તાલુકા પંચાયતના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સતલાસણામાં મનરેગા યોજનામાં મોટા કૌભાંડની આશંકા
કેન્દ્ર સરકારની લોકોને રોજગારી આપતી મનરેગા યોજનામા વ્યાપક કૌભાંડો થયા છે. તાજેતરમાં વિજાપુર તાલુકાના ફુદેડા ગામમા ચકચારી મનરેગા યોજનામાં થયેલા કૌભાંડમા તાલુકા અને જીલ્લાના જવાબદાર અધિકારીઓના પગ તળે રેલો આવ્યો છે. આ તપાસની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સતલાસણા તાલુકામાં પણ મનરેગા યોજનામા મોટા કૌભાંડ થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી આ તાલુકા પંચાયતમાં દ્રષ્ટિ કરે તો સત્ય હકીકત બહાર આવશે.
વિજાપુરના ફુદેડા ગામમા મનરેગા યોજનામા થયેલા કામોમા લાખો રૂપિયાનુ કૌભાંડ બહાર આવતા તાલુકા અને જીલ્લાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે
ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને ઘર આંગણે રોજગારી આપતી કેન્દ્ર સરકારની મનેરગા યોજના મહેસાણા જીલ્લામા કૌભાંડની યોજના પુરવાર થઈ રહી છે. જેમા તાજેતરમા વિજાપુર તાલુકાના ફુદેડા ગામમા મનરેગા યોજનામા લાખો રૂપિયાનુ કૌભાંડ બહાર આવતા તાલુકા અને જીલ્લાના વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી હતી. આ બહુચર્ચીત મનરેગા કૌભાંડની તપાસ ડી.ડી. ઓ. ડૉ.હસરત જૈસ્મીનની સીધી દેખરેખ હેઠળ મહેસાણા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.એમ.રાવલને સોંપવામા આવતા તેમને એક તપાસ કમિટી બનાવી તપાસ કરતા તાલુકા અને જીલ્લાના ૧ર જેટલા કર્મચારીઓના પગ તળે રેલો આવ્યો છે. આ બહુચર્ચીત મનરેગા કૌભાંડની તપાસની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં સતલાસણા તાલુકામા મનરેગા યોજનામા મોટા કૌભાંડ થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. અહી લોકોમાં એવી ચર્ચા છે કે અગાઉ સતલાસણા તાલુકા પંચાયતના અધિકારી, કર્મચારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી મનરેગા યોજનામા રૂા.૪.૩પ કરોડનુ કૌભાંડ બહાર આવતા અધિકારી સહીત જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ હોવાની ચર્ચાઓ હજુ પણ ચાલે છે. ત્યારે સરકાર અગાઉની જેમ અત્યારે સતલાસણા તાલુકામા મનરેગા યોજનામા થયેલા કામોની નિષ્પક્ષ પારદર્શક તપાસ કરાવે તો અહી મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. દ્રષ્ટિબેન ચૌધરીના વહીવટમાં સ્થાનિક કર્મચારીઓ કચેરીમાં કેટલો સમય હાજર રહે છે તેની પણ તપાસ થાય તો ગુલ્લીબાજોની પોલ ખુલ્લી પડે તેમ છે.