Select Page

મંત્રી ઋષિભાઈ પટેલની જંગી લીડની અપીલ મતદારોએ સહર્ષ આવકારી લોકસભામાં વિસનગરમાં ભાજપના હરિભાઈ પટેલને ૫૩૯૦૫ ની લીડ

મંત્રી ઋષિભાઈ પટેલની જંગી લીડની અપીલ મતદારોએ સહર્ષ આવકારી લોકસભામાં વિસનગરમાં ભાજપના હરિભાઈ પટેલને ૫૩૯૦૫ ની લીડ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભા સીટમાં ભાજપને જંગી મતોની લીડ અપાવી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે તેમના મત વિસ્તારમાં દબદબો જાળવી રાખ્યો છે. કોંગ્રેસમાંથી ઠાકોર સમાજના ઉમેદવાર હોવાથી તાલુકાના ઠાકોર સમાજના મતદાર ભાજપથી વિમુખ થાય તેવી રાજકીય તજજ્ઞોની ધારણા હતા. પરંતુ સર્વ સમાજને સમકક્ષ રાખવાની મંત્રીશ્રીના અભિગમથી ઠાકોર સમાજનુ મતદાન ભાજપ તરફી થતા ભાજપને ગત લોકસભા કરતા ૯૦૫૩ અને વિધાનસભા કરતા ૧૯૪૦૧ મત વધારે મળ્યા છે. રાજકોટ અગ્નિકાંડના કારણે આતશબાજી કે વિજય સરઘસ માટે પ્રદેશ ભાજપનો પ્રતિબંધ હોવાથી લોકસભામાં ભાજપના હરિભાઈ પટેલની જંગી મતની લીડના વિજયને ફક્ત શુભેચ્છાઓથી વધાવી હતી.
લોકસભા ૨૦૨૪ ની સામાન્ય ચુંટણીના તા.૭-૫-૨૦૨૪ ના રોજ મતદાન બાદ તા.૪-૬-૨૦૨૪ ના રોજની મતગણતરીની મતદારોમાં ભારે આતુરતા હતી. મર્ચન્ટ કોલેજ બાસણામા સવારે ૮-૦૦ કલાકથી મત ગણતરી શરૂ થઈ તેમાં પ્રથમ રાઉન્ડથીજ ભાજપના હરીભાઈ પટેલે લીડ મેળવી હતી. ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જીલ્લાની સીટમાં પછીના દરેક રાઉન્ડમાં ભાજપે લીડ મેળવી હતી. મહેસાણા સીટની કુલ ૭ વિધાનસભા સીટમાં થયેલ ૧૦,૭૮,૬૪૦ ના વોટીંગમા ભાજપના હરિભાઈ પટેલને ૬,૮૬,૪૦૬ અને કોંગ્રેસના રામજી ઠાકોરને ૩,૫૮,૩૬૦ મત મળતા ભાજપનો ૩,૨૮,૦૪૬ મતોની જંગી લીડથી ભવ્ય વિજય થયો હતો.
વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મત મળ્યા તેટલી ભાજપને લીડ મળી
સર્વ સમાજને સમકક્ષ રાખવાના અભિગમથી ઠાકોર સમાજના મતમા કોઈ ઈફેક્ટ નહી
મહેસાણા લોકસભા સીટમા સમાવિષ્ટ સાત વિધાનસભા સીટમાં ભાજપને લીડમા વિસનગર સીટ બીજા નંબરે
લોકસભામાં આવતી સાત વિધાનસભા સીટમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વિસનગર વિધાનસભા સીટના પરિણામ ઉપર સૌની નજર હતી. વિસનગરમાં એક ટાવરની સભાથી મંત્રી ઋષિભાઈ પટેલે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ સભામાં મંત્રીશ્રીએ વિધાનસભાની લીડ કરતા પણ વધારે લીડ માટે મતદારોને અપીલ કરી હતી. ત્યારબાદ ગામડામાં ઝંઝાવતી ચુંટણી પ્રવાસ કર્યો હતો. મંત્રી ઋષિભાઈ પટેલ તેમની રાજકીય કારકિર્દિમાં નડનારને ક્યારેય નડ્યા નથી. રાગદ્વેષ, નાત, જાત કે ભેદભાવ વગરના વિકાસના કારણે ચુંટણી પ્રચારમાં દરેક ગામ અને સમાજમા આવકાર મળ્યો હતો. જેની અસર તા.૪-૬-૨૦૨૪ ના રોજ થયેલી મતગણતરી ઉપરથી જોવા મળી. વિસનગર વિધાનસભા સીટમા કુલ ૧,૩૯,૮૯૮ ના મતદાનમાં ભાજપના હરિભાઈ પટેલને ૯૪,૯૪૪ અને કોંગ્રેસના રામજી ઠાકોરને ૪૧૦૩૯ મત મળતા ભાજપને ૫૩૯૦૫ ની જંગી લીડ મળી હતી.
વિસનગર સીટમાં સૌથી વધુ મત સંખ્યા ધરાવતા પાટીદાર સમાજના મત બાદ બીજા નંબરે ઠાકોર સમાજના મતદારો છે. કોંગ્રેસે રામજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરતાજ ઠાકોર સમાજના મત ભાજપથી વિમુખ થશે તેવા રાજકીય ગણીત હતા. એવામા વિસનગર શહેર તાલુકા ઠાકોર સમાજના સમુહલગ્નમા મંત્રી ઋષિભાઈ પટેલે મોટુ યોગદાન આપ્યુ હોવા છતા સમુહલગ્નના કાર્યક્રમમાં ઠાકોર સમાજના મતદારોને લોભાવતુ કોઈ ભાષણ કર્યુ નહોતુ અને સામાજીક કાર્યક્રમને સન્માન આપ્યુ હતુ. જ્યારે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સમુહલગ્નમાં ઉપસ્થિત કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને પાઘડી પહેરાવી છે તો સન્માન આપજો તેમ કહી સામાજીક કાર્યક્રમને રાજકીય સ્ટેજ બનાવી દેતા તાલુકાના ઠાકોર સમાજમા તેની વિપરીત અસર થઈ હતી. આમેય મંત્રી ઋષિભાઈ પટેલે વિકાસમાં ક્યારેય ભેદભાવ રાખ્યો નહી હોવાથી લોકસભાની ચુંટણીમાં તેની અસર જોવા મળી અને ભાજપ તરફે ઠાકોર સમાજના મત અકબંધ રહ્યા હતા. મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગર વિધાનસભા સીટમા સર્વ સમાજના લોકપ્રિય હોવાથી ગત લોકસભા અને વિધાનસભા કરતા પણ ભાજપને વધારે મત મળ્યા હતા.
વર્ષ ૨૦૧૯ ની લોકસભામા વિસનગર સીટમા કોંગ્રેસના એ.જે.પટેલને ૪૬૮૪૧ સામે ભાજપના શારદાબેન પટેલને ૯૧૭૧૧ મત મળતા ૪૪૮૭૦ ની લીડ મળી હતી. જ્યારે ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના કિરીટભાઈ પટેલને મળેલ ૫૩૯૫૧ મતની સામે ઋષિભાઈ પટેલને ૮૮૩૫૬ મત મળતા ૩૪૪૦૫ લીડ મેળવી હતી. ઋષિભાઈ પટેલની લોકપ્રીયતાના કારણે લોકસભાની ચુંટણીમાં ભાજપની ગત લોકસભા કરતા ૯૦૫૩ અને વિધાનસભા કરતા ૧૯૪૦૧ મતની લીડ વધી છે. ગત વિધાનસભામાં કોંગ્રેસને મળેલા કુલ મત જેટલી ભાજપને વિસનગર સીટમાં લીડ મળી છે.
મહેસાણા લોકસભા સીટમાં આવતી વિધાનસભાની સીટમાં ઉંઝામાં ૪૬૨૩૮, વિસનગરમાં ૫૩૯૦૫, બેચરાજીમાં ૨૭૫૨૨, કડીમા ૪૬૩૭૬, મહેસાણામાં ૫૧૫૩૧, વિજાપુરમાં ૫૯૨૬૧ તથા માણસામાં ૩૮૨૦૩ મતની ભાજપને લીડ મળી છે. ઋષિભાઈ પટેલની મહેનતથી સાત વિધાનસભામાં વિસનગર સીટ ભાજપની લીડમાં બીજા નંબરે આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts