Select Page

લોકસભાની ચુંટણી પહેલા CAA લાગુ કરી ભાજપના એક કાંકરે અનેક નિશાન

લોકસભાની ચુંટણી પહેલા CAA લાગુ કરી ભાજપના એક કાંકરે અનેક નિશાન

મુસ્લીમ દેશોમાં પ્રતાડીત થયેલા હિન્દુઓને નાગરિકતા આપવાના કાયદાનો વિરોધ કેમ

તંત્રી સ્થાનેથી…

લોકસભાની ચુંટણી પહેલા ભાજપ દ્વારા એવા નિર્ણયો લેવામાં આવ્યા છેકે જેમાં વિરોધ પક્ષ પણ મુંજવણમાં મુકાયો છેકે આ નિર્ણયોનો વિરોધ કરવો કે તરફેણ કરવી. અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપનો ચુંટણી એજન્ડા ગણાવી વિરોધ પક્ષના નેતાઓએ થોડો ઘણો વિરોધ તો કર્યો પરંતુ સામે બહુમતી હિન્દુ સમુદાયની નારાજગી જોઈ રામ મંદિરના વિરોધમાં જબાન ઉપર લગામ લગાવી. રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA)ના કાયદાના અમલને લઈ રાજકારણ ગરમાયુ હતુ. ભાજપ કેમ આ મામલે સતત ચર્ચા કરી રહ્યુ છે, શુ છે તેની પાછળની રણનીતિ, લોકસભાની ચુંટણીમાં શુ ફાયદો થશે તેવા અનેક પ્રશ્નો સાથે રાજકીય ચર્ચાઓ થઈ રહી હતી. નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA ને લઈને ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની ચુંટણી પૂર્વે સભાઓમાં અનેક વખત ગર્જના કરી હતી CAA લાગુ કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૩ માં પશ્ચિમ બંગાળમાં આયોજીત એક સભામાં ગૃહમંત્રીએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે, CAA કાયદો અમલમાં આવશે અને તેને કોઈ રોકી શકશે નહી. CAA નુ બીલ ૧૦ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ લોકસભામાં અને બીજા દિવસે રાજ્યસભામાં પસાર થયુ હતુ. આ બીલના વિરોધમાં દેશમાં કેટલાક વિસ્તારોમાં તોફાનો થયા હતા અને દિલ્હી શાહીન બાગમાં મુસ્લીમ મહિલાઓએ ૧૦૧ દિવસના ધરણા કરી ચક્કાજામ કર્યુ હતુ. CAA થી દેશના મુસ્લીમો નાગરિકતા ગુમાવશે, લઘુમતિ સમાજનુ અસ્તિત્વ રહેશે નહી તેમ જણાવી વિરોધ પક્ષે લઘુમતિ સમાજને ગુમરાહ કરવામાં કંઈ બાકી રાખ્યુ નહોતુ, પરંતુ આ કાયદો નાગરિકતા છિનવવા માટેનો નહી પરંતુ નાગરિકતા આપવા માટેનો હતો. અમેરિકામાં ભારતના લાખ્ખો લોકો ગેરકાયદેસર રહે છે. જેમનુ અમેરિકામાં કોઈ અસ્તિત્વ નથી. સરકારના કોઈ લાભ મળતા નથી. અમેરિકન સરકાર કે કાયદાના નજરમાં ન આવે તે રીતે છુપાતા ફરે છે. અમેરિકામાં રહેતા ભારતના આવા નાગરિકોનુ શોષણ પણ થાય છે. આજ પરિસ્થિતિ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાગ્લાદેશમાં જુલમનો ભોગ બનીને ભારતમાં આવેલા નિરાશ્રિતોની હતી. આ ત્રણ મુસ્લીમ દેશના લઘુમતિ સમાજના એટલેકે હિન્દુ, ખ્રીસ્તી, શીખ, જૈન, બૌધ્ધ અને પારસી સમુદાયના લોકો ભારતમાં તો રહેતા હતા પરંતુ તેમની હાલત અમેરિકામાં રહેતા ભારતીયો જેવી હતી. નિરાશ્રિતોનુ દેશમાં કોઈ કાયદાકીય અસ્તિત્વ નહી હોવાથી કોઈ લાભ મળતા નહોતા. નિરાશ્રિતોને રોજગારી મળતી નહોતી. મફત અનાજનો લાભ મળતો નહોતો, રહેવા માટે નિવાસ્થાન મળતુ નહોતુ, શિક્ષણ મળતુ નહોતુ. દેશમાં કોઈ અસ્તિત્વ નહી હોવાથી ગરીબી અને શોષણની દારૂણ પરિસ્થિતિમાં રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૪ ની ૧૧ મી માર્ચે CAA નુ નોટીફિકેશન જાહેર કરતાજ ભારત દેશમાં ત્રણ મુસ્લીમ દેશોમાંથી આવીને રહેતા કરોડો લોકોને હવે નાગરિત્વ પ્રાપ્ત થશે. આ ત્રણ દેશના મુસ્લીમ સમુદાયના લોકો જે ભારતમાં રહે છે તેમને નાગરિકતા આપવાની કોઈ જોગવાઈ નથી. તેનુ એક માત્ર કારણ છેકે આ ત્રણ દેશ મુસ્લીમ બહુમતિ ધરાવતા દેશ છે. CAA મા ત્રણ દેશમાંથી આવેલ મુસ્લીમ સમુદાયને નાગરિકતા નહી આપવાનો મોટો વિવાદ છે જે ભાજપની રણનીતિનો એક ભાગ છે. એતો જગ જાહેર છેકે ભાજપ હિન્દુત્વની રાજનીતિ કરે છે, આ રાજનીતિનુ વિસ્તરણ CAA છે. લોકસભાની ચુંટણીમાં CAA ના કાયદાનો અમલ કરી ભાજપની એક કાંકરે અનેક નિશાન સાધવાનો સ્પષ્ટ પ્રયાસ જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ માં આ કાયદાના અમલ બાદ તેનો ભારે વિરોધ થતા આ સમયે કોરોના કાળ હોવાથી કાયદાનો અમલ કરવામાં ભાજપને પાછી પાન કરવી પડી હતી. હવે લોકસભાની ચુંટણી સમયે કાયદાનો અમલ કરતા જો વિરોધ પક્ષ આ કાયદાનો વિરોધ કરે તો હિન્દુ વોટ બેંકની નારાજગી સહન કરવી પડે તેમ છે. ભારતે હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફના આ નિર્ણયથી હિન્દુઓની ભાજપ તરફે લાગણી વધી છે. વર્ષો બાદ ત્રણ દેશમાંથી આવીને રહેતા છ સમુદાયોને નાગરિકતા મળી છે. પશ્ચિમ બંગાળમાં બાગ્લાદેશમાંથી આવીને રહેતા મતુઆ સમાજના બે થી ત્રણ કરોડ હિન્દુઓને નાગરિકતા મળતા તેનો ફાયદો પણ ભાજપને મળવાનો છે. લોકસભાની ચુંટણી સમયેજ CAA ના કાયદાના અમલથી ભાજપને ઘણા રાજકીય લાભ મળશે તેવુ હાલના સંજોગો ઉપરથી જોવા મળી રહ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts