પાણી પુરવઠા વિભાગની મીલીભગતથી રોજ ૧૦ લાખ લીટર પાણી પુરૂ પાડતી વ્યવસ્થા કરાઈ હતીનર્મદાની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન પકડી કૌભાંડ દબાવાયુ
વિસનગર- પાલડી રોડ ઉપર આવેલ એક ખેતરમાંથી નર્મદાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાંથી એક મોટી કંપનીને ૬ (છ) ડાયાની પાઈપલાઈનનું ગેરકાયદેસર કનેક્શન આપ્યુ હોવાનો પર્દાફાશ થયો હતો. આ બાબતની મહેસાણા જીલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નર્મદા વિભાગના કાર્યપાલક ઈજનેરને જાણ થતા તેમની ટીમે બુધવારે રાત્રે તાત્કાલિક ખેતરમાં દોડી આવી ગેરકાયદેસર નર્મદાના પાણીની પાઈપલાઈનનું કનેક્શન કાપી કૌભાંડ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પાણીની પાઈપલાઈનનું ગેરકાયદેસર કનેક્શન આપી દરરોજ ૧૫ કલાક પાણી આપવા માટે નર્મદા વિભાગના એક અધિકારીએ રૂા.૧૦ લાખ લીધા હોવાની ચર્ચાઓ થઈ રહીછે. ત્યારે આ પાણીના કૌભાંડની સાચી દીશામાં તપાસ થવી જરૂરી છે.
ગુજરાત સરકારે ૧૦ હજારની વસ્તી ધરાવતા કોઈપણ ગામમાં ધરોઈ કે નર્મદા આધારિત મેઈન પાઈપલાઈનમાંથી ગામના મુખ્ય સંમ્પની પાઈપલાઈનમાં સીધુ પાણી આપવા જીલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે. જે સંમ્પમાંથી ગ્રામ પંચાયત દ્વારા આંતરિક પાઈપલાઈનમાંથી ગ્રામજનોને પાણીનું વિતરણ કરાય છે. પરંતુ પાણી વિતરણ વ્યવસ્થાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સરકારના આદેશને નવે મુકીને પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર પાણીનુ કનેક્શન આપતા જરાય ખચકાતા નથી. અત્યારે વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નોથી વિસનગર શહેર અને તાલુકાના ૫૩ ગામોમાં નર્મદાનું પાણી મળી રહ્યુ છે. જેમાં વિસનગર-પાલડી રોડ ઉપર આવેલ એક ખેતરમાંથી નર્મદા આધારિત પાણીની મેઈન પાઈપ લાઈનમાંથી એક મોટી કંપનીને પાણી આપવામાં આવી રહ્યુ હોવાની શહેરના એક જાગૃત નાગરિકને જાણ થતા તેમને આ પાણીના કનેક્શન બાબતે ગુપ્ત તપાસ કરી હતી. આ તપાસની મહેસાણા જીલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નર્મદા આધારિત પાણી વિતરણ વિભાગના કાર્યપાલક ઈજનેરને જાણ થતા તેમની ટીમ બુધવારે રાત્રે જે.સી.બી. સાથે તાત્કાલિક ખેતરમાં દોડી આવી હતી. જ્યાં પાણી પુરવઠાની ટીમે જે.સી.બી. મશીનથી ખોદકામ કરી ગેરકાયદેસર નર્મદાના પાણીની પાઈપલાઈનનુ કનેક્શન કાપી આ પાણીના કૌભાંડને રાત્રીના અંધારામાં દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે “પાપ છાપરે ચડીને પોકારે” કહેવતની જેમ આ કૌભાંડની વાયુવેગે લોકોને જાણ થતા નર્મદાના પાણીનું ગેરકાયદેસર કનેક્શન આપનાર અધિકારી અને ગેરકાયદેસર પાણીનુ કનેક્શન લેનાર જે તે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જેમાં પાણી પુરવઠા વિભાગના પાણી વિતરણ વ્યવસ્થાના અનુભવી એક આગેવાને તો આ પાઈપલાઈનમાંથી દરરોજ ૧૫ કલાક આપવામાં આવતુ હોય તો પાણીની અંદાજીત ગણતરી કરતા આ કંપનીને રોજનું આશરે ૮ થી ૧૦ લાખ લીટર પાણી આપતા હોવાની શંકા વ્યક્ત કરી છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ તાલુકાના લોકોની આંખમાં ધુળ નાખી નર્મદા આધારિત પાણીની મેઈન લાઈનમાંથી પાણીનું કનેક્શન આપનાર અધિકારી અને રોજનું લાખ્ખો લીટર પાણીની ચોરી કરતી જે તે કંપનીના જવાબદારો સામે કાર્યવાહી કરે તે વિસનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાના હિતમાં જરૂરી છે.