ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાયદા નહોર વગરના વાઘ જેવા
મોટા શહેરોની જાણીતી હોટલોમાં ફૂડમાંથી જીવાત નિકળતી હોવાના બનાવોની ભરમાળ…
તંત્રી સ્થાનેથી…
ભારત દેશમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાયદા બીન અસરકારક હોવાથી દેશની જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખ્યા વગર ખાણી-પીણીની વસ્તુઓનુ કોઈ રોક ટોક વગર વેચાણ થઈ રહ્યુ છે. વેપારીઓ તગડો નફો કરવાની લાલચમાં એટલી હલકી ગુણવત્તાની ખાદ્યવસ્તુઓ વેચી રહ્યા છેકે જેના કારણે લોકો કેન્સર જેવા ગંભીર રોગનો ભોગ બની રહ્યા છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ રોકી નહી શકતા લોકો જીવલેણ બીમારીમાં સપડાઈ રહ્યા છે. સ્મશાનોમાં લાશોના ઢગ ખડકનાર કોરોના જેવા રોગચાળો અટકાવવા સરકાર દ્વારા કાયદા બનાવવામાં આવ્યા હતા અને વેક્સીનેશન માટે અબજો રૂપિયાનો ખર્ચ કરાયો. પરંતુ વર્ષે અસંખ્ય લોકોનો ભોગ લેનાર બીન આરોગ્યપ્રદ ખાદ્યવસ્તુઓનુ વેચાણ અટકાવવા કોઈ કડક કાયદા બનાવવામાં આવતા નથી. કેમિકલયુક્ત, જીવજંતુવાળા અને વાસી ખોરાકાના કારણે દેશમાં લાખ્ખો લોકોના મૃત્યુ થતા હશે. આવા મૃત્યુ દરની જો નોધ કરવામાં આવે તો કોરોનામા થયેલા મૃત્યુ કરતા પણ વધી જાય. કોરોના કાળ તો બે થી અઢી વર્ષનો હતો. જ્યારે સ્વાસ્થ્યને હાનિકારક ખાદ્યવસ્તુઓથી થતા જીવલેણ રોગના કાળનો કો અંત નથી. છતા કેન્દ્ર કે રાજ્ય સરકાર જાગતી નથી અને કોઈ કડક કાયદા નહી બનાવતા ખાણી પીણીના શોખીનો રામભરોસે જીવી રહ્યા છે. હમણા છેલ્લા એક માસથી ગુજરાતના મોટા શહેરોમાં જાણીતી હોટલો અને રેસ્ટોરંટની ફૂડ ડીસમાંથી મરેલા જીવ જંતુઓ નિકળવાના બનાવો વધ્યા છે. અમદાવાદ વસ્ત્રાપુરની ફાઈવ સ્ટાર હોટલ હયાતમાં એક કંપની દ્વારા જમણવાર યોજવામાં આવ્યો હતો. કંપનીના કર્મચારી ઈડલી સંભારની ડીસ માણી રહ્યા હતા, ત્યારે સંભારમાં વંદા જેવુ જોવા મળ્યુ. બહાર કાઢીને જોતા મરેલો વંદોજ હતો. હોટલના શેફને ફરિયાદ કરી ત્યારે આવુ તો થતુ રહે તેવો જવાબ આપ્યો. હોટલના મેનેજરને ફરિયાદ કરતા કોઈ જવાબ આપ્યો નહોતો. કંપનીના કર્મચારીએ વિડીયો ઉતારી વાયરલ કર્યો ત્યારે કોર્પોરેશનનુ ફૂડ વિભાગ જાગ્યુ અને હોટલનુ કિચન અનહાઈજેનિકનુ કારણ બતાવી ૪૮ કલાક માટે બંધ કર્યુ. આ સીવાય અમદાવાદમાં લાપિનોઝના પિઝામાંથી મરેલી જીવાત, કાર્પોરેટ કાફેના બર્ગરમાંથી જીવાત, ગોપાલ ડેરીની કાજુ કતરીમાંથી મરેલી માંખી, સેમ્સ પિઝાના કોલ્ડ્રીંગ્સમાંથી મચ્છર, પોરોહિત રેસ્ટોરંટના ટીફીનમાંથી ઈયળ, મનપસંદ ભાજીપાઉમા, પિઝા અને સુપમાંથી જીવાત, સીટી કોર્નર હોટલમાં દાલ ફ્રાયમાંથી મચ્છર, મનપસંદ ભાજીપાઉ સમોસામાંથી જીવાત, ગ્વાલીયા સ્વિટ્સમાંથી ફૂગ ચડેલી મીઠાઈ, મરેલી ગરોળી, મરેલા ઉંદરનુ બચ્ચુ વિગેરે જીવ જંતુઓ જાણીતી ખાણી પીણીની હોટલો અને રેસ્ટોરંટમાંથી મળી આવે છે. હોટલ અને રેસ્ટોરંટમા આવાતો અનેક બનાવ બનતા હશે. પરંતુ હવે લોકો જાગૃત થતા હોટલ મેનેજમેન્ટને ફરિયાદ કરી મફતમાં ડીસ ખાવાની લાલચ રાખ્યા વગર તુર્તજ મોબાઈલથી વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હપ્તાખોર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ના છુટકે કાર્યવાહી કરવાની ફરજ પડે છે. દંડનીય કાર્યવાહી રૂપે બે-ત્રણ દિવસ હોટલને કે કિચનને સીલ મારવામાં આવે છે. પરંતુ લોકોના સ્વાસ્થ્યને નુકશાનકારક ખાદ્યવસ્તુઓ આપતા અને વેચતા હોટલ - રેસ્ટોરંટના સંચાલકો કે વેપારીઓ વિરુધ્ધ આઈ.પી.સી. મુજબ ગુનો નોધવામાં આવતો નથી. મોટી ટ્રકોમાં જો ઢોર ભરીને લઈ જવામાં આવતા હોય અને ઘાસ કે પાણીની વ્યવસ્થા ન હોય તો પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો દાખલ કરવામાં આવે છે. જ્યારે લોકોના સ્વાસ્થ્યને નુકશાનકારક ખાદ્ય વસ્તુઓ વેચતા પકડાય છે છતા માનવ પ્રત્યે ઘાતકી પણાની કાર્યવાહીની કોઈ જોગવાઈ નથી. આ જોતા દેશની જનતાની ઢોર જેટલી પણ કિંમત નથી. ખાણી પીણીમાં આવતા જીવજંતુ અંગે કાર્યવાહી કરવા સરકારના ફૂડ વિભાગ પાસે કોઈ કાયદો નથી. આમેય ગુજરાતની ભાજપ સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એટલુ ભ્રષ્ટ છેકે આરોગ્યને નુકશાત કરતી ખાદ્યવસ્તુઓ વેચનારને કોઈ ચિંતા નથી. કેટલાક કર્મનિષ્ઠ કર્મચારીઓ દ્વારા રેડ કરીને ડુપ્લીકેટ ઘી, જીરૂ, વરીયાળી, હોટલ રેસ્ટોરંટમાંથી ડુપ્લીકેટ બટર, પનીર, કેમિકલયુક્ત શૉસ, વાસી ગ્રેવી જેવી અનેક ખાદ્યવસ્તુઓ પકડીને નાશ કરે છે. જેના સેમ્પલ લેવાય છે. મોટાભાગના સેમ્પલ સેટીંગથી પાસ થઈ જાય છે અને સ્વાસ્થ્યને હાનિકારક ખાદ્યવસ્તુઓ કોઈ રોક ટોક વગર વેચાય છે.