Select Page

સરકારની વહીવટીય આવડત અને કાર્યક્ષમતા કેટલી? શિક્ષકોની ગેરહાજરીના કૌભાંડથી શિક્ષણ વિભાગ ડામાડોળ…

સરકારની વહીવટીય આવડત અને કાર્યક્ષમતા કેટલી? શિક્ષકોની ગેરહાજરીના કૌભાંડથી શિક્ષણ વિભાગ ડામાડોળ…

તંત્રી સ્થાનેથી…
વહેલી સવારે અંધારામાં યુવતી ટ્યુશન ક્લાસીસમાં જતા બળાત્કારનો ભોગ બની ત્યારે સરકારે ક્લાસીસો ઉપર તપાસ કરી. સુરતમાં તક્ષશિલા કાંડ ક્લાસીસમાં આગમાં બાળકોનો ભોગ લેવાયો ત્યારે ક્લાસીસમાં ફાયર એન.ઓ.સી.ની તપાસ શરૂ કરાઈ. હજુ પણ ફાયર સેફ્ટી વગર ક્લાસીસો ધમધમી રહ્યા છે. રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડમાં લોકોએ જીવ ગુમાવ્યો ત્યારે રાજ્યના અન્ય ગેમીંગ ઝોનમાં તપાસ કરાઈ. વડોદરા હરણીકાંડમાં બાળકોનો ભોગ લેવાયો. મોરબી જુલતા પુલમાં લોકોએ જીવ ગુમાવ્યો. આવી હોનારતો બાદ ગુજરાત સરકાર જાગે છે અને કાર્યવાહીના દેખાડા થાય છે. રાજકોટ ગેમીંગ ઝોન અગ્નિકાંડ લોકો ભુલી ગયા અને તેમાં એક બે નાની માછલી જેવા કર્મચારીઓ સામે કાનૂની પગલા ભરીને મોટા મગરમચ્છ જેવા જવાબદાર અધિકારીઓને બચાવી લેવાયા. આવી હોનારતો અને કૌભાંડો બાદ ગુજરાતની ભાજપ સરકાર ઉંઘમાંથી જાગી આંખો ખોલે છે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે, ૨૭ વર્ષથી એકધારી સત્તા સંભાળતી સરકારની વહીવટીય આવડત અને કાર્યક્ષમતા કેટલી? દરેક વિભાગમાં ધ્યાન, તકેદારી અને નિરિક્ષણ માટે નીચલા વર્ગથી માડીને ઉપલા વર્ગ સુધી કર્મચારીઓ તથા અધિકારીઓને જવાબદારી આપવામાં આવે છે. પરંતુ સરકારના આ જવાબદારો પોતાની ફરજ પ્રત્યે કેટલા બેજવાબદાર છે એ હાલમાં ચાલતા પ્રાથમિક શાળામાં શિક્ષકોની લાબા સમયથી ગેરહાજરીના વિવાદ ઉપરથી જાણવા મળે છે. અંબાજીમાં રહેતા ભાવનાબેન પટેલ નામના શિક્ષિકાનુ પાન્છા પ્રાથમિક શાળામાં નામ ચાલે છે. આ શિક્ષિકા ૮ વર્ષથી વિદેશમાં રહે છે છતા શાળામાંથી રાજીનામુ આપ્યુ નથી તેવા એક અહેવાલે અત્યારે શિક્ષણ વિભાગને હચમચાવી મુક્યુ છે. કોઈ ગેરરીતી બહાર આવે ત્યારેજ સરકાર જાગે અને કૌભાંડ બહાર આવે તેવુ શિક્ષણ વિભાગમાં પણ બન્યુ. મહિલા શિક્ષિકાના વિદેશ પ્રવાસના અહેવાલ બાદ ઉંઘમાંથી જાગેલા સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં તપાસના આદેશ બાદ ચોકાવનારી વિગતો મળી છેકે, સરકારી શાળાઓના ૬૦ શિક્ષકો હાલ વિદેશ પ્રવાસમા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટેભાગે અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણનો લાભ મળે, શિક્ષકો નિયમિત શાળામાં હાજરી આપે તે માટે શિક્ષકોની ડેઈલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્ટસ સિસ્ટમ સરકારે અમલમાં મુકી હતી. જે યોજના અત્યારે પોકળ સાબીત થતી જોવા મળી રહી છે. વિદેશ જવા માટે ૯૦ દિવસની કાયદેસરની રજા મળતી હોય છે. એક વર્ષ કરતા વધુ સમય સુધી રજા ઉપર રહેલા શિક્ષકને બરતરફ કરવાની જોગવાઈ છે. તો પછી સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે. સરકારી શાળામાં ગેરહાજર રહીને સરકારી પગાર મેળવતા ૧૫૧ જેટલા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ છે. કેટલીક શાળાઓમાં ડમી શિક્ષક ફરજ બજાવતા હોવાનુ પણ બહાર આવ્યુ છે. આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ગેરહાજરી એ શિક્ષણ વિભાગની નબળાઈ છતી કરે છે. જેમાં અંતરિયાળ વિસ્તારમા શિક્ષણ વિભાગની લાલીયાવાડી ચાલી રહી છે. જેમાં ગરીબ વર્ગ, પછાત વર્ગ, મધ્યમ વર્ગ અને ગ્રામિણ ક્ષેત્રના વિદ્યાર્થીઓનુ શિક્ષણ કથળી ગયુ છે. સરકારની પ્રાથમિક શાળાનુ શિક્ષણ અને શિક્ષકો ઉપર ધ્યાન રાખવાની જવાબદારી તાલુકા પ્રાથમિક નિરિક્ષક, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી.ના નિરિક્ષકની છે. ૯૦ દિવસથી વધારે ગેરહાજર રહેનાર શિક્ષકોનો રિપોર્ટ શિક્ષણ વિભાગના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓએ મોકલ્યો કે નહી તેની પણ તપાસ થવી જોઈએ અને ફરજ પ્રત્યે નિષ્ક્રીયતા દાખવનાર વિરુધ્ધ કાર્યવાહી થવી જોઈએ. એકલા ગેરહાજર રહેનાર શિક્ષકો વિરુધ્ધ કાર્યવાહીથી સરકારનુ પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધારવાનુ નથી. શિક્ષકોની ગેરહાજરીના કૌભાંડમાં સામેલ તમામ વિરુધ્ધ કાર્યવાહી થશે ત્યારેજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષકનો પુરેપુરો લાભ મળશે. દરેક પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. કમિટિની નિમણુંક કરવામાં આવે છે અને એસ.એમ.સી.માં એક શિક્ષણવિદની પણ નિમણુંક કરાય છે. જે શાળાઓમાં લાબા દિવસોથી શિક્ષકોની ગેરહાજરી છે તે શાળાઓની આવી કમિટિના સભ્યોની ભૂમિકા પણ તપાસના દાયરામા જોવી જોઈએ. શાળાના આચાર્યની પણ મુખ્ય જવાબદારી છે. ભણસે ગુજરાત, જીતશે ગુજરાત. શાળા પ્રવેશોત્સવના તાયફા કરવામાં આવે છે, પણ જ્યા સુધી ગુલ્લીબાજ શિક્ષકો ઉપર કન્ટ્રોલ નહી આવે ત્યા સુધી શિક્ષણનુ સ્તર સુધરવાનુ નથી. ગેરહાજરીના કૌભાંડમાં તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us