Select Page

વિસનગરમાં વિકાસની સરવાણી સતત વહેતી રહેશે-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગરમાં રૂા.૯ર.પ૮ કરોડના પ૪ કામોનું ભૂમિપૂજન, ખાતમૂર્હુત – લોકાર્પણ સમારોહ યોજાયો

  • ભાજપ જે વિકાસકામોનુ ભૂમિપૂજન, ખાતમૂર્હુત કરે છે તેનુ લોકાર્પણ પણ ભાજપ જ કરશે- મંત્રી ઋષિભાઈ પટેલ
  • આજે દેશના લોકોનો ઉત્સાહ અને મિજાજ જોતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાની ચુંટણીમા ૪૦૦ પારનો લક્ષ્યાંક આપ્યો છે- મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર તાલુકા પંચાયત સંકુલમાં શહેર અને તાલુકાના વિવિધ વિભાગોના વિકાસના રૂા.૯ર.પ૮ કરોડના પ૪ કામોનુ સોમવારના રોજ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન, ખાતમૂર્હુત અને લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ભાજપ જે વિકાસ કામોનુ ભૂમિપૂજન કે ખાતમૂર્હુત કરે છે તેનુ લોકાર્પણ પણ ભાજપ જ કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઐતિહાસિક નિર્ણયો અને પ્રજાલક્ષી કાર્યોથી પ્રભાવિત થઈને સમગ્ર દેશના લોકો ૪૦૦ પારના લક્ષ્યાંક સાથે સતત ત્રીજી વાર તેમને વડાપ્રધાન પદે બેસાડવા થનગની રહ્યા છે.
વિસનગર તાલુકા પંચાયત સંકુલ ખાતે ગત સોમવારના રોજ વિસનગર ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે શહેર અને તાલુકાના વિવિધ વિભાગોના રૂા.૯ર.પ૮ કરોડના પ૪ વિકાસ કાર્યોનુ ભૂમિપૂજન, ખાતમૂર્હુત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમા મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે પાલિકા ભવનનુ ભૂમિપૂજન તેમજ ડી.વાય.એસ.પી. કચેરી અને ડી.વાય.એસ.પી. નિવાસસ્થાનનું લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે કોઈપણ વિકાસ માત્ર કાગળ ઉપર થતો નથી. ભાજપ સરકારે પ્રજાની ચિંતા કરીને વિકાસ કાર્યો કર્યા છે. સરકારે વિકસીત ભારત યાત્રાથી ૧૭ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ ઘરે ઘરે પહોચાડી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી દરેક નાગરિકને આયુષ્યમાન કાર્ડમાં રૂા.૧૦ લાખ સુધી વિના મૂલ્યે સારવાર મળી રહી છે. રાજ્યમા જ્યાં ઈરીગેશન નહોતુ ત્યાં ઈરીગેશન વ્યવસ્થા ઉભી રહી છે. સુજલામ સુફલામ યોજનામા દરેક ગામોના તળાવો ભરવાનુ કામ કર્યુ છે. જેમા વિસનગર તાલુકાના કાંસા, કમાણા, કંસારાકુઈ અને સદુથલા ગામમા નર્મદાના પાણીથી તળાવો ભરાશે. શહેરની સિવિલ હોસ્પિટલમા જીલ્લા કક્ષાની સુવિધા સાથે સારવાર મળશે. તેમજ શહેરના બાયપાસ રોડ માટે જમીન સંપાદન કરનાર ખેડૂતોને રૂા. ૬પ કરોડ જેટલુ વળતર ચુકવાશે. સરકારે ગામેગામ પીવાના અને સિંચાઈના પાણીની વ્યવસ્થા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાને વર્ષ-ર૦૧૪ થી વર્ષ-ર૦ર૪ સુધીના વિકાસ કામોનો રિપોર્ટ કાર્ડ આપી રહ્યા છે. કોંગ્રેસ સરકારમા માત્ર કાગળ ઉપર વિકાસ થતો હતો. જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લાખ્ખો ભૂમિપૂજન અને વિકાસકામોના લોકાર્પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યો અને ઐતિહાસિક નિર્ણયોથી પ્રભાવિત થઈને સમગ્ર દેશના લોકો સતત ત્રીજી વખત તેમને વડાપ્રધાન બનાવવા થનગની રહ્યા છે. આજે દેશવાસીઓનો મિજાજ જોતા વડાપ્રધાન મોદીએ લોકસભાની ચુંટણીમાં ૪૦૦ પારનો લક્ષ્યાંક આપ્યો છે. ભાજપ સરકારે છેવાડામાં વસતા માનવીને તમામ જન કલ્યાણકારી યોજનાનો લાભ આપ્યો છે. જેમા વિસનગર તાલુકાના લોકોનો પ્રેમ અને વિશ્વાસથી રાજ્ય સરકારે મને ત્રણ ખાતાની મહત્વની જવાબદારી સૌંપી છે. ત્યારે હુ તમારા પ્રતિનિધિ તરીકે તમારો વિશ્વાસ કયારેય નહી તોડુ. વિસનગરના લોકોને નીચુ જોવુ પડે તેવુ હું કોઈ કાર્ય નહી કરૂ. મને સરકારમાં પ્રજાની સેવા કરવાની તક મળી છે. ત્યારે વિસનગરમાં વિકાસની સરવાણી સતત વહેતી રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાળકો, સગર્ભા બહેનો, ખેડૂતો તથા બેરોજગાર શિક્ષિત યુવાનોની ચિંતા કરી છે. વડાપ્રધાન મોદીએ બહેનોના આંસુ લુછવાનુ કામ કર્યુ છે.
જયારે રાજપૂત સમાજના અગ્રણી અને ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ અને કોંગ્રેસની રાજનીતીનો તફાવત સમજાવતા જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે છેવાડાના માનવી સુધી વિકાસ પહોચાડવાનુ કાર્ય કર્યુ છે. ભાજપ સરકાર સતત લોકહિતના કાર્યો કરી રહી છે. ત્યારે ગુજરાતની પ્રજાએ સામે વળતર પણ આપ્યુ છે. આજે વિસનગર તાલુકાની જનતાએ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ જેવા જન નાયકને સતત ચોથી વખત વિજયી બનાવી પોતાની લાગણી દર્શાવી છે.
જ્યારે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યુ હતુ કે આપણે હાલના અને રપ વર્ષ પહેલાના વિકાસનુ ચિંતન કરવુ જોઈએ. ભાજપ સરકારે શહેર અને ગામેગામ સર્વાંગી વિકાસ કર્યો છે. આજના વિસનગરના વિકાસમાં પણ મોટો ફરક છે. આજે ગામે ગામ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. વધુમાં તેમને વિસનગર ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના જનકલ્યાણકારી વિકાસ કામોને જોઈને ગુજરાત વિધાનસભામા વિસનગર નં.૧બને તેવી શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. આભારવિધિ ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ કરી હતી.
આ પ્રસંગે ડી.ડી.ઓ.હસરત જાસ્મીન, એસ.પી.ઋષિકેશ ઉપાધ્યાય, ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, ગુજકોમાસેલના ડીરેક્ટર અંકિતભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ (દેણપ), શહેર મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, ટી.ડી.ઓ સુચીબેન પટેલ, સામાજીક કાર્યકર કમલશેભાઈ જીવાભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ સહીત પાલિકા સભ્યો, કર્મચારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us