Select Page

લોકસભાની ચુંટણીમા ઋતુ ધ્યાને નહી લેવાય તો લોકશાહી પર્વનો ઉત્સાહ ખતમ થશે

લોકસભાની ચુંટણીમા ઋતુ ધ્યાને નહી લેવાય તો લોકશાહી પર્વનો ઉત્સાહ ખતમ થશે

સવારથીજ લાઈનો જોવા મળી એ મતદારોનો ઉત્સાહ નહી પણ ગરમીનો ભય હતો

તંત્રી સ્થાનેથી…

નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ મા દેશનુ વડાપ્રધાન પદ સંભાળ્યુ ત્યારથી લોકસભાની ચુંટણીમાં મતદાર જાગૃતિ માટે ચુંટણી પંચે કમર કસી છે. ૧૮ મી લોકસભાની ચુંટણીમાં કુલ ૯૬.૮૮ કરોડ મતદારો વધુમા વધુ મતદાન કરે તે માટે ચુંટણી પંચ દ્વારા કોઈ કચાસ રાખવામાં આવી નથી. લોકસભાની ૫૪૩ સીટમાં મોટાભાગના મત વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ચુંટણી પંચની મતદાનની ઉંચી ટકાવારીની આશાઓ ઉપર ઉનાળાની કાળઝાળ ગરમીએ પાણી ફેરવી દીધુ છે. ત્રીજા તબક્કાની ચુંટણીમાં હિટવેવની આગાહીને લઈને બુથ ઉપર પીવાનુ પાણી, છાયડા માટે મંડપ, મેડીકલ ટીમ, હેલ્થ સેન્ટર જેવી ઘણી વ્યવસ્થા કરવામા આવી હોવા છતા ૫૯.૪૯ ટકા જેટલુ મતદાન થયુ હતુ. જે અગાઉની ચુંટણી કરતા પાંચથી દશ ટકા ઓછુ મતદાન થયુ. લોકસભાની ચુંટણીમાં વર્ષ ૨૦૧૪ માં ૬૩.૬૬ અને વર્ષ ૨૦૧૯ મા ૬૪.૧૨ ટકા મતદાન થયુ હતુ. એક તરફ કોવિડ વેક્સીનના કારણે કે અન્ય કારણોસર અચાનક હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. ત્યારે લોકસભાની ચુંટણી દરમ્યાન હિટવેવમાં ચુંટણી કામગીરીમાં રોકાયેલા કેટલાક કર્મચારીઓના મૃત્યુના પણ બનાવ બન્યા છે. ચુંટણી ફરજ દરમ્યાન સ્વાસ્થ્ય બગડતા કર્મચારીઓને સારવાર્થે હોસ્પિટલમાં પણ દાખલ કરાયાના બનાવ સાંભળ્યા. વિધાનસભા કે લોકસભાની ચુંટણીમાં હંમેશા મુસ્લીમ સમાજના મતદારોની લાબી લાઈનો સોશિયલ મીડિયામાં ચગાવવામાં આવે છે. આ વખતની ત્રીજા તબક્કાની ચુંટણીમાં ગુજરાતમાં સવારથીજ બુથ ઉપર લાબી લાઈનો જોવા મળી હતી. જે જોઈને સોશિયલ મીડિયામાં મતદાર જાગૃતિ બીરદાવવામાં આવી હતી. પરંતુ બુથ ઉપર સવારથીજ લાબી લાઈનો જોવા મળી એ ચુંટણી પર્વનો ઉત્સાહ નહોતો પરંતુ ગરમીનો ભય હતો. મતદાન માટે લાઈનમાં ઉભા રહેલા કેટલાક મતદારોને પણ ચક્કર આવ્યા હોવાના બનાવ બન્યા હતા. ચુંટણી પ્રચાર દરમ્યાન દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીને ચક્કર આવતા સ્ટેજ ઉપર લથડીયા ખાતા જોવા મળ્યા. લોકસભાની ૫૪૩ બેઠકની સામાન્ય ચુંટણી પ્રક્રિયા અઢી મહિનાની છે. જેમાં સાત તબક્કાના મતદાનથી પરિણામ સુધીના ૪૬ દિવસ ખુબજ મહત્વના છે. આ મહત્વના દિવસોમાં કાળઝાળ ગરમી મતદારોનો ઉત્સાહ નિરૂત્સાહમાં ફેરવી રહી છે. છેલ્લા ૧૫ વર્ષના રેકોર્ડમાં એપ્રીલ ૨૦૨૪ માં હિટવેવનુ પ્રમાણ સૌથી વધારે હતુ. એપ્રીલ ૨૦૨૪ મા હિટવેવની બીજી સૌથી લાંબી અવધી ૧૮ દિવસની હતી. વર્ષ ૨૦૧૬ માં ૨૧ દિવસ હેટવેવની અસર હતી. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૧૪ અને ૨૦૧૯ ની છેલ્લી બે લોકસભાની ચુંટણી ગરમ દાયકામાં યોજાઈ હતી. ૨૦૧૪માં વૈશ્વિક સરેરાશ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસે પહોચ્યુ હતુ. જ્યારે ૨૦૧૯ મા તે વધીને ૧.૨ ડિગ્રી સેલ્સિયસ થયુ હતુ. હવામાન શાસ્ત્રીઓએ ભારતને ગંભીર હિટવેવ વિસ્તારની શ્રેણીમાં મૂક્યુ છે. શિયાળામાં જમ્મુ કાશ્મિર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ચુંટણી કરવી શક્ય નથી. જૂનથી ઓગસ્ટ માસ દરમ્યાન ચોમાસાના કારણે ચુંટણી પ્રક્રિયામા વિઘ્ન ઉભુ થઈ શકે છે. એપ્રીલ થી જૂન સુધી કાળઝાળ ગરમી દેશના મોટાભાગના વિસ્તારમાં ચુંટણી કામગીરીમાં અસર કરે છે, જે અત્યારે જોઈ શકાય છે. ચુંટણીમાં મતદારોજ મહત્વના છે, મતદારોને મતદાન મથક સુધી પહોચવામાં કોઈ તકલીફ પડે નહી તેવી ઋતુમા ચુંટણી યોજવા વિચારવાનો સમય હવે આવી ગયો છે. ચુંટણી પંચ દ્વારા ૧૮૦ દિવસના સમયગાળામાં ચુંટણી કરાવવાની જોગવાઈ છે. ત્યારે ફેબ્રુઆરીથી એપ્રીલનો સમયગાળો ચુંટણી પ્રક્રિયા માટે ઉત્તમ ગણી શકાય. આ મહિનાઓમાં માર્ચ અને એપ્રીલ એ પરીક્ષાનો સમય છે. ત્યારે લોકશાહીને જીવંત રાખવા પાંચ વર્ષમાં એક વખત પરીક્ષાનો સમય બદલી શકાય. પરીક્ષામાં લાખ્ખો વિદ્યાર્થીઓનુ તો ચુંટણીમાં કરોડો દેશવાસીઓનુ ભાવી સંકળાયેલુ છે. આપણા પર્વો પણ એવી રીતે ગોઠવવામાં આવ્યા છેકે જેમાં ઉનાળાની અસર થાય નહી. ત્યારે સરકાર અને સંવિધાનના હાથની વાત હોય તો લોકશાહીના પર્વનો ઉત્સાહ જાળવી રાખવા વિચાર કરવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વન નેશન વન ઈલેકશન માટે મથી રહ્યા છે. ત્યારે ૧૮ મી લોકસભાની મુદત ત્રણ મહિના ઘટાડી ફેબ્રુઆરીથી એપ્રીલ સુધીમાં લોકસભાની ચુંટણી થાય તે માટે હવે દરેક પક્ષોએ વિચાર કરવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us