Select Page

જી.ડી.હાઈસ્કુલનુ શિક્ષણ કથળવા પાછળ ગંદુ રાજકારણ વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે વિકલાંગ શિક્ષકને ખોટી રીતે છાવર્યા

જી.ડી.હાઈસ્કુલનુ શિક્ષણ કથળવા પાછળ ગંદુ રાજકારણ વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે વિકલાંગ શિક્ષકને ખોટી રીતે છાવર્યા

ગુજરાતમાં અત્યારે ગુલ્લીબાજ શિક્ષકોના મુદ્દે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં કેટલાક વિકલાંગ શિક્ષકોએ ખોટા સર્ટિફિકેટ આધારે નોકરી મેળવી હોવાનું કૌભાંડ પણ બહાર આવ્યુ છે. આવી પરિસ્થિતીમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્ર વિસનગરની જી.ડી.હાઈસ્કુલના ગણિત-વિજ્ઞાન જેવા મહત્વના વિષયના વિકલાંગ શિક્ષક છેલ્લા ૧૦ વર્ષથી સ્કુલમાં કોઈ શૈક્ષણિક કાર્ય કર્યા વગર બેસી રહીને આશરે ૧.૨૫ લાખ પગાર લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે આ બાબતે હાઈસ્કુલના પ્રિન્સીપાલે શિક્ષણ વિભાગના જીલ્લાથી માંડીને રાજ્યના અધિકારીઓ અને મંત્રીઓને લેખિત રજુઆત કરી હતી. છતાં આ વિકલાંગ શિક્ષક સામે આજદીન સુધી કોઈપણ પ્રકારના પગલા લેવામાં નહી આવતા આ મુદ્દે શહેરમાં ભારે ચકચાર જાગી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું શિક્ષણ મહત્વ કે વિકલાંગ શિક્ષક પ્રત્યેની લાગણી?
એક બાજુ ગુજરાતમાં લાખ્ખો શિક્ષિત બેરોજગાર લોકો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. જ્યારે બીજી બાજુ જેમને નોકરી મળી છે તે શિક્ષકો અધિકારીઓની રહેમનજર હેઠળ લાંબો સમય ફરજ ઉપર ગુલ્લી મારી રહ્યા છે. પરંતુ અત્યારે ગુલ્લીબાજ સતત ગેરહાજર રહેતા શિક્ષકોનું કૌભાંડ ઉજાગર થતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે વધુ સમય સતત ગેરહાજર રહેનારા અને વિકલાંગના ખોટા સર્ટીફિકેટ આધારે નોકરી મેળવનાર શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરવાનુ કડક વલણ અપનાવ્યુ છે. આ ઉપરાંત સરકારે ભવિષ્યમાં ગુલ્લીબાજના કિસ્સાઓ બહાર ન આવે તે માટે દરેક શાળાઓમાં શિક્ષકોની ફરજીયાત હાજરી પુરવાનો આદેશ કર્યો છે. વિદેશ પહોંચી સતત ગેરહાજર રહી સરકારી તિજોરીને નુકશાન કરનાર શિક્ષકો સામે વાલીઓમાં પણ ભારે રોષ છે. અત્યારે ગુજરાતમાં તંત્રની મંજુરી વગર વધુ સમય ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાયદાનો કોરડો વિંઝાઈ રહ્યો છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તાર વિસનગર શહેરની જી.ડી.હાઈસ્કુલમાં ફરજ બજાવતા ધો.૯ અને ૧૦ના ગણિત-વિજ્ઞાન જેવા મહત્વના વિષયોના વિકલાંગ શિક્ષક વિનોદભાઈ ભીખાભાઈ પટેલ છેલ્લા ૧૦ વર્ષથી કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કર્યા વગર આખો દિવસ સ્ટાફ રૂમમાં બેસી રહીને આશરે રૂા.૧,૨૫,૦૦૦/- (સવાલાખ) પગાર લેતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મંત્રી ઋષિભાઈ પટેલે જી.ડી.હાઈસ્કુલના શિક્ષણનુ સ્તર સુધારવા સ્ટાફ મિટીંગ કરી તેમાં ગણિત-વિજ્ઞાનના આ વિકલાંગ શિક્ષક બાબતે કેમ ચુપ!
આ અંગે પ્રચારના પત્રકારે હાઈસ્કુલના પ્રિન્સીપાલ કે.કે.મહેતાનો સંપર્ક કરી વાતચીત કરતા તેમને જણાવ્યુ છે અમારા આ ગણિત-વિજ્ઞાનના શિક્ષકની વિકલાંગતા આધારે વર્ષ ૧૯૯૫માં ભરતી થઈ હતી. જેમને વર્ષ ૨૦૧૪માં અડધા અંગનો લકવો પડતા તેઓ સ્પષ્ટ બોલી શક્તા નથી અને લાકડાની ઘોડી વગર ઉભા રહી શક્તા નથી. જેના કારણે શાળાના ગણિત- વિજ્ઞાનના અન્ય બે શિક્ષકોને બાળકોના શિક્ષણકાર્યનું કામ સોંપવામાં આવ્યુ છે. આ બાબતે અગાઉના પ્રિન્સીપાલશ્રીઓએ શિક્ષણ વિભાગમાં લેખિત રજુઆત કરી હતી. આ ઉપરાંત અમે પણ બાળકોના શિક્ષણને ધ્યાને લઈને વર્ષ ૨૦૧૯ થી ગણિત-વિજ્ઞાનના આ વિકલાંગ શિક્ષકના વિકલ્પમાં અન્ય કોઈ શિક્ષકની નિમણુક કરવા જીલ્લાથી માંડીને રાજ્ય કક્ષાના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રીઓને લેખિત રજુઆતો કરી છે. પરંતુ આજદીન સુધી કોઈએ અમારી રજુઆત ગંભીરતાથી ધ્યાને લીધી નથી. જોકે નવાઈની વાત એ છે કે, આ વિકલાંગ શિક્ષક શૈક્ષણિક કાર્ય કરી શકે તેવા સક્ષમ નથી અને આ શિક્ષકને પેન્શન મળવાપાત્ર છે.
વી.આર.એસ.લેતો પેન્શન મળવા પાત્ર છે તો કોના આશિર્વાદથી વિકલાંગ શિક્ષક ફરજ બજાવે છે?
તો પછી આ શિક્ષકને આટલા વર્ષ સુધી સ્કુલમાં બેસી તગડો પગાર આપવામાં કોણ ભાગ ભજવી રહ્યુ છે. બાળકોના શિક્ષણના ભોગે આ પ્રિન્સીપાલની રજુઆત કેમ ધ્યાને લેવાતી નથી? થોડા દિવસ પહેલા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે આ સ્કુલના કથળતા શિક્ષણને લઈને શિક્ષકોની મિટીંગ બોલાવી હતી. ત્યારે આ મિટીંગમાં આ વિકલાંગ શિક્ષકના મુદ્દે કોઈએ ચર્ચા કેમ ન કરી? વિસનગરના ગંદા રાજકારણના લીધે નગરપાલિકા સંચાલિત જી.ડી.હાઈસ્કુલમાં શિક્ષણ કથળી રહ્યુ છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે જી.ડી.હાઈસ્કુલમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નો કરવા પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us