Select Page

પૂર્વ ધારાસભ્ય વગર આમંત્રણે આવી સામાજીક મંચનો દુરઉપયોગ કર્યો

પૂર્વ ધારાસભ્ય વગર આમંત્રણે આવી સામાજીક મંચનો દુરઉપયોગ કર્યો

વિસનગર ઠાકોર સમાજના સમૂહલગ્નમાં રાજકીય ભાષણબાજીથી આયોજકોની તીખી પ્રતિક્રિયા

  • કેબીનેટ મંત્રી તથા સમારંભના મુખ્યદાતા ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરતા બેચરાજીના પૂર્વ ધારાસભ્યને ભાષણ કરતા અધવચ્ચે અટકાવ્યા
વિસનગર શહેર અને તાલુકા ઠાકોર સમાજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી સમૂહલગ્નનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે લોકસભાની ચુંટણી દરમ્યાન યોજાયેલ સમૂહલગ્નમાં બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાષણ કરતા ભારે હોબાળો થયો હતો. સામાજીક મંચને રાજકીય મંચ બનાવી દેતા પૂર્વ ધારાસભ્યની આ વર્તણુકથી તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમૂહલગ્ન સમિતિએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છેકે પૂર્વ ધારાસભ્ય આમંત્રણ વગર આવી પહોચ્યા હતા અને ઠાકોર સમાજના આતિથ્ય ભાવનુ ઉલ્લંઘન કર્યુ છે. આરોગ્ય મંત્રી સમુહલગ્નના મુખ્ય દાતા હતા ત્યારે આતિથ્ય ભાવ ન જળવાતા દિલગીરી વ્યક્ત કરી હતી.
વિસનગર શહેર અને તાલુકા ઠાકોર સમાજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી સમુહલગ્નનુ સફળ આયોજન કરવામાં આવે છે. ઠાકોર સમાજમાં અલગ અલગ પક્ષમાં માનનાર લોકો છે. પરંતુ સમુહલગ્નનુ આયોજન અવિરત રહે તે માટે સમુહલગ્નના આયોજનને ક્યારેય રાજકીય રંગ લાગવા દીધો નથી. અત્યાર સુધીના સમુહલગ્નમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ આગેવાન મંચ ઉપર હાજર રહ્યા છે. પણ કોઈ પણ નેતાએ ક્યારે પણ રાજકીય ભાષણો કર્યા નથી ત્યારે આ વખતના સમુહલગ્નમાં બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને જીતાડવા અપીલ કરતા આ વર્તણુકથી વિસનગર શહેર અને તાલુકા ઠાકોર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તા.૨૧-૪-૨૦૨૪ ના રોજ પાલડી ત્રણ રસ્તા એપીએમસી ગ્રાઉન્ડમાં વિસનગર શહેર અને તાલુકા ઠાકોર સમાજનો ૧૭ મો સમુહલગ્ન હતો. જેમાં સમાજના ૧૦૧ નવદંપતીએે પ્રભુતામાં પગલા માડ્યા હતા. સમુહલગ્નના મુખ્ય દાતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ, જગદીશભાઈ ઠાકોર, લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અભીજીત બારડ, માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વિગેરે મહેમાનોએ હાજરી આપી હતી.
આયોજન સમુહલગ્નનુ હતુ, એટલે મંચ ઉપરથી સામાજીક વિકાસ તથા સામાજીક ઉત્થાનનાજ ભાષણો હોય. સમુહલગ્નમાં રાજકીય ભાષણો નહી કરવાનો વણલખ્યો નિયમ સમુહલગ્ન સમિતિ દ્વારા વર્ષોથી કરવામાં આવ્યો છે. તેમ છતા વિસનગર શહેર અને તાલુકા ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલા નિયમનુ ઉલ્લંઘન કરી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રાજકીય ભાષણબાજી કરી હતી કે, રામાજી ઠાકોરને પાઘડી પહેરાવી છે તો આ પાઘડીની લાજ રાખજો, રામાજી ઠાકોરને જીતાડવા અપીલ કરતા આયોજકો દ્વારા ચાલુ પ્રવચને માઈક બંધ કરવામાં આવ્યુ હતુ અને પૂર્વ ધારાસભ્યને ભાષણ કરતા અટકાવ્યા હતા.
વિસનગરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે હંમેશા શહેર અને તાલુકાના ઠાકોર સમાજને સહયોગ આપ્યો છે. ત્યારે સમુહલગ્નમાં રાજકીય ભાષણ કરી વૈમનસ્ય ફેલાવાના પૂર્વ ધારાસભ્યના પ્રયત્નને વખોડતા સમુહલગ્ન સમિતિના પ્રમુખ કનુભા ઝાલાએ જણાવ્યુ છેકે, સમુહલગ્નના કુલ રૂા.૩૫ લાખના ખર્ચમાં આરોગ્ય મંત્રીશ્રીની મદદથી ઉભા કરેલા દાતાઓ તરફથી અંદાજે રૂા.૧૬ લાખ જેટલુ દાન મળ્યુ છે. આમ કાર્યક્રમના કુલ ખર્ચની ૫૦ ટકા રકમ મંત્રીશ્રીની મદદથી દાનમાં મળતા સમુહલગ્નનુ સફળ આયોજન શક્ય બન્યુ છે. સમુહલગ્ન માટે એપીએમસીના ગ્રાઉન્ડની મંજુરીમાં પણ મંત્રીશ્રીનો સહયોગ મળ્યો હતો. સમાજને મદદરૂપ થવાની ભાવનાથી અંગત રસ લઈ મંત્રીશ્રી ઋષિભાઈ પટેલ સમુહલગ્નના આગળના દિવસે સ્થળની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ સ્થિતિનુ નિરિક્ષણ કરી આયોજનની ચીંતા કરી હતી. મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોઈ મંત્રીશ્રીની સુચનાથી એમ્બ્યુલન્સ સાથે આરોગ્યની ટીમ ખડે પગે રહી હતી અને મોબાઈલ ટોયલેટની પણ સુવિધા કરાવી હતી.
સમુહલગ્ન સમિતિના પ્રમુખે એ પણ જણાવ્યુ હતું કે અમુક બીન આમંત્રીત ઘણા મહેમાનો આવીને મંચ ઉપર ગોઠવાઈ ગયા હતા. બેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વગર આમંત્રણે આવ્યા હતા. જેમનુ સન્માન જાળવવા પ્રસંગને અનુરૂપ બે શબ્દો માટે માઈક આપતા સમુહલગ્નને ચુંટણી સભા સમજી ભાષણ ચાલુ કર્યુ હતુ. જેમણે સામાજીક મંચનો રાજકીય મંચ તરીકે ઉપયોગ કરીને સમુહલગ્નમાં મોટુ દાન આપનાર મંત્રીશ્રીનુ અપ્રત્યક્ષ રીતે આતિથ્ય ભાવનુ ઉલ્લંઘન કર્યુ હતુ. સાથે સાથે સમાજની લાગણીને પણ ઠેસ પહોચાડી છે. આ ઘટના બનતા આયોજન સમિતિએ તુર્તજ પૂર્વ ધારાસભ્યને ભાષણ કરતા અટકાવ્યા હતા. આજ સુધી સમુહલગ્ન સમિતીના વણલખ્યા નિયમ મુજબ સમુહલગ્નના સમારંભમાં રાજકીય નિવેદનબાજી સંપુર્ણ પ્રતિબંધિત છે. આવેલ મહેમાને ચુંટણીના નશામાં બીન રાજકીય મંચને રાજકીય અખાડો બનાવતા સમગ્ર સમુહલગ્ન આયોજન સમિતિ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આ બનાવ બાદ સમુહલગ્ન સમિતિએ બીન રાજકીય મંચ ઉપર રાજકીય પ્રવચન ન કરવા મંચ ઉપરથી જાહેરાત કરી ચેતવણી આપી હતી.
આયોજક સમિતિની પ્રતિક્રિયા હતી કે, સમાજના સામાજીક મંચનો દુર ઉપયોગ થાય એટલે સ્વાભાવિક છેકે સમાજ નારાજ થાય. સમાજમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી વિવિધ પાર્ટીમાં જોડાયેલા લોકો છે. કોઈપણ ચુંટણીમાં ઉમેદવાર સમાજના નામે મત માગશે તો નુકશાન ઉમેદવારનેજ થવાનુ છે. લોકસભા જેવી મોટી ચુંટણીમાં સમાજના નામે મત ખેચી જવાથી બાકીના અન્ય સમાજોમાં પણ ખોટો સંદેશો જતો હોય છે. છેવટે આખા સમાજને આનુ નુકશાન ભરપાઈ કરવુ પડે છે. સમાજને તો કોઈપણ સરકાર બને તેની જરૂર પડતી હોય છે. માતબર રકમના દાતાનુ આતિથ્યભાવ ન જળવાતા પૂર્વ ધારાસભ્યના આ વાણી વિલાસથી સમુહલગ્ન સમિતિએ દિલગીરી વ્યક્ત કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us