Select Page

ફાટકથી મારવાડીવાસ તરફની કેનાલ પૂનર્જીવીત કરવી જરૂરી

ફાટકથી મારવાડીવાસ તરફની કેનાલ પૂનર્જીવીત કરવી જરૂરી

વિસનગર ગંજબજારના પાણીના નિકાલ માટે

વિસનગર ગંજબજારમાં ભરાતા વરસાદી પાણીના વિવાદે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પાલિકાએ રૂા.૪.૫ કરોડના ખર્ચે કેનાલ બનાવવા ટેન્ડરીંગ પણ કર્યુ છે. પરંતુ ગંજબજારના બીજા ગેટથી મેઈન ગેટ તરફનુ લેવલ નીચુ છે. જેથી ગંજબજારના પાણીનો કાયમી નિકાલ કરવા ફાટકથી મારવાડીવાસ તરફની કેનાલ નવી બનાવવામાં આવે કે કેનાલની સફાઈ થાય તે જરૂરી છે.
વિસનગર ગંજબજારમાં અને બહારના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ચાર વર્ષથી જોવા મળી રહી છે. ગંજબજારના નાગોરી માર્કેટ તરફના બીજા ગેટથી મેઈન ગેટ તરફના વરસાદી પાણીનો નિકાલ પહેલા ફાટકથી મારવાડી વાસ તરફની કેનાલમાં અને રેલ્વેની હદમાંથી થતો હતો. રેલ્વે સ્ટેશનમાં કરમુક્ત વખાર પ્લોટ તરફ નવુ પ્લેટફોર્મ બનતા અને માટી પુરાણ થતા આ તરફ પાણીનો નિકાલ બંધ થયો અને તમામ પ્રવાહ ફાટકના ગરનાળા તરફ વળ્યો. ફાટકથી મારવાડીવાસ તરફની કેનાલ વર્ષોથી ચોકઅપ હોવાથી એક-બે ઈંચ જેટલા વરસાદમાં ગંજબજાર અને મેઈન ગેટ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે.
ગંજબજાર ફાટકથી મારવાડીવાસ તરફની કેનાલ ખોલીને સાફ કરવા ગંજબજાર વેપારી મંડળની ઘણા સમયથી માગણી હતી. વર્ષાબેન પટેલ જ્યારે પ્રમુખ હતા ત્યારે ચોમાસાની પ્રિમોન્સુન કામગીરીમાં નૂતન હાઈસ્કુલ પાસે સંગીત શાળાથી મારવાડી વાસ સુધીની કેનાલની સફાઈ કરાવી હતી. પરંતુ ફાટકથી નૂતન હાઈસ્કુલ સુધી વરસાદી કેનાલ ઉપર દબાણ થયેલા હોવાથી આ ભાગની સફાઈ થઈ શકી નહોતી. આ વખતે ભારે વિવાદ થતા છેવટે પાલિકાએ ફાટકથી નૂતન હાઈસ્કુલના બીજા ગેટ લવારીયાઓના ઘર સુધી તાત્કાલીક કેનાલ ઉપરના દબાણો દૂર કરી કેનાલની સફાઈ કરતા ભરાયેલા પાણીનો નિકાલ થયો. ગંજબજારના મેઈન ગેટથી આ કેનાલ તરફ કુદરતી ઢાળ છે. પાલિકાના અગાઉના સત્તાધીશોએ સમજી વિચારીને આ કેનાલ બનાવી હતી. પરંતુ વખતો વખત દબાણ થતા સફાઈના અભાવે કેનાલ ચોકઅપ થઈ અને વરસાદી પાણીનો નિકાલ થતો અટક્યો. આ બાબતે પાલિકા તંત્ર વિચાર કરીને જીવનયોગ અને જ્યોતિ હોસ્પિટલ આગળના માર્કેટની દુકાનો આગળથી પસાર થતી કેનાલ ખોલી સફાઈ કરવામાં નહી આવે તો ગંજબજાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેરજ રહેવાની છે.
ગંજબજાર ઉપરાંત્ત તાલુકા સેવાસદન રોડ ઉપર ભરાતુ વરસાદી પાણીનો નિકાલ કરવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકા દ્વારા રૂા.૪.૫ કરોડના ખર્ચે કેનાલ બનાવવા ટેન્ડરીંગ કરાયુ છે. જોકે આ કેનાલમાં દગાલાથી કાંસા ચાર રસ્તા તરફ ભરાતા વરસાદી પાણીનો નિકાલ થશે. કારણકે ગંજબજારના બીજા ગેટથી મેઈન ગેટ તરફ દોઢ ફૂટ જેટલુ લેવલ નીચુ છે. નેવાના પાણી મોભે ચડે નહી તેમ મેઈન ગેટથી બીજા ગેટ તરફ પાણીનો નિકાલ થવાનો નથી. રોડ ખોદીને લેવલ નીચુ કરવુ શક્ય નથી. વળી ગંજબજારની અંદર ભરાતા પાણીનો નિકાલ મેઈન ગેટ તરફ થાય છે. જેથી ગંજબજાર ફાટકથી મારવાડી વાસ તરફની કેનાલ પુર્નજીવીત કરવામાં આવે તેજ આ સમસ્યાનો કાયમી ઉકેલ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us