ભાજપ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓનો બફાટ બંધ નહી કરાવે તો ગુજરાત વર્ગ વિગ્રહ તરફ ધકેલાશે
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતાજી વિષે ટીપ્પણી કરતા લેઉવા પાટીદાર સમાજ લાલઘુમ
તંત્રી સ્થાનેથી…
માતાની કુખે જન્મ લીધા બાદ જાણે મોટા જ્ઞાની થઈ ગયા હોય તેમ ઘરે પધરામણી કરતી વખતે, સ્વામિનારાયણ મંદિરોમાં અને સત્સંગ કાર્યક્રમોમાં મહિલાને અળગી રાખી સ્ત્રીશક્તિનું અપમાન કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓની કરતુતોના વિવાદનો અંત આવતો નથી. આ સાધુઓ વ્યક્તિને સત્સંગી બનાવ્યા બાદ તેના ઘર મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટાઓ દૂર કરાવી દે છે અને ફક્ત સ્વામીનારાયણ ભગવાનનાજ ફોટા મૂકવાનુ જણાવી સંપ્રદાય પ્રત્યેની કટ્ટરતાનો પરિચય કરાવે છે. સ્વામીનારાયણ ભગવાનજ મહાન અને અન્ય દેવી દેવતાઓ તુચ્છ ગણવાની આ સાધુઓની માનસિકતાના કારણેજ સાળંગપુરમાં લગાવેલ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બનાવતા સનાતનીઓ લાલઘુમ થયા હતા. જે વિવાદ હજુ સમ્યો નથી એવામાં, સ્વામીનારાયણ મહારાજે પોતાના ભીના કપડામાંથી નિચોવેલ પાણીથી ખોડીયાર માતાજીને છાંટા ઉડાડ્યા, જેથી કુળદેવી પણ સત્સંગી બની ગયા હતા અને તેમના સંપ્રદાયના ધર્મનો અંગીકાર કરનાર વ્યક્તિને ખુદ માતાજી પણ પગે લાગે છે. એવા ખોડીયાર માતાજી પ્રત્યે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ હીન કક્ષાની ટીપ્પણી કરતા લેઉવા પાટીદાર સમાજ સહીત અન્ય સમાજોની પણ લાગણી દુભાઈ છે. લેઉવા પાટીદાર સહિત અન્ય સમાજોમાં વર્ષોથી ખોડલ માતાજી પૂજાય છે. વાકાનેર પાસે માટેલમાં સદીઓ જૂનુ ખોડીયાર માતાજીનુ મંદિર આવેલુ છે. આ ઉપરાંત્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા વિશ્વ પ્રસિધ્ધ ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યુ છે. ત્યારે બ્રહ્મસ્વરૂપ સ્વામીનો ખોડીયાર માતાજીનુ અપમાન કરતો વિડીયો વાયરલ થતા ખોડીયાર માતાજીમાં આસ્થા ધરાવતા લાખ્ખો પરિવારોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ ઉપરાંત્ત સ્વામીનારાયણ સાધુ આચાર્ય દિનેશ પ્રસાદે સ્વામીનારાયણ હવે હિન્દુ સમાજથી નારાજ થઈ ગયા છે. સંપ્રદાયના લોકો ધ્યાનમાં રાખે કે ભગવાને આજ્ઞા કરી છે કે, આપણે દેવી દેવતાઓ સાથે કોઈ લેવા દેવા રાખવાની નથી. આ ભગવાન આપણો આખો ધર્મ અલગથી કરી રહ્યા છે અને તેમની સાથેજ જોડાવાનુ રહેશે. નહી તો ભવિષ્યમાં સ્વામીનારાયણ સંપ્રદાય બંધ થઈ જશે. સનાતનીઓને હવે આવવાની જરૂર નથી. સનાતન સિવાયના અન્ય કોઈપણ ધર્મના લોકો આવશે તો તમારા બધા રોગ સ્વામીનારાયણ કાઢી આપશે. હિન્દુ દેવી દેવતાઓને માનતા ન હોય તેવા તમામ ધર્મને હવે સ્વામીનારાયણ સંપ્રદાય સ્વિકારશે. મંદિરમાંથી દેવી દેવતાઓને હવે બહાર કાઢવાના છે. આનંદસાગર સ્વામીએ ભોલે શંકરનુ અપમાન કરતો બફાટ કર્યો છે કે, કચ્છના આત્મિય ધામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રાત્રે ધામના દરવાજા પાસે જવાનુ પ્રબોધ સ્વામીએ સુચન કર્યુ. વિદ્યાર્થી ધામના દરવાજા પાસે જાય છે ત્યારે ભગવાન શંકરે દર્શન આપ્યા. વિદ્યાર્થીએ પ્રબોધ સ્વામીને મળવા માટે ભગવાન શંકરને કહ્યુ. ત્યારે ભગવાન શંકરે કહ્યુ પ્રબોધ સ્વામીના દર્શન મારા ભાગ્યમાં નથી, તેમ કહી ભગવાન શંકર વિદ્યાર્થીને પગે લાગીને જતા રહ્યા. દેવોના દેવ મહાદેવ પ્રત્યે ટીપ્પણી કરતા પણ સ્વામીનારાયણના સાધુઓ ખચકાટ અનુભવતા નથી. રાજકોટ બી.એ.પી.એસ.ના અપૂર્વ મુનીએ રામાયણના સીતા હરણની કથાનુ વિચિત્ર વર્ણન કરતા જણાવ્યું હતું કે, સીતાને શોધવા ગયેલા રામ બચાવો બચાવોની બુમ પાડતા હતા ત્યારે લક્ષ્મણ નહી જતા સીતાજીએ લક્ષ્મણને અપશબ્દો કહ્યા હતા કે, મને ખબર છેકે તારી દાનત ખરાબ છે, તૂ ૧૩ વર્ષથી અમારી સાથે એટલે ફરે છેકે રામ મરી જાય તો હુ તારી સાથે લગ્ન કરુ. પરંતુ હુ મરી જઈશ તો પણ તારી સાથે ક્યારેય લગ્ન નહી કરુ. સ્વામીનારાયણના અન્ય એક સાધુએ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે પણ અપમાનજનક શબ્દો ઉચ્ચારતો વિડીયો વાયરલ થયો છે. સ્વામીનારાયણના આ સાધુઓ સત્સંગ સભાઓમાં એટલી હલકી ભાષા વાપરે છેકે તેનો લખાણમાં ઉલ્લેખ કરતાં પણ શરમ અનુભવાય. સ્વામીનારાયણના એક સાધુ મહારાજે પેશાબ કરતા તેમાં મકોડો તણાયો અને આ મકોડાને એક ભગવાનના સ્વરૂપ સાથે વર્ણવી ખુબજ હલકી માનસીકતાનુ વર્ણન કર્યુ છે. ત્યારે નવાઈની વાત છેકે આવા સાધુઓનો વિરોધ કરવાની જગ્યાએ સત્સંગીઓ તેમને પૂજે છે અને સનાતન ધર્મ વિરુધ્ધની વાણી સાંભળી સત્સંગીઓ તાલીઓ પાડી આવા સાધુઓને બિરદાવે છે. સ્વામીનારાયણ સંપ્રદાય ગુજરાતમાં ઘણો ફેલાયેલો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ સંપ્રદાયના સત્સંગીઓ મોટા પ્રમાણમાં છે. ત્યારે આ સંપ્રદાયના સાધુઓના સનાતન ધર્મના દેવી દેવતાઓ પ્રત્યેના અપમાનજનક બફાટથી હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભારતીય જનતા પાર્ટી હિન્દુ સમાજ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવાની વાતો કરે છે. હિન્દુવાદ ઉપર આ પાર્ટી સત્તામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે ભાજપ સરકાર હિન્દુ દેવી દેવતાઓનુ અપમાન કરતા સ્વામીનારાયણના સાધુઓને કેમ રોકી શકતી નથી. ભાજપની નરોવા કુંજરોવાની આવીજ નીતિ રહેશે તો ગુજરાત હિન્દુ સમાજમાં વર્ગવિગ્રહ તરફ ધકેલાશે.