પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે વરસાદી પાણીના નિકાલની હોડ જામી
- વિસનગરમાં મોસમનો કુલ વરસાદ ૨૩.૮૨ ઈંચ
વિસનગરમાં બે દિવસમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભરાયેલા પાણીનો નિકાલ કરવા પ્રમુખ વર્ષાબેન પટેલ ટ્રેક્ટર ઉપર નિકળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ જેસીબી સાથે પાણી નિકાલના કાર્યમાં લાગી ગયા હતા. આ બે દિવસમાં પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે વરસાદી પાણીના નિકાલની હોડ જામી હતી.
કાળા માથાનો માનવી પોતાના સ્વાર્થમાં પ્રદુષણ કરતા ખચકાતો નથી કે પર્યાવરણને નુકશાન કરતા વિચારતો નથી. જ્યારે જીવસૃષ્ટી ટકાવી રાખવા કુદરતના હંમેશા ચાર હાથ હોય છે. વિસનગરમાં વૃક્ષોની સંખ્યા ઘણી ઓછી છે છતા મેઘરાજાની અમીદ્રષ્ટીના કારણે તા.૨૩ અને ૨૪ ઓગષ્ટના રોજ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ બન્ને દિવસો થઈ કુલ પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેની સાથે વિસનગરમાં મૌસમનો કુલ ૬૦૫ એમએમ એટેલે કે ૨૩.૮૨ ઈંચ વરસાદ નોધાયો છે.
એક સાથે પાંચ ઈંચ વરસાદ ન થયો તે વિસનગરનુ નસીબ છે. સમયાંત્તરે વરસાદ થતા તારાજી સર્જાતા અટકી હતી. તેમ છતાં શહેરના અનેક સ્થળે દોઢથી બે ફૂટ પાણી ભરાયા હતા. તા.૨૩-૮ ના રોજ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સવારે ૯-૦૦ કલાકથીજ પાલિકા ટીમ સાથે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નિકળ્યા હતા. વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર પણ પ્રમુખ સાથે ખડે પગે રહ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં વાહન જઈ શકે તેમ ન હોઈ પ્રમુખ ટ્રેક્ટર ઉપર નિકળ્યા હતા. જ્યાં પાણી ભરાયુ હતુ ત્યાં પહોચી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. પાણી નિકાલ માટે વરસાદમાં આખો દિવસ પલળતા ઠંડી ચડતા લગભગ બપોરે ૪-૦૦ કલાકે ઘરે ગયા હતા. ત્યારબાદ દેળીયા તળાવના પાણીની આવકની તપાસ માટે તળાવના ગેટ ઉપર પહોચ્યા હતા.
અગાઉ ભારે વરસાદમાં પાણી ભરાતા એક કિશોરીએ જીવ ગુમાવતા ફરીથી ભારે વરસાદના કારણે કોઈ મુશ્કેલીમાં મુકાય નહી તે માટે પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ જેસીબી તથા પાલિકાની ટીમ સાથે પાણી નિકાલની વ્યવસ્થામાં ખડેપગે રહ્યા હતા. ૧૫ મી ઓગષ્ટના સપ્તાહમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાયુ હતુ. જે સમયે પણ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ભારે જહેમત ઉઠાવી હતી. વરસાદી પાણીના નિકાલ માટેની પ્રમુખ તથા ઉપપ્રમુખ વચ્ચેની હોડને લોકોએ આવકારી હતી.