ભાજપવાળા મત લેવા આવે છે, પછી દેખાતા જ નથી
વિસનગરમાં મતદાનના દિવસે બે પાટીદાર મતદારોએ બળાપો કાઢ્યો
- મતદારોએ મતદાનના દિવસે પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને પુર્વ ઉપપ્રુખ રૂપલભાઈ પટેલ સામે પોતાનો રોષ ઠાલવતા કહ્યુ કે, પાલિકામાં અમારી કોઈ રજુઆત સાંભળતુ નથી. અમારા વિસ્તારમાં કોઈ વિકાસકામ પણ થતા નથી.
રાજકીય હોદ્દેદારો ચુંટાયા પછી પ્રજાની રજુઆતો નહી ગણકારતા સમય અવે ત્યારે પ્રજા યાદ રાખીને જાહેરમાં બળાપો ઠાલવે છે. વિસનગર શહેરના બે પાટીદાર સમાજના વૃધ્ધ મતદારો લોકસભાની ચુંટણીનું મતદાન કરવા આવ્યા ત્યારે જવાહર સ્કુલના મતદાન મથકની બહાર મતદારોને મદદરૂપ માટે ઉભેલા નગરપાલિકાના ભાજપના પ્રમુુખ અને ઉપપ્રમુખ સામે રોષ ઠાલવ્યો હતો. આ બંન્ને પાટીદાર મતદારોએ પાલિકાના બંન્ને હોદ્દેદારોને જાહેરમાં કહ્યુ કે, તમે બધા ચુંટણી આવે ત્યારે મત માગવા આવો છો. અને જીત્યા પછી તો દેખાતા જ નથી. ત્યારે ભાજપના આ બંન્ને હોદ્દેદારોએ મતદારોને મનાવ્યા હતા.
કોઈપણ ચુંટણીમાં રાજકીય ઉમેદવારો ચુંટણી જીતવા માટે પ્રજાને વિકાસકામો કરવાના વચનો આપે છે. મતો મેળવવા પ્રજાને હાથ જોડે છે. પરંતુ ચુંટણી જીત્યા પછી પ્રજાના કામો કરતા નથી. સત્તાના નશામાં પ્રજાની રજુઆત પણ સાંભળતા નથી. ત્યારે શાણી પ્રજા બીજી કોઈપણ ચુંટણી આવે ત્યારે જાહેરમાં પોતાનો બળાપો કાઢી હોદ્દેદારોને જવાબદારીનૂું ભાન કરાવે છે. વિસનગર શહેરના વોર્ડ નં.૧માં ઉત્કર્ષ સોસાયટીમાં રહેતા સોમાભાઈ અંબારામદાસ પટેલ મંગળવારે સવારે લોકસભાની ચુંટણીનું મતદાન કરવા માટે જવાહર સોસાયટી સ્કુલના મતદાન મથક ઉપર આવ્યા હતા. આ સમયે તેઓ પાલિકા ભાજપના પુર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલને મળ્યા હતા. જ્યાં વાતચીત દરમિયાન સોમાભાઈ પટેલે પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે મારી ઉત્કર્ષ સોસાયટીમાં છેલ્લા ૧૫ વર્ષથી અનિયમિત પાણી આવે છે. જે બાબતે અમે વારંવાર પાલિકામાં રજુઆત કરી છે. પરંતુ પાલિકામાં અમારી કોઈ રજુઆત સાંભળતુ નથી. ભાજપવાળા ચુંટણી આવે ત્યારે અમારી સોસાયટીમાં મત માગવા આવે છે. અને ચુંટણી જીત્યા પછી કોઈ દેખાતુ જ નથી. જોકે રૂપલભાઈ પટેલે આ આગેવાન મતદારની વેદના શાંતીથી સાંભળી ચુંટણી પુર્ણ થયા બાદ તેમની પાણીની સમસ્યા દુર કરવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ વોર્ડ નં.૧માં આખલીપરામાં રહેતા બાબુભાઈ નારાયણદાસ પટેલ સાંજના સમયે જવાહર સ્કુલમાં મતદાન કરવા આવ્યા હતા. ત્યારે મતદાન મથક બહાર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે તેમના ખબર અંતર પુછતા બાબુભાઈ પટેલે તરત જ પોતાનો બળાપો ઠાલવતા કહ્યુ કે, હું છેલ્લા ૪૦ વર્ષથી ભાજપને ઉપાડીને ફરૂ છું. છતાં અમારા વિસ્તારમાં કોઈ વિકાસકામ થતુ નથી. મેં અમારા વિસ્તારની સમસ્યા દુર કરવા આશરે દશ વખત પાલિકામાં રજુઆતો કરી છે. પણ પાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ અમારી રજુઆત સાંભળતુ નથી. ભાજપવાળા ફક્ત મોટી મોટી વિકાસની વાતો કરે છે. શહેરમાં કોઈ વિકાસ થયો નથી. જ્યારે શહેરના કેટલાક મતદારોએ પાલિકાના પુર્વ પ્રમુખ વર્ષાબેન પટેલે પણ અઢી વર્ષ સુધી વિકાસની મોટી મોટી વાતો કરી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. એક મતદારે તો કહ્યુ કે, વર્ષાબેન પટેલ પાલિકા પ્રમુખ હતા ત્યારે શહેરને હરિયાળુ બનાવવાની વાતો કરતા હતા. પરંતુ તેમને તેમના અઢી વર્ષના શાસનમાં કોઈ વિકાસ ન કર્યો. અત્યારે ભાજપ અગ્રણી રૂપલભાઈ પટેલ ભલે પાલિકાના પ્રમુખ ન હોય પણ શહેરના લોકો આજે પણ તેમને પોતાના પ્રશ્નોની રજુઆત કરી ન્યાયની અપેક્ષા રાખે છે.