યોગી આદિત્યનાથના હુંકારથી યુ.પી માફીયા રાજમાંથી રામ રાજ તરફપરિવાર, સંતાન કે સત્તાની ચીંતા ન હોય તેજ ભગવાધારી એન્કાઉન્ટર જેવા નિર્ણયો લઈ શકે
તંત્રી સ્થાનેથી…
પોતાના રાજ્ય અને દેશ માટે કંઈ પણ કરી છુટવાની ઈચ્છા શક્તિ ધરાવતા દેશ નેતા બહુ ઓછા જોવા મળે છે. શાંતિ અને સલામતિ હોય ત્યાં જ વિકાસ થાય છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળ્યા બાદ રાજ્યના વિકાસમાં બાઘારૂપ સાદીક જમાલ, ઈશરત જહાં, ગણેશ ખુંટે, સોહરાબુદ્દીન, તુલસી પ્રજાપતિ જેવા ડોનના એન્કાઉન્ટર કર્યા હતા. જયારે શંકરસિંહ વાઘેલાએ તેમના મુખ્યમંત્રી કાળમાં અમદાવાદનો કુખ્યાત ડોન લતીફનું એન્કાઉન્ટર કર્યુ હતુ. છપ્પનની છાતીના આવા નિર્ણયોના કારણે આજ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગપતિઓ આકર્ષાયા છે. જેનાથી ગુજરાતમાં રોજગારી માટે અન્ય રાજ્યના લોકો સ્થાયી થયા છે. ઉત્તર પ્રદેશ દેશના સૌથી મોટા રાજ્ય પૈકીનું એક રાજ્ય છે. ગુજરાત કે મહારાષ્ટ્ર જેવા રાજયોની સરખામણીએ યુપી પાસે અપ્રમાણ કુદરતી સ્ત્રોત છે. છતા સ્થાનિક નેતાઓના પીઠબળથી વર્ષોથી ચાલી આવતી માફીયાગીરીના કારણે યુપી આર્થિક રીતે પાછળ રહી ગયુ. અપ્રમાણ ગુનાખોરીના કારણે બહારના ઉદ્યોગપતિઓ યુપીમાં ઉદ્યોગ સ્થાપવામાં ડર અનુભવી રહ્યા છે. યુપીના લોકોને મજુરી કરવા માટે અન્ય રાજ્યમાં જવુ પડે છે. સાધુ સંત સમાજમાંથી સત્તામાં આવેલા ભગવાધારી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાંથી ગુનાખોરી, માફીયાગીરી, ગુંડાગીરી નાબુદ કરવા પ્રણ લીધા અને ગેંગેસ્ટર રાજકારણી મુખ્તાર અંસારી તેમજ અતીક અહેમદને ઠેકાણે પાડયા. સમાજવાદી પાર્ટીમાંથી પાંચ વખત ધારાસભ્ય પદે અને એક વખત સાંસદ સભ્ય તરીકે ચુંટાયેલે અતીક અહેમદે સાબરમતી જેલમાં બેસીને બી.એસ.પીના ધારાસભ્યની હત્યાનો સાક્ષી ઉમેશ પાલની પ્રયાગરાજમાં હત્યા કરાવી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક તરફ રાજ્યમાંથી માફીયાગીરી નેસ્ત નાબુદ કરવાના પ્રયત્નોમાં હતા ત્યારે પ્રયાગરાજમાં થયેલી હત્યા યોગી શાસનમાં કાળી ટીલી સમાન હતી. મુખ્યમંત્રી પદે અન્ય કોઈ નેતા હોત તો હત્યાનો કડવો ઘુંટડો પી લીધો હોત. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે દેશ માટે સાધુ સંતોનુ પણ મહત્વનું યોગદાન રહ્યુ છે. ઉમેશ પાલની હત્યા કરનાર અતીક અહેમદનો પુત્ર અસદ તથા તેની ગેંગ હતી. યોગી આદિત્યનાથે વિધાનસભામાં હુંકાર કર્યો હતો કે “યુ પી મે માફીયાઓકો હમ મીટ્ટી મે મીલા દે ગે” એકશનમાં આવી એસ.ટી.એફ.એ. ઉમેશ પાલની હત્યાના બીજા જ દિવસે હુમલામાં સામેલ અરબાઝ નામના શાર્પશૂટરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો, તેના દશ દિવસ બાદ શાર્પ શૂટર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માનને ઉડાવ્યો છેલ્લે પિતાની જેમ યુપીમાં ધાક જમાવવા પ્રયત્ન કરનાર ઉમેશ પાલની હત્યાનો મુખ્ય સુત્રધાર અતીક અહેમદનો પુત્ર અસદ અને ગુલામનું એન્કાઉન્ટર કર્યુ. માફીયા ડોન અતીક અહેમદ વિરૂધ્ધ ખૂન, ધાડ, અપહરણ, ખંડણી, જમીનો પચાવી પાડવી જેવા ૧ર૦ થી પણ વધારે કેસ હતા ત્યારે ત્રણ શુટરોએ માફીયા અતીક અહેમદ તથા તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી અતીક અહેમદ તથા તેનો સમગ્ર પરિવાર ગુનાખોરીમાં સામેલ હતો. જેને કાબુમાં લેવાની ૧૯૮૬ થી યુ.પી.ના એક પણ મુખ્યમંત્રીની હિંમત નહોતી ત્યારે ન પરીવારની, ન સંતાનની કે ન સત્તાની ચીંતા છે એવા ભગવાધારી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટરની હિંમત કરી બતાવી યુપીમાંથી માફીયા રાજનો અંત કરી બતાવ્યો. સત્તા કાયમ કોઈની રહી નથી. સત્તા બદલાશે તો એન્કાઉન્ટરનો જવાબો આપવા પડશે. તેવો મોટા ભાગના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીઓને ડર સતાવતો હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ ગુજરાતના એન્કાઉન્ટરમાં ઘણું સહન કર્યુ હતુ. અતીક અહેમદનુ ચાર દાયકાનું માફીયા રાજ ખતમ કરતા યુપીના અન્ય ગુંડાઓ પણ હવે માપમાં રહેશે. બે વર્ષ પહેલા વિકાસ દુબેને એન્કાઉન્ટરમા પતાવી દીધો હતો. યોગી આદિત્યનાથની હિંમતથી યુ પી માફીયારાજમાંથી મુક્ત બની રામ રાજ તરફ આગળ વધી રહ્યુ છે. એક સાધુ સંત શું કરી શકે તે યોગી આદિત્યનાથે બતાવી દીધું છે.