Select Page

તંત્રી સ્થાનેથી…કોરોના ફેલાતો અટકાવવા બે મીટરનુ અંતર રાખો ડર રાખશો નહી સાવચેતી રાખો

તંત્રી સ્થાનેથી…કોરોના ફેલાતો અટકાવવા બે મીટરનુ અંતર રાખો ડર રાખશો નહી સાવચેતી રાખો

તંત્રી સ્થાનેથી…

કોરોના ફેલાતો અટકાવવા બે મીટરનુ અંતર રાખો

ડર રાખશો નહી સાવચેતી રાખો

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ અત્યારે દુનિયાના ૨૦૦ દેશમાં પ્રસરી ચુક્યો છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના ૨,૭૬,૦૦૦ ઉપરાંત્ત કેસ મળી આવ્યા છે. અત્યાર સુધી ૧૧,૦૦૦ ઉપરાંત્ત મૃત્યુ થયા છે. ભારતમાં કોરોના વાયરસે પગપેસારો શરૂ કરી દીધો છે. દેશમાં કોરોના વાયરસના ૨૫૮ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. ગુરૂવારના દિવસથી ગુજરાતમાં પણ કોરોના વાયરસના પાંચ પોઝીટીવ કેસ જોવા મળ્યા છે. આ વાયરસના સંક્રમણથી દેશ બીજા સ્ટેજમાં આવી ગયો છે. હવે હાઈરીસ્કમાં આવી ગયા છીએ. કોરોના વાયરસ આઠ સપ્તાહ એટલે કે બે માસ સુધી વધારેમાં વધારે અસર કરે છે. વાયરસ સંક્રમણના બે સપ્તાહ નીકળી ગયા છે. હવે જે છ સપ્તાહ વિતાવવાના છે તે આપણા માટે ખુબજ મહત્વના અને મુશ્કેલી રૂપ છે. ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં હવે આ તબક્કે સાવચેતી રાખવાની જરૂરીયાત છે. દેશમાં અસંખ્ય વસાહતો છે. સાથે અશિક્ષિત અને અજ્ઞાનતા ધરાવતા લોકોની સંખ્યા પણ વધારે છે. આ તબક્કે હવે જો સાવચેતી રાખી કોરોના વાયરસ સામે કાળજી લેવામાં નહી આવે તો કોરોના વાયરસને ફેલાતો કોઈ અટકાવી શકશે નહી અને વાયરસ ફેલાશે તો તે પછીની શુ પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના કરી શકાય તેમ નથી. જનતા કર્ફ્યુની અપીલ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને સંબોધન કર્યુ તે વખતે કોરોના વાયરસે અગાઉના બે વિશ્વયુધ્ધ કરતા પણ વધારે દેશોમાં અસર કરી હોવાની વાત સ્વિકારી હતી. આમ કોરોના વાયરસ એ વિશ્વયુધ્ધ કરતા પણ વધારે જાનહાની કરી શકે તેમ છે. ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે હવે આ તબક્કો વધુમાં વધુ સાવચેત રહેવાનો છે. એક સારી વાત એ છેકે કોરોના વાયરસ હવાથી ફેલાતો વાયરસ નથી પરંતુ સંપર્કમાં આવવાથી ફેલાતો રોગ છે. આવનાર છ અઠવાડીયામાં આ બાબતનો વધારે ખાસ ખ્યાલ રાખવાનો છે. પ્રથમ તો વિદેશમાંથી કોઈ સ્નેહી આવે તો તેને સેલ્ફ આઈસોલેશનમાં રાખો. ૧૪ દિવસ સુધી ઘરના એક રૂમમાં રાખો. બહાર નીકળી લોકોને મળે નહી અને સંપર્ક કરે નહી તેનો ખાસ ખ્યાલ રાખો. રાજકોટનો એક વ્યક્તિ વિદેશથી આવ્યા બાદ નવ દિવસ સુધી ફર્યો ત્યારબાદ તેમાં કોરોના પોઝીટીવ આવતા આ વ્યક્તિના સંપર્કમાં આવનાર લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. બોલીવુડ સીંગર કનિકા કપૂર લંડનથી આવી હાઈ સોસાયટી પાર્ટીમાં જઈ લોકોનો સંપર્ક કર્યા બાદ તેમાં કોરોના પોઝીટીવ જણાતા પાર્ટીમાં હાજર રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ચીંતામાં પડી ગયા છે. વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તો છુપાવશો નહી, તેમને બહાર નીકળવા દેશો નહી અને સેલ્ફ આઈસોલેશનમાં રાખો. કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા સ્કુલ, કોલેજ, મૉલ, મલ્ટીપ્લેક્સ, જીમ, સ્વીમીંગ પુલ, દેશના મોટા મંદિરો, પરંપરાગત મેળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવો નિર્ણય કેમ? ભીડભાડવાની જગ્યાઓમાં કોમ્યુનીટી ઈન્ફેક્શન સ્પ્રેડ થાય છે. એટલેકે આવા સ્થળોએ એક સાથે અનેક લોકોને કોરોના વાયરસનો ચેપ લાગે છે. ભીડભાડ વાળી જગ્યાએ જવાનુ ટાળવાથી