Select Page

બજાર સમિતિનુ વ્યાપક હિતમા આકરુ વલણ-પાંચ લાયસંસ સસ્પેન્ડ

બજાર સમિતિનુ વ્યાપક હિતમા આકરુ વલણ-પાંચ લાયસંસ સસ્પેન્ડ

વેપારી મંડળની હકુમત સ્થાપિત કરવાની જીદમા ગંજબજાર બાનમા લીધુ

  • કેબીનેટ મંત્રીની લાલ આંખથી વેપારી મંડળે નમતુ જોખી બીનશરતી બંધ પાછુ ખેચ્યુ
  • લાયસંસ રદ થતા પી.સી.પટેલ આપોઆપ વેપારી મંડળના પૂર્વ પ્રમુખ બની ગયા
  • પાંચ દિવસ ગંજબજાર બંધ રહેતા શહેરના બજારના ધંધા ઉપર પણ માઠી અસર પડી
વિસનગર ગંજબજારમાં વરસાદી પાણી ભરાતા આ મુદ્દે ગંજબજાર વેપારી મંડળે ગંદી રાજનીતિ શરૂ કરી બંધનુ એલાન આપી પાંચ દિવસ ગંજબજાર બંધ રાખતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગંજબજાર બંધ રહેવાથી ખેડૂતો, વેપારીઓ તથા શહેરના બજારો ઉપર માઠી અસર થતા છેવટે શહેરને બાનમાં લેવાના બદઈરાદા સામે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે લાલ આંખ કરી હતી. ખેડૂતો, વેપારીઓ અને શહેરના વ્યાપક હિતમાં બજાર સમિતિએ આકરુ વલણ અપનાવી પાંચ વેપારીઓના લાયસંસ સસ્પેન્ડ કર્યા હતા. બજાર ઉપર હકુમત સ્થાપિત કરવાની મુરાદ રાખનાર વેપારીઓ નરમ પડતા છેવટે બીન શરતી બંધ પાછુ ખેચવાનો નિર્ણય કરતા ગંજબજારના ધંધા ફરીથી ધમધમતા થયા છે.
વિસનગર ગંજબજારમાં ઘણા વર્ષથી ચોમાસામાં પાણી ભરાય છે છતાં પાલિકા તંત્ર આ બાબતે નિષ્ક્રીય રહ્યુ છે તેમા કોઈ બેમત નથી. વરસાદી પાણીના નિકાલ માટે ગંજબજાર વેપારી મંડળની રજુઆત અને ઉગ્ર રોષ પણ યોગ્ય હતો. પરંતુ પાણી ભરાવાના મુદ્દે બંધનુ એલાન આપી વેપારી મંડળ ફરવા જતુ રહેતા તેમજ ખેડૂતો, વેપારીઓ અને આખા શહેરના બજારને બાનમાં લેવાની વૃત્તી થઈ તે નિંદનીય અને વખોડવા લાયક છે. ભારે વરસાદમાં ફક્ત વિસનગરમાંજ નહી પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગંજબજારમાં પાણી ભરાતા ઉપવાસ, રેલી જેવા કાર્યક્રમો કરી શકાતા હતા. પરંતુ પોતેજ ગંજબજારમાં સર્વેસર્વા છે તેવી હૂકુમત સ્થાપિત કરવાના ગુમાનમાં ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલની આગેવાનીમાં વેપારી મંડળે બજાર સમિતિ કે ડીરેક્ટરો સાથે ચર્ચા કર્યા વગર તા.૨-૮-૨૦૨૪ ના રોજથી અચોક્કસ મુદત માટે બંધનુ એલાન આપ્યુ હતુ. જેના કારણે ગંજબજારમાં સરેરાશ ૩૦૦૦ થી ૩૨૦૦ બોરીની આવક બંધ થતા ખેડૂત તથા વેપારીઓને મોટુ નુકશાન થઈ રહ્યુ હતુ. ગંજબજારમાં ખેડૂતોની અવર જવર બંધ થતા શહેરના બજારોમાં પણ તેની માઠી અસર થઈ હતી.
