નુતન હોસ્પિટલમાં હૃદય બંધ પડેલ વૃધ્ધને CPRથી નવજીવન મળ્યુ
આયુષ્યમાન યોજના અંતર્ગત તમામ સારવાર વિનામૂલ્યે કરાઈ
નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા સતત પ્રયત્નશીલ રહી દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે અંગત દેખરેખ અને માર્ગદર્શનથી અત્યાધુનિક સાધનો સહિત દરેક વિભાગમાં અનુભવી રોગ નિષ્ણાત ડોક્ટર્સની ટીમની સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે થકી શ્રેષ્ઠ નિદાન અને સારવાર મળી રહી છે. 24 x 7, ૩૬૫ દિવસ ગંભીર પરિસ્થિતિના અકસ્માત, હાર્ટએટેક, સ્ટ્રોક(પેરાલીસીસ)ના દર્દીઓને તાત્કાલિક સારવાર મળતા અસંખ્ય દર્દીઓને નવજીવન મળ્યુ છે.
વિસનગર તાલુકાના દઢિયાળ ગામના ૮૫ વર્ષના મગનજી બેચરજી ઠાકોરને પહેલેથી શ્વાસની તકલીફ હતી, શારીરિક રીતે નાદુરસ્ત હતા. પરંતુ તારીખ ૧૫-૦૪-૨૪ ના રોજ સવારથી તેમની તબિયત લથડતા,અતિશય શ્વાસ ચડવો અને ખૂબ જ અશક્તિ જેવી તકલીફ સાથે દર્દીના પૌત્ર વિક્રમજી અમૃતજી ઠાકોર નૂતન હોસ્પિટલના મેડિસિન વિભાગમાં સારવાર અર્થે લાવેલ જ્યાં ડોક્ટરની તપાસ દરમિયાન દર્દીનું માથું લથડી પડ્યું અને શરીરનું હલનચલન બંધ થઈ ગયું હતુ. જેથી તાત્કાલિક દર્દીને હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા. જયાં ઈમરજન્સી વિભાગના વડા ડૉ.પ્રકાશભાઈ મકવાણા, નર્સિંગ ઇન્ચાર્જ અમિત પટેલ તથા ટીમ દ્વારા તપાસતા દર્દીનું હૃદય બંધ પડી ગયેલ. ઓક્સિજન લેવલ બતાવતું ન હતું અને પલ્સ પણ આવતા ન હતા. જેથી ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીને બચાવવા દર્દીના સગાની મંજૂરી લઈ ૧૫ મિનિટ સુધી સતત CPR આપવામાં આવ્યા અને ૪ વાર અદ્યતન ડિફીબ્રીલેટર મશીન થકી શૉક આપવામાં આવ્યા.આ સઘન સારવાર થકી દર્દીનું હૃદય પુનઃ ધબકતું થયું. ડોક્ટર દ્વારા દર્દીની ગંભીર સ્થિતિ જોતા તેમને આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા. ડોક્ટર્સના મત અનુસાર આવી પરિસ્થિતિના દર્દીને ૨૪ કલાકમાં ફરીથી હૃદય બંધ પડવાના ચાન્સ ૯૦% હોઈ ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી હોય છે. દર્દીને આઈસીયુમાં ચાર દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખી તબિયતની સ્થિતિ સુધરતા તા. ૧૯-૦૪-૨૪ ના રોજ વેન્ટિલેટર કાઢી નાખવામાં આવ્યું અને દર્દીના સ્વાસ્થ્યની સ્થિતિ સ્વસ્થ છે. દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં ટૂંક જ સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ સમગ્ર સારવાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્ય કરવામાં આવેલ. નુતન હોસ્પિટલ ખાતે અપાતી તમામ સારવાર હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.પી.સી.પટેલ અને ડે.સુપ્રિટેન્ડન્ટ ડૉ.સુનીતા મન્નાગુટીની સીધી દેખરેખ અને અંગત માર્ગદર્શન થકી અપાઈ રહી છે.