Select Page

મહિલા કર્મચારીની ભાજપ વિરોધી માનસિકતાથી કાર્યકરોમાં રોષ

મહેસાણા મિશન મંગલમ યોજનાના

  • કોઈપણ સરકારી કર્મચારી ચુંટણી ટાણે કોઈપણ રાજકીય પાર્ટીને જાહેરમાં સમર્થન કરે તો તેની સામે કાર્યવાહી થાય
  • જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર આ બાબતે તપાસ કરે અને આવા કર્મચારીને સબક શિખવે તેવી ભાજપના કાર્યકરોની માગ

મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ. (મિશન મંગલમ્‌) યોજનામાં કરાર ઉપર ફરજ બજાવતા ઈન્ચાર્જ મહિલા ડી.એલ.એમ.એ વિધાનસભાની ચુંટણી ટાણે પોતાના મોબાઈલ વોટ્‌સએપ ગૃપમાં ભાજપ સરકાર વિરોધી કોમેન્ટો પોસ્ટ કરી બીજી એક પાર્ટીને સમર્થન આપવા અન્ય કર્મચારીઓને આડકતરો ઈશારો કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ઉભો થયો છે. ભાજપના કાર્યકરો સરકાર વિરોધી માનસિક્તા ધરાવનાર મહિલા ડી.એલ.એમ.ને નોકરીમાંથી બરતરફ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જી.એલ.પી.સી.ના અધિકારીઓ આ મહિલા ડી.એલ.એમ. વિરૂધ્ધ ક્યારે કાર્યવાહી કરે છે તેની કાર્યકરો રાહ જોઈને બેઠા છે.
લોકશાહીમાં દરેક વ્યક્તિને કોઈપણ ચુંટણીમાં પોતાની મનગમતી રાજકીય પાર્ટીને સમર્થન આપવાનો અબાધિત અધિકાર અને હક્ક છે. પરંતુ ચુંટણીપંચના નિયમોનુસાર સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ચુંટણી સમયે કોઈપણ રાજકીય પાર્ટીને જાહેરમાં સમર્થન આપે અથવા બીજાને સમર્થન આપવા સલાહ આપે તો ગુનો બને છે. મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ. (મિસન મંગલમ) યોજનામાં કરાર ઉપર ફરજ બજાવતા ઈન્ચાર્જ મહિલા ડી.એલ.એમ. વર્ષાબેન પ્રજાપતિએ પોતાના સાથી કર્મચારીઓના વોટ્‌સએપ ગૃપમાં ભાજપ સરકાર વિરોધી કોમેન્ટો પોસ્ટ કરી આડકતરી રીતે બીજી એક પાર્ટીને સમર્થન આપવા અન્ય કર્મચારીઓને ઈશારો કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ઉભો થયો છે. આ બાબતે ભાજપના એક આગેવાને પ્રચારને જણાવ્યુ છે કે, મહેસાણા જીલ્લામાં સખી મંડળોની બહેનોની મોટી ફોજ છે. જેમા આશરે ૧.૨૫ લાખ જેટલી બહેનો છે. સરકારની મિશન મંગલમ્‌ યોજના સખી મંડળની બહેનો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે મહેસાણા જીલ્લાના ઈન્ચાર્જ ડી.એલ.એમ. વર્ષાબેન પ્રજાપતિએ વિધાનસભાની ચુંટણી ટાણે પોતાના સાથી કર્મચારીઓના વોટ્‌સએપ ગૃપમાં ભાજપ સરકાર વિરોધી કોમેન્ટ પોસ્ટ કરી બીજી પાર્ટીને સમર્થન આપવાનો જે ઈશારો કર્યો તે જરાય ચલાવી લેવાય નહી. આમહિલા કર્મચારીની ભાજપ સરકાર વિરોધની માનસિક્તાથી આવનારી ચુંટણીઓમાં ભાજપને નુકશાન થશે. ભાજપ વિરોધી માનસિક્તા ધરાવતી આ મહિલા કર્મચારીને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવા જી.એલ.પી.સી. ગાંધીનગરના અધિકારીઓએ કાર્યવાહી કરવી જોઈએ. હવે ભાજપના આ આગેવાનોની રજુઆતને જી.એલ.પી.સી.ના અધિકારીઓ કેટલી ગંભીરતાથી લે છે તે જોવાનુ રહ્યુ? જો જી.એલ.પી.સી.ના અધિકારીઓ આ મહિલા કર્મચારી સામે કોઈ પગલા નહી ભરે તો આગામી સમયમાં ભાજપના કાર્યકરો કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવા હોવાનુ જાણવા મળ્યુ છે. જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર આ બાબતે તપાસ કરે અને આવા કર્મચારીને સબક શિખવે તેવી ભાજપના કાર્યકરોએ માગ કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us