જાણવા મળ્યા પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા સમજી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ગાંધીનગર હોવાથી ફોન કરી વેપારી મંડળના હોદ્દેદારોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે નિર્ણય લેવાઈ ગયો કંઈ થઈ શકે નહી તેવો જવાબ આપ્યો હતો. ખેડૂતોનુ, વેપારીઓનુ તથા શહેરના ધંધા ઉપર અસર થતી હોવાથી કેબીનેટ મંત્રીએ લાલ આંખ કરી હોવાનુ જાણી બજાર સમિતિ પણ હરકતમાં આવી હતી. બજાર સમિતિએ પ્રથમ જાહેર નોટીસ આપ્યા બાદ વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલ અને જવાબદાર વેપારીઓને પ્રથમ લાયસંસ રદ કેમ ન કરવુ તેવી કારણદર્શક નોટીસ આપી લેખીત કે મૌખીક રજુઆત માટે ઉપસ્થિત રહેવા જણાવ્યુ હતુ. ત્યારબાદ બજાર સમિતિ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે, શ્રી ગંજબજાર વેપારી મંડળ વિસનગર કોઈ કાયદાની જોગવાઈ હેઠળ નોધાયેલ નથી. નોધાવ્યા વગરનુ મંડળ હોવા છતા લેટરપેડ છપાવી પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. અને ૨-૮-૨૦૨૪ થી ગંજબજાર વેપારી મંડળ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે તેવી જાહેરાત કરેલ છે. આપ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી બીન અધિકૃત કાર્યવાહી કરવામાં આવી છે. જેની બજાર સમિતિના કાર્યવાહકોને અગાઉથી કોઈ જાણ કરી નથી કે મંજુરી મેળવી નથી. બીન અધિકૃત કાર્યવાહી કરી બજાર સમિતિની શાખને ગંભીર નુકશાન પહોચાડ્યુ છે. બજાર સમિતિની રાબેતા મુજબની કામગીરી બાનમાં લઈને બજાર વિસ્તારના ખેડૂતોનુ ખેત ઉત્પન્ન વેપાર બંધ થવાથી તેઓના વિશાળ હિતોને નુકશાન કર્યુ છે. શહેરીજનો અને ઉપભોક્તાઓને અનાજનો પુરવઠો બંધ થવાથી હાલાકી ભોગવવી પડી શકે છે. માર્કેટ બંધ રહેવાથી બજાર વિસ્તારના એક લાખથી વધુ ખેડૂતોને સીધુ નુકશાન થાય તેવી તાકીદની બાબતને ધ્યાનમાં લઈ નોટીસનો જવાબ આપવાની જગ્યાએ સમય વ્યતીક કર્યો છે. માર્કેટયાર્ડ ચાલુ કરવાના કોઈ પ્રયત્નો કર્યા નથી. આ બાબતો ધ્યાનમાં લઈ ગુજરાત એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસર એન્ડ માર્કેટીંગ (પ્રમોશન એન્ડ ફેસીલીટેશન) એક્ટ - ૧૯૬૩ ની કલમ - ૨૭(૩)(૨) અન્વયે મળેલી સત્તાની રૂએ બજાર સમિતિએ વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલની પેઢી પટેલ જયંતિલાલ ચુનિલાલની કુ તથા જે.સી.પટેલ એન્ડ કુ. પટેલ મુકેશકુમાર દશરથલાલની કુ. પૂર્વ મંત્રી વેપારી મંડળ, પટેલ અંબારામ બાભઈદાસની કુ. જય ભોલે ટ્રેડીંગ કુ. રાજેન્દ્રકુમાર હરગોવનદાસ પટેલ, એચ.એમ.એન્ટરપ્રાઈઝ પટેલ હિતેન્દ્રકુમાર ગોરધનભાઈ એમ કુલ પાંચ પેઢીના લાયસંસ રદ કરતા ગંજબજારને બાનમાં લેવાની મુરાદ રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
માર્કેટ સમિતિનુ આ કડક વલણ જોઈ ગંજબજાર વેપારી મંડળના હોદ્દેદારો સહીતના ૨૫ વેપારીઓ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને મળવા ગાંધીનગર દોડી ગયા હતા. ગંજબજાર બંધ નહી રાખવાના પ્રયત્નો અને વિનંતીને વેપારી મંડળે અવગણી હોવાથી કેબીનેટ મંત્રીએ બરોબરનો રોષ ઠાલવ્યો હતો. કેબીનેટ મંત્રીએ જેમને ફોન ઉપર વાત કરી હતી અને વાત માની નહોતી તે હોદ્દેદાર રજુઆત માટે ઉભા થતા બેસાડી દેવામાં આવ્યા હતા. ખેડૂતોના ભોગે કોઈપણ વાત સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. કેબીનેટ મંત્રીનુ કડક વલણ જોઈ છેવટે મીટીંગમાં હાજર વેપારીઓ દ્વારા બીન શરતી બંધનુ એલાન પાછુ ખેચવાનો નિર્ણય કર્યો હતો. પી.સી.પટેલની પેઢીનુ લાયસંસ રદ થતા તેઓ આપોઆપ વેપારી મંડળના પ્રમુખ પદેથી દુર થઈ ગયા છે.
