Select Page

વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણીથી કંઈ વળવાનુ નથીએક બીડી, સીગરેટ જીંદગીની ૮ મિનિટ અને ફાકી કે ગુટખા ૪ મિનિટ ઓછી કરે છે

વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણીથી કંઈ વળવાનુ નથીએક બીડી, સીગરેટ જીંદગીની ૮ મિનિટ અને ફાકી કે ગુટખા ૪ મિનિટ ઓછી કરે છે

તંત્રી સ્થાનેથી…

વિશ્વમાં તમાકુનુ વ્યસન દિવસે દિવસે વધતુ જાય છે. તમાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે ૯૦ લાખ લોકોના મૃત્યુ થાય છે. ભારતમાં દર વર્ષે ૮ લાખ કરતા વધુ લોકોનુ તમાકુના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર ૧૦ સેકંડે તમાકુના કારણે એકનુ મૃત્યુ થાય છે. ફક્ત ભારતમાં દર વર્ષે ૪૫ કરોડ કીલો તમાકુનુ ઉત્પાદન થાય છે. જેમાંથી ૮૦ ટકા તમાકુનો વપરાશ દેશમાંજ થાય છે. તમાકુના કારણે વિશ્વમાં મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સા ભારતમાં જોવા મળે છે. ભારતમાં પુરુષોમાં ૫૬.૪ ટકા કેન્સર અને સ્ત્રીઓના ૪૪.૯ ટકા કેન્સર તમાકુના કારણે થાય છે. વિશ્વમાં તમાકુના કારણે કેન્સરના દર્દિઓ વધતા અને કેન્સરના કારણે મૃત્યુ વધતા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૧૯૮૭ થી તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૩૧ મી મે વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ તમાકુના સેવનથી શારિરીક રોગો તથા આરોગ્યને થતા નુકશાન વિશે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. પરંતુ કાગળ ઉપર બતાવવા ખાતર કે કરવા ખાતર થતા સરકારી કાર્યક્રમોની લોકો ઉપર કોઈ અસર થતી નથી અને દર વર્ષે વસતી વધારાની સાથે તમાકુના કારણે થતા કેન્સરના દર્દિઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની પાછળનુ મુખ્ય કારણ છે તમાકુ નિયંત્રણ પાછળ કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા. કોરોના જેવી મહામારીને રોકવા સમગ્ર દેશનુ અર્થતંત્ર ઠપ્પ કરી દેતુ લોકડાઉન જેવા નિર્ણયો લેવામાં આવે છે. વધુ લોકો મોતના મુખમાં ન ધકેલાય તે માટે લોકડાઉન તથા કોવિડ ગાઈડલાઈન જેવા કડક પગલા ભરવામાં આવ્યા હતા. તમાકુથી પણ વર્ષે દેશમાં લાખ્ખો લોકોના મૃત્યુ થાય છે અને કેન્સરના ભોગ બને છે. તમાકુથી જે પરિવારનો સભ્ય કેન્સરનો ભોગ બને છે તે પરિવાર આર્થિક, શારિરીક પાયમાલ થઈ જાય છે. આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઓછી આવક ધરાવતા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂા.૫ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. આ યોજના પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે એ નથી સમજાતુ કે તમાકુ ઉદ્યોગમાંથી એવી તો કેવી આવક થાય છેકે સરકાર તમાકુ ઉત્પાદન બંધ કરી શકતી નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આતંકવાદ વિરોધમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે. વર્ષ ૨૦૧૬ માં રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની અને અત્યારે રૂા.૨૦૦૦ ની નોટબંધીના બબ્બે વખત નિર્ણયો કરી ભ્રષ્ટાચાર વિરોધી સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે, તો દેશના લોકોને કેન્સરના રોગથી બચાવવા, લાખ્ખો પરિવારોને પાયમાલ થતા બચાવવા તમાકુ ઉત્પાદન અને વેચાણ બંધ કરવામાં છપ્પનની છાતી કેમ બતાવી શકતા નથી? તમાકુ વેચાણમાં નિયંત્રણ આવે, અણ સમજ ધરાવતા યુવાનો તમાકુના સેવનથી દૂર રહે તે માટે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ૧૦૦ મિટરના વિસ્તારમાં તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ, ૧૮ થી નીચેની ઉંમરના સગીરને તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ, તમાકુની જાહેરાતો ઉપર પ્રતિબંધ જેવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે, પરંતુ તેની કોઈ અસર થતી નથી. અગાઉ તમાકુ મિશ્રિત પાઉચ મળતા હતા તે હવે તમાકુ તેમજ સાદા ગુટખાના પાઉચ અલગ કર્યા. આ નિર્ણયથી તમાકુ નિયંત્રણમાં કંઈ ફરક પડ્યો નહી. તમાકુના સેવનથી ફાયદો કોઈજ નથી ફક્ત ને ફક્ત નુકશાનજ છે. એક બીડી કે સીગારેટ જીંદગીની ૮ મિનિટ અને એક ફાકી, ગુટખા કે મસાલો જીંદગીની ૪ મિનિટ ઓછી કરે છે. તમાકુના ઉત્પાદનો ઉપર કેન્સરના ચિત્રો દોરેલા હોય છે છતા જેમને પોતાના બાળકો, પત્ની કે પરિવારની ચીંતા નથી તે તમાકુનુ સેવન કરે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us