Select Page

ખેડૂતો અને પશુપાલકોના આશિર્વાદ મેળવતી રૂા.રપ૮ કરોડની ખેરાલુ-સતલાસણા તાલુકાના પ૪ ગામના ૭૪ તળાવોની યોજના શરૂ

ખેડૂતો અને પશુપાલકોના આશિર્વાદ મેળવતી રૂા.રપ૮ કરોડની ખેરાલુ-સતલાસણા તાલુકાના પ૪ ગામના ૭૪ તળાવોની યોજના શરૂ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈના પ્રયત્નોથી ખેરાલુના ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવને ઊંડુ કરવા ગ્રાન્ટ ફાળવી હતી. તે પછી ર૦ વર્ષ માં ક્રમશઃ વરસાદ ઓછો થતા કયારેય ચોમાસાના પાણીથી તળાવો ઓવરફલો થવાના બનાવો બન્યા નથી. તત્કાલીન ધારાસભ્ય અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા ધરોઈ આધારીત પાઈપ લાઈનથી તળાવો ભરવાની યોજના બનાવી હતી. જે યોજનાને તત્કાલિન સિંચાઈ મંત્રી તેમજ હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આ યોજનાની સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. ત્યારબાદ મંત્રી ઋષિભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રૂા. ૩૧૭.૦૩ કરોડની યોજનાની ર૦ર૩માં મંજૂરી આપવામા આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરભ વાળીનાથ આવ્યા ત્યારે અંદાજિત રૂા.૧ર૦૦ કરોડના જળ સંસાધન અને પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યા હતા. જેમા ખેરાલુ તાલુકાના ૧૯ ગામો અને સતલાસણા તાલુકાના ૩પ ગામોના ૭૪ તળાવો ધરોઈ ડેમના પાણીથી ભરવા ખાતમુર્હૂત કરાયુ હતુ. જેનુ કામ ગત શનીવાર ૯-૩-ર૪ ના રોજથી શરૂ કરાતા ખેડૂતો અને પશુપાલકોમા આનંદ છવાયો હતો.
સિધ્ધ્પુર- ખેરાલુ અને સતલાસણા હાઈવેના ઉત્તર ભાગમાં આવેલ મુક્તેશ્વર અને ધરોઈ ડેમ હોવા છતા સિંચાઈની કોઈ સુવિધા નથી. તેમજ તળીયામા પત્થર આવતો હોવાથી પાણી મળતુ નથી. ર૦રરની સાલમાં વિધાનસભા પહેલા “પાણી નહી તો વોટ નહી ”ના મંત્ર સાથે આંદોલન કર્યા હતા. તેમજ પાણીના પ્રશ્ને ડાવોલ, ડાલીસણા અને વરેઠા જેવા ગામો એ તો સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયત, તાલુકા / જિલ્લા પંચાયતની ચાર ચુંટણીનો વિરોધ કર્યો હતો. જેથી આંદોલનને બળ મળ્યુ હતુ. સરકાર દ્વારા તત્કાલીન ધારાસભ્ય અજમલજી ઠાકોરની આબરૂ ઓછી કરવા ઈરાદા પૂર્વક પ્રયત્નો પણ થયા હતા. ત્યારબાદ વિધાનસભાની ચુંટણીમાં ઈત્તર અને ક્ષત્રિય રાજપૂત સમાજના મતથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જીત્યા હતા. સરદારભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર તથા રમીલાબેન દેસાઈ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પાસે ગયા જયાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ભલામણથી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રૂા.૩૧૭,૦૩ કરોડની યોજનાને મંજૂરી આપી હતી. જેના માત્ર બે મહિનામાં રૂા.રપ૩.પ૬ કરોડનુ ટેન્ડર મંજૂર થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રર-ર-ર૦ર૪ના રોજ ખાતમુર્હૂત કરતા કામ શરૂ કરવામા આવ્યુ હતુ. જે કામ ગત અઠવાડીયે શરૂ થતા લોકોમા ભારે આનંદ જોવા મળ્યો હતો.
આ પ્રોજેક્ટ બનાવનાર માર્સ કંપનીના પ્રોજેક્ટ મેનેજર સુદાસણાના વતની વિષ્ણુભાઈ મેવાડાએ જણાવ્યુ હતુ કે ધરોઈ ડેમમા ૧૧૪૦ મીટરની કેનાલ બનાવી પાણી સાંતોલા સુધી લાવવામાં આવશે. સાંતોલા ખાતે ૩ર મીટર લંબાઈ અને ૧૭ મીટર પહોળાઈનુ ઈન્ટેક સ્ટ્રકચર બનાવવામા આવશે. જેમા ૭પ૦ કિ.વોટ ક્ષમતાના પાંચ પંપ દ્વારા પાંચ ફુટ ગોળાઈની ૧૦.૧પ કી.મી. પાઈપ લાઈન વરસંગ તળાવમાં પહોચશે. વરસંગ તળાવથી ખેરાલુના ૧૯ ગામો ના ૩ર તળાવોને ગ્રેવીટીથી પાણી આપવામા આવશે. સતલાસણા તાલુકાના ૩પ ગામોના ૪ર તળાવોને સુદાસણા, ભાલુસણા, ટીમ્બા, મુખ્ય લાઈનોથી પંપીંગ કરી સાંતોલાથી ગોઠડા, સમરાપુરા, મોટા કોઠાસણા, ગામોને ડાયરેક્ટ લાઈનથી પાણી અપાશે. જેમા કુલ ૧૧૮ કી.મી. લંબાઈની લોખંડની, ડી.આઈ.તથા એચ.ડી.પી.ઈ. પાઈપો દ્વારા ૭૪ તળાવો ભરાશે. આ કામગીરી જુન ર૦રપ સુધીમા પૂર્ણ કરાશે. પાઈપ લાઈન નંખાયા પછી ૧૦ વર્ષ સુધી ચલાવવાની, રીપેરીંગ અને ગામડાના તળાવોમા પાણી પહોચાડવાની જવાબદારી રહેશે. આયોજનાથી ત્રણ હજાર હેકટર જમીનને ફાયદો થશે. જમીનના પાણીના તળ ઉંચા આવશે. ખેડૂતોના વિજબીલ તથા મશીનરી રીપેરીંગના ખર્ચ ઘટી જશે. પાણીથી વંચિત ગામ તળાવો ભરાવવાથી પશુપાલન ઉદ્યોગ પણ વધશે. આ યોજના પૂર્ણ થવાથી ખેડુતોના સીધા આશિર્વાદ મળશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts