Select Page

વર્ષાબેન પટેલની પ્રમુખપદની તા.૧૬-૯ ના રોજ મુદત પૂર્ણ થશેવિસનગર પાલિકા પ્રમુખની પસંદગી માટે ભાજપની માથાપચ્ચી

વર્ષાબેન પટેલની પ્રમુખપદની તા.૧૬-૯ ના રોજ મુદત પૂર્ણ થશેવિસનગર પાલિકા પ્રમુખની પસંદગી માટે ભાજપની માથાપચ્ચી

વિસનગર પાલિકા પ્રમુખની મુદત પૂર્ણ થતાજ નવા પ્રમુખની પસંદગી માટે ભાજપે કવાયત હાથ ધરી છે. આવનાર અઢી વર્ષના મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવાના હોઈ અનુભવી તેમજ કામ કરાવી શકે તેવા પ્રમુખની પસંદગી થાય તે જરૂરી છે. મહિલા પ્રમુખની નિર્બળતાનો દુરઉપયોગ કરી અઢી વર્ષમાં મહત્વના કામ ઓછા થયા છે અને વિવાદો વધારે થયા છે. પ્રમુખને કામ કરવા દીધુ નથી તે પણ એક કારણ છે. લોકસભાની ચુંટણી આવી રહી છે અને મુદત બાદ પાલિકાની ચુંટણી આવશે. શહેરીજનો આગળ રૂઆબ કરે નહી, તોછડુ વર્તન કરે નહી અને ખાસ કરીને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના કન્ટ્રોલમાં રહે તેવા લોકપ્રતિનિધિની નિમણુંક થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.
કોરોના મહામારીના કારણે પાલિકાની ચુંટણીઓ મોડી થઈ હતી. વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપને ૩૧ સભ્યોની સ્પષ્ટ બહુમતી મળતા પ્રથમ અઢી વર્ષ પ્રમુખની મહિલા સીટમાં વર્ષાબેન પટેલે તા.૧૭-૩-૨૦૨૧ ના રોજ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. જેમની મુદત તા.૧૬-૯-૨૦૨૩ ના રોજ પૂર્ણ થાય છે. બીજા અઢી વર્ષમાં પુરુષ સીટમાં પ્રમુખની ચુંટણી માટે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ગતિવિધિ શરૂ કરી દીધી છે. પ્રમુખની ચુંટણી માટે સ્થળ પસંદગીનું પાલિકાને જણાવતા પાલિકાના સભાખંડમાં ચુંટણી યોજવાની સંમતી આપી છે. આમ સપ્ટેમ્બર માસની ૫ થી ૧૦ તારીખમાં પાલિકા પ્રમુખની ચુંટણી થાય તેવી પ્રબળ શક્યાતા છે.
પ્રમુખ વર્ષાબેન પટેલના શાસનમાં વિકાસ કામ તો થયા છે પરંતુ મહત્વના કહી શકાય અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હોદ્દાનો લાભ લઈ જે રીતે વિકાસ કામ થવા જોઈએ તેવા થયા નથી. વિકાસ કામમાં ખોટી કનડગતના કારણે પ્રમુખ કામ કરી શક્યા નથી તે પણ એક હકીકત છે. હાલમાં પાલિકાના અનુભવી અને સક્ષમ દાવેદાર તરીકે જોવામાં આવે તો બે સિનિયર સભ્ય છે. એક છે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ અને બીજા છે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન વિજયભાઈ પટેલ. વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલનુ નામ પણ પ્રમુખની દોડમાં છે. જે ત્રણે ગોવિંદચકલા સમાજના છે. પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઈ પટેલ પણ ગોવિંદચકલાના હોવાથી ભાજપ બન્ને ટર્મ ગોવિંદચકલાને પ્રમુખ પદ આપે તો સભ્યોમાં મોટુ મનદુઃખ ઉભુ થાય તેવી શક્યતા છે. તળ કડવા પાટીદાર સમાજના પાલિકા ચેરમેન ભરતભાઈ પટેલ(જે.ડી.) અને દંડક મેહુલભાઈ પટેલનુ નામ પણ ચર્ચામાં છે. પરંતુ શહેર ભાજપ પ્રમુખ પદે તળ સમાજના મનીષભાઈ પટેલ હોવાથી અને હમણા થોડા સમય અગાઉજ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી પદે તળ સમાજના તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલના પુત્ર ખુશાલભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી હોવાથી પાલિકા પ્રમુખ પદ તળ સમાજને મળે તો પણ સભ્યોમાં વિરોધનો સુર ઉભો થાય તેવી શક્યતા છે.
આ સંજોગોમાં પાલિકા પ્રમુખ પદની પસંદગી ભાજપ માટે માથાચપ્પી સમાન છે. ખરેખરતો પ્રમુખ પદ માટે હક્કદાર હોય તો તે છે ઈતર સમાજ. પરંતુ મત લેવામાંજ આ સમાજનો ઉપયોગ થતો હોવાથી તેમજ ઈતર સમાજના સભ્યોમાં સબળ નેતાગીરી નહી હોવાથી ભાજપના ૩૧ સભ્યોમાંથી ૧૬ સભ્યો ઈતર સમાજના હોવા છતા તેમની કોઈ ગણના નથી. ઋષિભાઈ પટેલ ધારાસભ્ય હતા તે વખતની અપેક્ષા અલગ હતી. હવે જ્યારે કેબીનેટ મંત્રી છે ત્યારે લોકોની અપેક્ષા વધી ગઈ છે. ભાજપના ૨૮ વર્ષના શાસનમાં અને ખાસ કરીને ઋષિભાઈ પટેલના ૧૫ વર્ષના કાર્યકાળમાં વિસનગરે મહત્વના વિકાસનો અનુભવ કર્યો નથી. સરકારની જવાબદારી હોવાથી કેબીનેટ મંત્રી પાલિકામાં પૂરતુ ધ્યાન આપી શકે નહી તે પણ બનવા જોગ છે. ત્યારે આવા સંજોગોમાં અનુભવી, ટાઈમ આપી શકે, કામ કઢાવી શકે તેમજ કેબીનેટ મંત્રીના કન્ટ્રોલમાં રહી શકે તેવા પ્રમુખની પસંદગી કરવામાં ભાજપ વિટંબણાઓ અનુભવી રહ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us