Select Page

આગેવાનોના હકારાત્મક અભિગમથી વિસનગર સ્વ વિકસિત સીટી તરફ

આગેવાનોના હકારાત્મક અભિગમથી વિસનગર સ્વ વિકસિત સીટી તરફ

રાજકીય વેરઝેરમાં જે ગુમાવ્યુ તેની ખોટ હજુ પણ પુરાતી નથી

તંત્રી સ્થાનેથી…

વિસનગરમાં જ્યારે પણ રાજકીય આગેવાનો વેરઝેરમા સંસ્થાઓને નુકશાન કરતા હતા અને વિકાસ અટકાવતા હતા ત્યારે શહેરનો બુધ્ધીજીવી વર્ગ શીવાકાકા, રમણીકભાઈ મણીયાર અને સાંકળચંદ કાકાની ત્રીપુટીને જરૂર યાદ કરતા હતા. આ વડીલોનો વિધાનસભાની કે પાલિકાની ચુંટણીમાં મતભેદ જરૂર રહેતો હતો પરંતુ શહેરના વિકાસની વાત આવે ત્યારે મનભેદ રાખતા નહોતા. શહેરના હિતના વડીલોના વિચારોથી સ્પીનીંગ મીલ, મોડલેમ, નાગરિક બેંક, મજુરી મંડળી જેવી માતબર સંસ્થાઓની સ્થાપના થઈ. સાથે સાથે વિવિધ સંસ્થાઓનો પણ વિકાસ થયો. આ વડીલોના સહકારથી માતબર સંસ્થાઓ ધમધમતી હતી તે સમયે રોજગારીની અનેક તક હતી. શહેર આર્થિક સમૃધ્ધ હતુ અને વિકાસની તરફ આગળ વધતુ હતુ. જો આ રીતે જ આગળ ચાલ્યુ હોત તો આજ વિસનગર તાલુકા કક્ષાનુ ગુજરાતનુ એક નંબરનુ શહેર હોત. પરંતુ ભોળાભાઈ પટેલ અને પ્રહેલાદભાઈ ગોસાની એક બીજાને પછાડવાની રાજકીય દુશ્મનાવટથી આર્થિક સક્ષમ શહેરના વિકાસને ગ્રહણ લાગ્યુ. આ બન્ને નેતાઓ વચ્ચેની તિવ્ર હરિફાઈમાં પરિસ્થિતિ એવી પેદા થઈ કે શહેરને ઘણુ નુકશાન થયુ. ૧૫ થી ૧૭ વર્ષ બાદ અત્યારે શહેરના રાજકીય આગેવાનો વચ્ચે વડીલ ત્રીપુટી જેવો હકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે. ઋષિભાઈ પટેલ ધારાસભ્ય બન્યા બાદ નકારાત્મક વલણને સાઈડમાં કરતા તેની શહેરને ફાયદો કરાવતી હકારાત્મક અસરો જોવા મળી રહી છે. રાજકીય રમતમા નડતરરૂપ બનનાર કે.કે.ચૌધરીને તાલુકા સંઘમાંથી હટાવ્યા આ સીવાય મોટાભાગની સંસ્થાઓને સહકાર આપ્યો છે. ધારાસભ્યની મદદ અને પ્રયત્નોથીજ પ્રકાશભાઈ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પદની ખુરસી ઉપર બેઠા. તેમ છતા યુનિવર્સિટીની સી.એ.એ.ની રેલીમાં ધારાસભ્યને ધક્કે ચડાવ્યા હતા. આ જગ્યાએ ભોળાભાઈ કે પ્રહેલાદભાઈ હોત તો બદલાનો જવાબ મળ્યો હોત. પરંતુ ધારાસભ્ય અપમાનનો કડવો ઘુટડો પીને સંસ્થા વિરુધ્ધ કોઈ દ્વેષભાવ બતાવ્યો નહી. આરોગ્ય મંત્રી બનતા યુનિવર્સિટીને મદદ કરી. આવુ પોઝીટીવ થીકીંગ અત્યારે શહેરના આગેવાનો અને નેતાઓમાં જોવા મળતા શહેર સ્વ વિકસિત સીટી તરફ આગળ વધી રહ્યુ છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ, રાજુભાઈ પટેલ આર.કે., પ્રકાશભાઈ પટેલ એસ.કે., જશુભાઈ પટેલ કાંસા હાલ જે રીતે સંસ્થાઓના વિકાસમાં એક બીજાની પડખે રહી કામ કરી રહ્યા છે તે જો લાબુ ચાલશે તો તેનો શહેરને જરૂર લાભ થશે. વિધાનસભાની ચુંટણીની દાવેદારીમાં આ આગેવાનોની દાવેદારી હોય છે અને અંદર ખાને વિરોધી રજુઆતો પણ કરતા હશે. પરંતુ સંસ્થાના વિકાસ માટે જે રીતે વડીલ ત્રીપુટીની જેમ એક બીજાને સહકાર આપી રહ્યા છે તે આવકારદાયી છે. રાજુભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમાજ સેવા થતી હોવાથી આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી રૂા.૬૭ લાખની કિંમતની રક્તવાહીની બ્લડ બેંકને પ્રાપ્ત થઈ. ઉનાળાના હિટવેવમા રક્તવાહીની આશિર્વાદરૂપ બનતા ગામેગામ રક્તદાન કેમ્પ થતા બ્લડ બેંકમાં રક્તની કોઈ શોર્ટેજ થઈ નહી. રૂા.૪.૫ કરોડના ખર્ચે બ્લડ બેંકનુ અદ્યતન મકાન બની રહ્યુ છે, જેમાં પણ આગેવાનો વચ્ચે હકારાત્મક વલણ જોવા મળ્યુ. પ્રકાશભાઈ પટેલની ચેરમેન પદેની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં બ્લડ બેંક કાર્યરત છે. નૂતન હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને બ્લડની જરૂરીયાત માટે બહાર જવુ પડે નહી તે માટે નૂતન હોસ્પિટલ દ્વારા નિયમિત રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. નૂતન હોસ્પિટલની બ્લડ બેંક હોવા છતા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના વિકાસ માટે પ્રકાશભાઈ પટેલે રૂા.૫૧ લાખનુ માતબર દાન આપી શહેરની સંસ્થાના વિકાસમાં હકારાત્મક અભિગમ દર્શાવ્યો. આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં નવા બનતા બીલ્ડીંગમાં બ્લડ બેંકનુ આયોજન હોવા છતા કોઈ દ્વેષભાવ રાખ્યા વગર વોલન્ટરી બ્લડ બેંક દ્વારા સિવિલ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ બ્લડ આપવામાં આવે છે. વચ્ચે દશ વર્ષ ચાલેલા રાજકીય ઉથલ ધડામાના કારણે શહેરે અનેક સંસ્થાઓ ગુમાવતા ઘણુ નુકશાન થયુ. જેની ખોટ ૨૦ વર્ષે પણ પુરાતી નથી. બ્લડ બેંકના દાતાઓના સન્માન સમારોહમાં કોપરસીટી એસો.ના પૂર્વ પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અત્યારે રાજુભાઈ પટેલની રાહબરીમાં એવો માહોલ છેકે સંસ્થાઓ એક બીજાની પૂરક બની રહી છે. આપણે વિસનગરના સ્થાપિત દેવોને પ્રાર્થના કરીએ કે, કાનભંભેરણી કરનાર તત્વોથી દુર રહી આગેવાનો આવોજ હકારાત્મક અભિગમ દાખવે અને સંસ્થાઓ તેમજ શહેરનો હરણફાળ વિકાસ કરે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us