કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી વિસનગરમાં ૧૩ ગામના કોંગ્રેસ-આપના આગેવાનો ભાજપમાં જોડાયા
લોકસભાની ચુંટણી પહેલા ભાજપે શરૂ કરેલા ભરતી મેળામાં રોજેરોજ વિપક્ષના આગેવાનો ભાજપમાં જોડાતા વિપક્ષના સંનિષ્ઠ કાર્યકરોનું મોરલ તુટી રહ્યુ છે. જેમાં વિસનગર શહેર અને તાલુકાના ૧૨ ગામના વિવિધ સમાજના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો સાથે ગત બૂધવારના રોજ સાંજે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના વિસનગર ખાતેના નિવાસસ્થાને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. અત્યારે કોંગ્રેસની નબળી નેતાગીરીના લીધે વિસનગર તાલુકો ધીમે ધીમે કોંગ્રેસ મુક્ત બની રહ્યો છે.
રાજ્યના કદાવર કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની રાજકીય ચાણક્ય નિતિથી વિસનગર તાલુકો કોંગ્રેસ મુક્ત બનશે તેવુ રાજકીય તજજ્ઞોનુ અનુમાન
ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે પાયાના કાર્યકરો કેન્દ્રસ્થાને રહેતા હતા. પરંતુ સત્તા મેળવવા માટે ભાજપે ગમે તેવા સમાધાનો કરી વિપક્ષના આગેવાનો અને કાર્યકરોને પોતાના પક્ષમા સમાવ્યા છે. જેમાં લોકસભાની ચુંટણી પહેલા ભાજપ હાઈકમાન્ડના આદેશથી વિપક્ષનો ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના આ ભરતી મેળામાં વિપક્ષના ધારાસભ્યો, પુર્વ ધારાસભ્યો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાતા અત્યારે ગુજરાતમાં ચાર-પાંચ બેઠકોને બાદ કરતા મોટાભાગની બેઠકો ઉપર ચુંટણી નિરસ બની છે. મહેસાણા જીલ્લાની બેઠક ઉપર તો કોંગ્રેસે ઉમેદવાર શોેંધવામાં પણ સમય લેતા કોંગ્રેસના કાર્યકરોનું મોરલ તુટી ગયુ છે. જેના કારણે હવે કોંગ્રેસના કાર્યકરો પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે ભાજપનો કેસરીયો ધારણ કરી રહ્યા છે. જેમાં વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કદાવર કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનહીતના કાર્યોથી પ્રભાવિત થઈને વિસનગર તાલુકાના ભાન્ડુ-૨, ધામણવા, ઉદલપુર, ખરવડા, કંસારાકુઈ, રંડાલા, મગરોડા, ધારૂસણા, કાંમલપુર (ખ), રંગપુર, તરભ તથા શહેરના ચામુંડાનગર વિસ્તારના કોંગ્રેસના આગેવાનો તેમજ કાંસા એન.એ.તાલુકા સીટના આમ આદમી પાર્ટીના સદસ્ય એક્તાબેન વી.પટેલે બૂધવારના રોજ સાંજે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી વિધિવતરીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના આ ભરતી મેળામાં તાલુકાના ધામણવાના કોંગ્રેસ આગેવાન ભરતભાઈ દેસાઈ, ઉદલપુરના કોંગ્રેસ આગેવાન પ્રવિણજી ઠાકોર, તરભના વદનસિંહ વકીલ તથા રાવળાપુરા ગામના પુર્વ સરપંચ સુરેશભાઈ ચૌધરી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા વિસનગર તાલુકામાં કોંગ્રેસની નેતાગીરી સામે લોકો પ્રશ્નો કરી રહ્યા છે. હવે લોકસભાની ચુંટણી ટાણે વિસનગર તાલુકાના ગામેગામથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાતા આ લોકસભાનું ચુંટણીમાં વિસનગર તાલુકામાંથી ભાજપના ઉમેદવારને ઐતિહાસિક જંગી મતોની લીડ મળશે તેવું રાજકીય પંડીતો ગણિત માંડી રહ્યા છે.