વિસનગરમાં વધતો કોરોનાનો કહેર-પોઝીટીવ સંખ્યા પાંચે પહોચી
કોરોના સંક્રમીત મહિલાએ જેમના ઘરની મુલાકાત લીધી હતી તે કર્મભૂમિ સોસાયટીના વ્યક્તિ પણ કોરોના પોઝીટીવ
વિસનગરમાં વધતો કોરોનાનો કહેર-પોઝીટીવ સંખ્યા પાંચે પહોચી
નર્મદાબેન સોની કર્મભૂમિ સોસાયટીમાં જેમના ઘરે ગયા હતા તે આર.ડી.મહેતા પણ કોરોના પોઝીટીવ
સેવાલીયાના વૃધ્ધનુ શંકાસ્પદ મૃત્યુ
સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાંથી પ્લાસ્ટીક બેગમાં સીલ કરી મૃતદેહ સોપ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં ના છુટકેજ બહાર તથા બહારગામ નીકળવાની સલાહ છે. તેમ છતાં લોકો બહારગામ જાય છે અને સંક્રમણનો ભોગ બને છે. આરાધના સોસાયટીના મહિલા કાણ મોકાણે થરાદ ગયા હતા. જ્યાંથી કોરોના સંક્રમીત થઈને આવતા અઠવાડીયા પછી તાવ આવતા રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યા હતા. આ પોઝીટીવ કેસના બે દિવસ પહેલા સેવાલીયામાં એક શંકાસ્પદ મૃત્યુ થતાં ગામમાં ભારે ગભરાટનો માહોલ ઉભો થયો હતો. સાંઈક્રિષ્ણા હોસ્પિટલ દ્વારા સીલ કરી મૃતદેહ આપવામાં આવતા કોરોનાના કોઈ લક્ષણો વગર તુર્તજ મૃત્યુ થયુ કે શુ તેની ચીંતા લોકોને કોરી ખાય છે. મૃત્યુ થતા કોઈ રીપોર્ટ કરવામાં નહી આવતા સેવાલીયાના વૃધ્ધાના મૃત્યુનું રહસ્ય જાણી શકાયુ નથી. અડોશ-પડોશનો કોઈ વ્યક્તિ ઘરમાં આવે તો તે બહારગામ ગયો હતો કે નહી તેનો પણ હવે ખ્યાલ રાખવો પડશે. કોરોના પોઝીટીવ નર્મદાબેન સોની કર્મભૂમિ સોસાયટીમાં જેમના ઘરે ગયા હતા તે વ્યક્તિ પણ કોરોના સંક્રમીત થયા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા છે. નર્મદાબેનને લૂ લાગી હોવાની શંકાથી લૂ ઉતારનાર વ્યક્તિને પણ કોરોના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે.
વિસનગરમાં ધીમી ગતિએ કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે. સ્વરાજ સોસાયટી, રંગપુર, તરભ અને હવે શહેરની આરાધના સોસાયટી અને કર્મભૂમિ સોસાયટીમાં કોરોના પોઝીટીવનો કેસ નોધાતા કોરોના કેસની સંખ્યા હવે કુલ પાંચે પહોચી છે. મોટા શહેરોમાંથી હવે નાના શહેર અને ગામડામાં કોરોનાના કેસ વધ્યા છે. આવી પરિસ્થિતિમાં અત્યારે ખાસ સાચવવાનુ છે. ત્યારે સાવચેતીને અવગણતા કોરોનાગ્રસ્ત બને છે. ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા અને મંડીબજાર જલારામ માર્કેટમાં દુકાન ધરાવતા પ્રવણિચંદ્ર સોનીના પત્નિ નર્મદાબેન સોની ઉં.વ.૫૦ અઠવાડીયા પહેલા થરાદ લોકાચાર ગયા હતા. જેઓ વિસનગર પરત ફર્યા બાદ તાવ આવતા મહેસાણા ર્ડા.મિતેષ પટેલના ત્યાં સારવાર કરાવી હતી. ર્ડાક્ટરને કોરોના સંક્રમણની શંકા જતા પ્રાઈવેટ લેબોરેટરીમાં રીપોર્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવતા મહિલાને સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તા.૪-૬ ને ગુરૂવારના રોજ બપોરે કોરોના પોઝીટીવ રીપોર્ટની માહિતી મળતાજ જલારામ માર્કેટમાં પણ ખળભળાટ સર્જાયો હતો. માર્કેટની દુકાનો બંધ થઈ ગઈ હતી. આરોગ્ય તંત્રને જાણ થતાજ કોરોના નોડલ ઓફીસર ર્ડા.આર.ડી. પટેલ, મામલતદાર બી.જી.પરમાર, પી.આઈ.પી.કે.