કોરોના વાયરસ ફેલાતો અટકે છે. કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવુ એ આપણા હાથની વાત છે. કોરોના વાયરસની મહામારીના સમયે કામ વગર બહાર નહી નિકળવા સૂચન કરાયુ છે. આવા સમયે મહેમાનગતી ત્યજવાની છે. સોસાયટીમાં, મહોલ્લામાં, પાન મસાલાના ગલ્લા ઉપર, પાર્લરો ઉપર પાંચ સાત વ્યક્તિઓએ ભેગા થઈ વાતો કરી સમય પસાર કરવો એ પણ હિતાવહ નથી. આપણામાંથીજ કોઈને કોરોના વાયરસનુ ઈન્ફેક્શન છેકે નહી તેની શુ ખબર? યુવાનોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી કોરોના વાયરસની અસર યુવાનોમાં થતી નથી તે માનવુ ભૂલ ભરેલુ છે. અમદાવાદમાં ફીનલેન્ડથી આવેલી ૩૪ વર્ષીય એક યુવતીમાં તથા સ્કોટલેન્ડથી પરત ફરેલ એક યુવાનમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. કોરોનાથી થયેલા કુલ મૃત્યુમાં સિનિયર સિટિઝનોની સંખ્યા વધારે છે. યુવાનોમાં આ વાયરસ ઓછો અસર કરે છે. પરંતુ યુવાનોએ ખાસ તકેદારી રાખવાની છે
કે, બહાર ફરતી વખતે શરીર કે કપડા ઉપર આ વાયરસ ચોટ્યો અને તેવી પરિસ્થિતિમાં ઘરે આવ્યા બાદ ઘરમાં સિનિયર સિટિઝન માતા-પિતા કે નાના બાળકમાં કોરોના ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. જેથી યુવાનોએ ખાસ સાચવવાનુ છે. કોઈ દુકાનો ખરીદી કરવા ગયા હોઈએ, બેંકમાં, હોસ્પિટલમાં કે ગમે તે જગ્યાએ એકથી વધારે વ્યક્તિઓ હોય તેવા સંજોગોમાં આપણને એકબીજાને અડીને ઉભા રહેવાની આદત છે. ત્યારે કોરોના વાયરસના રોગમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિએ બે મીટર જેટલુ અંતર રાખવુ ખૂબજ જરૂરી છે.WHO ની ગાઈડલાઈન પ્રમાણે કોરોના ઈન્ફેક્શન ધરાવતો વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય તો એક થી દોઢ મીટર અંતરમાં રહેલા વ્યક્તિને વાયરસનો ચેપ લાગે છે. ૬૦ કે ૬૫ વર્ષની ઉંમરના સિનિયર સિટિઝન્સમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ત્યારે આવનાર સમયમાં કોરોના વાયરસ વધારે ફેલાવાનો છે તેવા સંજોગોમાં સિનિયર સિટિઝન્સે કામ વગર ઘરની બહાર નીકળવુ જોખમી છે. ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ ચેપ લાગવાની શક્યતા છે. જેથી આ ઉંમરના બાળકોનુ પણ માતા પિતાએ અત્યારે વિશેષ ધ્યાન રાખવાનુ છે. ચીનમાં કોરોના વાયરસ ફેલાતા આખાને આખા શહેરો લોકઆઉટ કરવામાં આવ્યા હતા. લોકોને ફરજીયાત ઘરમાં પુરાઈ રહેવા સુધીના પગલા ભરવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટેશન બંધ કરાયુ હતુ. લોકોને બળજબરીથી ઉઠાવી જવામાં આવ્યા હતા. આવા કડક પગલા અને કાર્યવાહી બાદ હવે ચીનમાં કોરોના વાયરસ અંકુશમાં આવ્યો છે. ભારત લોકશાહી દેશ છે. એટલે સરકાર આવા પગલા ભરી શકશે નહી ત્યારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા, આ મહામારીને મ્હાત કરવા સ્વયંશિસ્ત રાખી સાવચેતી રાખવી એ આપણા સૌના માટે ફાયદામાં છે. સરકાર અને આરોગ્ય વિભાગની સુચનાનુ પાલન કરવા અને ગાઈડલાઈન પ્રમાણે અનુસરવા સૌને અપીલ છે. દેશના સૈનિકો બોર્ડર ઉપર દેશની રક્ષા કરી રહ્યા છે. જ્યાં તેમની ઉપર ગોળીબાર કે બોમ્બના હુમલાનો પૂરેપૂરો ભય છે તેમ છતાં દેશને સુરક્ષીત રાખવા પરિવારની ચીંતા કર્યા વગર ફરજ બજાવે છે. જ્યારે કોરોના વાયરસની મહામારીમાં દેશમાં રહેતા લોકોને દેશના સૈનિકોની જેમ કોઈ જોખમ નથી. ફક્તને ફક્ત ચેપ ન લાગે તેની સાવચેતી રાખવાની છે. જે સાવચેતી સમાજને અને પોતાના પરિવારને સુરક્ષીત રાખવા જરૂરી છે. જેથી કોરોના વાયરસમાં અનુશાસન પાલન કરવુ એ દેશ માટે, સમાજ માટે તેમજ પરિવાર માટે હિતમાં રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us