ગંજબજારમાં પાણી ભરાતા તેના આયોજન રૂપ શુ તૈયારી કરાઈ હતી તે બાબતે ગંજબજારના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ અને વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, વરસાદી પાણી ભરાય છે તેનો ખ્યાલ રાખી પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સાથે સંકલન કરી તાલુકા સેવા સદન આગળની આખી કેનાલની સફાઈ કરાવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે મંત્રીશ્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પાલિકા દ્વારા ગંજબજારથી કાંસા રામદેવપીર મંદિર સુધી કેનાલ માટે રૂા.૪.૫ કરોડની ગ્રાન્ટ ફાળવી ટેન્ડરીંગ કરાયુ છે. પાણીના નિકાલ માટે વિસનગર ગંજબજાર ઉત્તર ગુજરાતની પ્રથમ માર્કેટયાર્ડ છે કે જેમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા ત્રણ રિચાર્જ ટ્યુબવેલ બનાવ્યા છે. ૪૫ વિઘાના માર્કેટયાર્ડના કમ્પાઉન્ડના પાણીના નિકાલ માટે રૂા.૧.૬૦ કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વૉટર લાઈન અને ગટર લાઈનનો એસ્ટીમેટ તૈયાર કરાયો છે. જેની કાર્યવાહી ચાલુ છે. ચોમાસામાં વેપારીઓનો માલ બગડે નહી તે માટે માર્કેટયાર્ડના બે ગોડાઉનમાં વિનામુલ્યે માલ મુકવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ બે ગોડાઉન વેપારીઓ માટે ખાલી રાખવામાં આવે છે. કોટન શેડના બન્ને શેડમાં પાણી ભરાતુ નથી. આ શેડમાં પણ વેપારીઓનો માલ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૯ તારીખના ભારે વરસાદમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને ડીરેક્ટરો ટ્રેક્ટર ઉપર બેસી ગંજબજારમાં ફરી વેપારીઓને મળ્યા હતા. મજુર કે સાધન મળતુ ન હોય તો ગંજબજારના ખર્ચે માલ સામાન ફેરવી આપવાની તૈયારી બતાવી હતી.
વરસાદી પાણીના નિકાલ માટે અને વેપારીઓને નુકશાન ન થાય તે માટે બજાર સમિતિ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પાલિકા દ્વારા રૂા.૪.૫૦ કરોડના ખર્ચે કેનાલ બનાવવા ટેન્ડરીંગ કરાયુ છે. જોકે પાલિકા તંત્રએ અત્યાર સુધી પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરી નથી તે ભુલ છે. છતાં પાણીના મુદ્દે ગંજબજાર બંધ રાખવાનો જે નિર્ણય કરી ગંદુ રાજકારણ ખેલાયુ તેના ઉપરથી એ તો કહી શકાય કે, ભલે શહેરના કેટલાક આગેવાનો કેબીનેટ મંત્રીનો લાભ લેતા હોય, પરંતુ મોકો મળે એટલે એન્ટી ઋષિભાઈ ટોળી સક્રીય બની જાય છે. નોટીસ આપી અને લાયસંસ રદ કર્યા એમાં પણ કેટલાક ડીરેક્ટરોમાં મતમતાંત્તર જોવા મળ્યા હતા. બંધ બારણે મળેલી ડીરેક્ટરોની મીટીંગમાં ગંજબજાર બંધ રાખવાનો નિર્ણય કરનાર હોદ્દેદારોની તરફેણ થઈ હતી. માર્કેટયાર્ડ ચાલુ થાય તેવા પ્રયત્નો કરવાની જગ્યાએ આ ડીરેક્ટરોએ હોદ્દેદારોની તરફેણ કરતા તેમના મનમાં ખેડૂતોનુ અને વેપારીઓનુ કેટલુ હિત સચવાયેલ છે તે જોવા મળ્યુ હતુ. એક તરફ શહેરના ધંધા રોજગાર અને વિકાસની વાતો કરવાની અને બંધ બારણે બંધની તરફેણ કરવાની તેવી બે મોઢાની વાતો કરતા ડીરેક્ટરોના વર્તણુકથી શહેરના વેપારી આલમમાં પણ ચકચાર જાગી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us