અઢી ઈંચ વરસાદથી જળબંબાકાર-દેળીયામાં ટીંપુય આવક નહી
રેલ્વે અને પંચાયત માર્ગ મકાન વિભાગના કોન્ટ્રાક્ટરોએ રોડ સાઈડ માટી ઠલવતા પાણી રોકાયુ
અઢી ઈંચ વરસાદથી જળબંબાકાર-દેળીયામાં ટીંપુય આવક નહી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા તંત્રની ઉપેક્ષાથી દેળીયુ તળાવ નિરાધાર બન્યુ છે. જન્માષ્ટમીના દિવસે અઢી ઈંચ વરસાદ થતા શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયુ હતુ. ત્યારે દેળીયા તળાવના આવરા પુરાઈ જતા તળાવમાં એક ટીંપાની પણ આવક થઈ નહોતી. વડનગર-પાલડી રોડ ઉપર તળાવના આવરા પુરાઈ ગયા છે. જ્યારે પીંડારીયાથી વડનગર એપ્રોચ રોડ ઉપર રેલ્વે તથા માર્ગ મકાન પંચાયતના કોન્ટ્રાક્ટરોએ રોડ સાઈડ માટી ઠલવતા આવરા પુરાતા દેળીયા તળાવમાં આવતુ પાણી રોકાયુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પ્રયત્નો નહી કરે તો દેળીયુ તળાવ મેદાન બની જશે તે ચોક્કસ વાત છે.
વિસનગરમાં ચોમાસુ ઋતુનો કુલ વરસાદ ૨૮૧ એમ.એમ. એટલે કે ૧૧ ઈંચ નોધાયો છે. જેમાં તા.૯-૮ ના રોજ ૨૪ એમ.એમ. તથા તા.૧૨-૮ જન્માષ્ટમીના દિને ૫૬ એમ.એમ. વરસાદ પડ્યો હતો. વિસનગરમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સવાલા દરવાજા બસ સ્ટેન્ડ, કાંસા રોડ ગંજબજાર ફાટક, ગાયત્રી મંદિર વિસ્તાર, ગુરૂકુળ રોડ, એમ.એન. કોલેજ રોડ પંડ્યાના નાળા પાસે વિગેરે વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અઢી ઈંચ વરસાદમાં પાલિકાના પ્રિમોન્સુન પ્લાનના ધજીયા ઉડ્યા હતા. પાણી ભરાતા શહેરના મુખ્ય માર્ગોમાં ઘણી જગ્યાએ ખાડા પડ્યા હતા. જેમાં સવાલા દરવાજા બી.એમ.કોમ્પલેક્ષ આગળ બબ્બે દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. અઢી ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલત ખરાબ થઈ ગઈ હતી.
દસેક વર્ષ પહેલા એવી પરિસ્થિતિ હતી કે, વિસનગરમાં એકાદ ઈંચ વરસાદ પડે તો શહેરના ઐતિહાસિક દેળીયા તળાવમાં પાણીની આવક થતી હતી. પરંતુ પાલડી રોડ અને વડનગર રોડ ઉપર તળાવના આવરા પુરાઈ જતા આ તરફથી વરસાદી પાણીની આવક બંધ થઈ ગઈ છે. પીંડારીયા મંદિરથી વડનગર હાઈવે એપ્રોચ રોડ ઉપરના નેળીયાના માર્ગે દેળીયા તળાવમાં પાણીની આવક થતી હતી. પરંતુ આ રોડ ઉપર રેલ્વે નાળા પાસે પાણીનુ નાળુ બનાવ્યા બાદ બીજી બાજુ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નહી આવતા તથા માર્ગ મકાન પંચાયતના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવ્યા બાદ રોડ સાઈડ નેળીયાના ભાગેથી માટી દુર નહી કરતા આ રોડ ઉપરના નેળીયાનુ પાણી પણ તળાવમાં આવી શક્યુ નહોતુ. જન્માષ્ટમીના દિવસે ભારે વરસાદ પડતા રેલ્વેનાળા પાસેના વરસાદી પાણી નિકાલના નાળામાં ચાર ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયુ હતુ. નાળાની બીજી બાજુ પાણી નિકાલની વ્યવસ્થા હોત તો દેળીયા તળાવમાં પાણી આવવાનુ હતુ. નાળામાં પાણી ભરાતા આ વિસ્તારના ખેડૂતોએ ભરાયેલા નાળામાં સ્વીમીંગ પુલની મજા માણી હતી.
નોંધપાત્ર બાબત છેકે, પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ દ્વારા પીંડારીયાથી વડનગર એપ્રોચ રોડની સાઈડમાંથી માટી દુર કરવા તથા રોડ નીચે નાખવામાં આવેલ નાળામાંથી માટી દુર કરવા પંચાયત માર્ગ મકાન વિભાગમાં વારંવાર રજુઆત કરી હતી. પરંતુ પાલિકા સભ્યની દિર્ઘદ્રષ્ટીની કોઈએ ગણના કરી નહોતી. પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને તળાવ ભરાય કે ન ભરાય તેની કંઈ પડી હોય તેમ જણાતુ નથી. નહીતો તળાવમાં આવતા પાણીમાં નડતરરૂપ માટી ક્યારનીય દુર કરી હોત. દેળીયા તળાવમાં પાણીની આવક માટે હવે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પ્રયત્નો હાથ ધરવા પડશે. પાલિકા તથા પંચાયત માર્ગ મકાન વિભાગને સુચના આપી પીંડારીયાથી વડનગર હાઈવે એપ્રોચ રોડ ઉપરની સાઈડોમાંથી તાત્કાલીક માટી દુર કરવામાં નહી આવે તો ચોમાસામાં દેળીયા તળાવમાં પાણીની કોઈ આવક થશે નહી અને આવનાર સમયમાં તળાવ મેદાન બની જશે.