માટે આશરે પાંચ-પાંચ લાખના કામો હોવાનુ જણાતા સ્થાનિક ખેડૂતો અને લોકોના વિડીયો રેકોડીંગ કરી પુરાવા એક્ત્ર કરી લોકપાલમા તપાસ માટે અરજી કરી હતી. જે તપાસ પુર્ણ થતા વ્યાપક ભ્રષ્ટાચાર ઉજાગર થયો હતો.
ખેરાલુ તાલુકાના ચાચરીયામા મનરેગા, એટીવીટી, નાણાપંચ, જિલ્લા પંચાયત સદસ્ય ગ્રાન્ટની માહીતી અધિકાર પ્રમાણે અરજી કરતા પાંચ કામોમા બાબતે લોકપાલે ફરીયાદ કરવા રાજ્ય સરકારમા રિપોર્ટ કર્યો છે. જેમા (૧) નવા તળાવથી ગોવિંદભાઈ ચૌધરીના ખેતર સુધી પુરાણ રૂા. ૪,૭૦,૩૦૭/- (ર) પ્રજાપતિ ભગવાનભાઈના ખેતરથી સેંધાજીના પરા સુધી માટીકામ રૂા.૪,૮૮,૩૬પ/- (૩) થાંગણા રોડ થી ચૌધરી સવજીભાઈના ખેતર સુધી માટી પુરાણ રૂા.૪,૮૮,પ૦૮/- (૪) શિવરામભાઈના ખેતરથી ચૌધરી ફુલજીભાઈના ખેતર સુધી માટીકામ રૂા. ૪,૩૬,૧૭૪/- (પ) મછાવા રોડથી વિનુભાઈના ખેતર સુધી માટી પુરાણકામ રૂા. ૪,૬૪,૬૯ર/- આમ કુલ રૂા. ર૩.૮૮ લાખ નુ કૌભાંડ જાહેર થયુ છે.
લોકપાલ દ્વારા તપાસ સમયે શ્રમિકોને જોબકાર્ડ સાથે ચકાસણી માટે બોલાવ્યા ત્યારે પ૦ પૈકી માત્ર ૬ શ્રમિકોના નિવેદનો લીધા હતા. ફરીયાદી જસવંતભાઈએ પાંચ જગ્યાએ તપાસ કર્યા પછી સોગંદનામુ રજૂ કરી જણાવેલ કે જે જગ્યામાંથી છે તે માલકીની છે. સ્થળ ઉપર નેળીયુ છે જે નહી જેથી ડી.આઈ. એલ.આર ને પત્ર લખી સ્પષ્ટતા કરવા જણાવ્યુ હતુ. તપાસમા મસ્ટર અને ચુકવેલા નાણા વચ્ચે પૃથ્વી અને આકાશનો તફાવતનો અહેવાલ રજૂ કર્યો છે. જે કામો થયા હોય ત્યાં સીટીઝન ઈન્ફર્મેશન બોર્ડ લગાવવા પડે કયાં પણ ઝ્રૈંમ્ બોર્ડ લગાવ્યાજ નહોતા. છતા આ બોર્ડનો ખર્ચ ૪પ૦૦/-રૂપિયા લખ્યો છે. આ કૌભાંડમા ફરીયાદી અને ૯ નાગરિકોએ સોંગંધનામા રજૂ કર્યાં. ડી.આઈ.એલ.આરના અહેવાલ પ્રમાણે મપાવેલ જગ્યા માલિકીની નીકળી, લોકપાલે ખાસ સરકારને તાકીદ કરી છે કે સરકારનુ ફંડ સમાજના ગરીબ લોકોના કલ્યાણ માટે વાપરવાનુ હોય છે. પરંતુ કરાર આધારીત કર્મચારીઓ કોઈ જાતની કાયદાનીકે નિયમોની શેહશરમ રાખ્યા વગર અધિકારીઓના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. આ કરોડોની રકમનો હિસાબ રાખનાર હિસાબનીશ પણ કરાર આધારીત હોય છે. જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામા મુખ્ય ભુમિકા ભજવે છે. હિસાબ વિભાગમા આ કરાર આધારિત કર્મચારીઓની નિમણુંક તાત્કાલીક રદ કરવી જોઈએ. જે કોઈ કરાર આધારીત કર્મચારી હિસાબનીશ હોય તેની નિમણૂંકો રદ કરવી જોઈએ. તેવી ખાસ સરકારને ટીપ્પણી કરી છે.આગામી સમયમાં રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયેલા ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોની તપાસ કમિટી બનાવી ચકાસણી કરે તો ખેરાલુ તાલુકા- પંચાયતમા નોકરી કરી ગયેલા મનરેગા, વિભાગના મોટાભાગના કર્મચારીઓ, તાલટીઓ, વહિવટદારો ઉપર ફરીયાદ દાખલ થાય તેટલા કૌભાંડો ઉજાગર થાય તેમ છે.