પ્રજાપતિ વિગેરે તાત્કાલીક સ્થળ ઉપર પહોચી સંક્રમણનો કોઈ ભોગ ન બને તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા દ્વારા ૧૩ બંગલાની આ સોસાયટી સેનેટાઈઝ કરવામાં આવી હતી. કોરોના પોઝીટીવ મહિલાના પતિ, પુત્ર અને પુત્રવધુ સહીત આખી સોસાયટીને કન્ટેન્મેન્ટ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સોસાયટીમાં રહેતા લોકોની સર્વેની કામગીરી કરવામાં આવી હતી. નર્મદાબેન સોની બી.પી. અને ડાયાબીટીસની બીમારી હોવાથી દવા લેતા હતા. બી.પી., ડાયાબીટીસ, શ્વાસ વિગેરે બીમારી ધરાવતા લોકોએ તો આ મહામારીમાં ખાસ સાવચેતી રાખવાની છે. સાવચેતીમાં એનુ પણ ખાસ ધ્યાન રાખવાનું છેકે, ઘરમાં આવનાર વ્યક્તિ બહારગામ જઈને આવ્યા તો નથી ને? નર્મદાબેન સોની બહારગામ જઈને આવ્યા બાદ કર્મભૂમિ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ ડી.મહેતાના ઘરે ગયા હતા. જોકે નર્મદાબેન સોનીને પણ ખબર નહોતી કે તે પોતે કોરોના સંક્રમીત છે. નર્મદાબેન સોનીની મુલાકાતથી આર.ડી.મહેતા પણ કોરોના સંક્રમીત થતાં તેમને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યુ છે. બીજી એ પણ માહિતી મળી છેકે નર્મદાબેન સોનીની સોસાયટીમાં રહેતા ભગવાનભાઈ પ્રજાપતિ લૂ ઉતારવાની સેવા કરે છે. નર્મદાબેન બહારગામ જઈને આવ્યા બાદ તાવ આવતા લૂ લાગી હોવાની શંકાથી ભગવાનભાઈ પ્રજાપતિ પાસે લૂ ઉતરાવી હતી. આમ લૂ ઉતારનાર ભગવાનભાઈ પ્રજાપતિ પણ કોરોના સંક્રમણનો ભય અનુભવી રહ્યા છે. આર.ડી.મહેતાને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કર્મભૂમિ સોસાયટીમાં પણ સર્વે હાથ ધરાયો હતો.
વિસનગર તાલુકાના સેવાલીયા ગામમાં એક વૃધ્ધનુ મૃત્યુ થતા કોરોના સંક્રમીત હતા કે કુદરતી મૃત્યુ હતું તેની ભારે ચકચાર જગાવી છે. સેવાલીયા ગ્રામજનોને કોરોના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. ગામના ૬૫ વર્ષની ઉંમરના બાબુભાઈ ગોવાભાઈ પટેલને સાંજે અચાનક શ્વાસની તકલીફ થઈ હતી. જેમને પ્રથમ નૂતન જનરલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ સાંઈક્રિષ્ણા હોસ્પિટલ મહેસાણા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર શરૂ કરે તે પહેલાંજ વૃધ્ધનુ મૃત્યુ થયુ હતુ. હોસ્પિટલ દ્વારા પ્લાસ્ટીક બેગમાં મૃતદેહ સીલ કરી અંતિમ વિધિ માટે સોપવામાં આવ્યો હતો. પ્લાસ્ટીક બેગ ખોલી મોઢુ પણ નહી જોવા હોસ્પિટલ દ્વારા તાકીદ કરવામાં આવી હતી. વૃધ્ધનુ મૃત્યુ થયુ હોવાથી કોરોનાનો કોઈ રીપોર્ટ કરવામાં આવ્યો નહોતો. કોરોના શંકાસ્પદ મૃત્યુને લઈ ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ બાબતે આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે, વૃધ્ધને ડાયાબીટીસ અને હાઈપર ટેન્શન હતુ. જેઓ ખેતરમાં આખો દિવસ વધારે કામ કરતા. સાંજે ગભરામણ થઈ હતી. જેના કારણે શ્વાસ ચડ્યો હતો. કોવીડ-૧૯ હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોવાથી કોરોના શંકાસ્પદ ગણીનેજ પ્લાસ્ટીક બેગમાં સીલ કરી મૃતદેહ સોપવામાં આવે છે. જોકે રીપોર્ટ કરવામાં આવ્યો નહી હોવાથી કોરોના હતો કે નહી તે રહસ્ય અકબંધ રહ્યુ છે.