પાર્સલમાં ઈલીગલ ડૉક્યુમેન્ટ છે તેમજ કલકત્તાની બેંકના ખાતામાં રૂા. ૭ કરોડ જમા થયા હોવાનુ જણાવી ફસાવ્યાવિસનગરના મહિલા વૈજ્ઞાનિક સાથે રૂા.૨૬ લાખનુ સાયબર ફ્રોડ
સાયબર ફ્રોડ કરનાર એવી ટેકનિકો અપનાવે છેકે જેમા શિક્ષિત લોકો પણ ફસાતા વાર લાગતી નથી. વિસનગરના મહિલા વૈજ્ઞાનિક ઉપર કસ્ટમર ઓફીસર, પોલીસ ઈન્સ્પેક્ટર અને સી.બી.આઈ. અધિકારીના નામે વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. તમારા આઈ.ડી.થી મોકલવામાં આવેલ પાર્સલમાંથી ઈલીગલ સામાન પકડાયો છે અને કલકત્તામાં તમારા ખાતામાં પરિવારોને ધમકીઓ આપી મેળવેલ રૂા.૭ કરોડ આવ્યા છે તેમ કહી એરેસ્ટ વોરંટ સહીતના ડૉક્યુમેન્ટ મોકલ્યા હતા. આ કેસમાંથી બચવા લીગલાઈઝેશન કરવા આ મહિલા વૈજ્ઞાનિક પાસેથી રૂા.૨૬ લાખ તફડાવ્યા હતા. આ સાયબર ફ્રોડનો ગુનો મહેસાણા સાયબર ક્રાઈમમાં નોધાયો છે.
વિસનગરમાં માયાબજારમાં મંડાલીયાની ખડકીમાં રહેતા લીના મહેન્દ્રકુમાર મથુરાપ્રસાદ ગુપ્તા હેબીટાટ ઈકોલોજીકલ ટ્રસ્ટ વિસનગર ખાતે વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. જેમણે ફોરેસ્ટ્રી એન્વાયરમેન્ટ અને ઈકોલોજીમાં પી.એચ.ડી. કર્યુ હોવાથી દેશના વિવિધ વિસ્તારમાં અવાર નવાર અવર જવર રહે છે. તા.૪-૮-૨૦૨૪ ના રોજ મહિલા વૈજ્ઞાનિકના મોબાઈલ ઉપર એક વોટ્સએપ કોલ આવ્યો હતો અને સામેના વ્યક્તિએ દિલ્હી એરપોર્ટ કસ્ટમ ઓફીસર સુધીર મિશ્રા તરીકેની ઓળખ આપી હતી. જેણે ર્ડા.લીના ગુપ્તાને જણાવેલ કે તમારા આઈ.ડી.(આધારકાર્ડ)ના ઉપયોગથી મલેશીયા માટે એક પાર્સલ બુક કરવામાં આવ્યુ છે. જેમાંથી ૧૬ પાસપોર્ટ, ૫૪ સીમકાર્ડ અને ડ્રગ્સના પેકેટનો ઈલીગલ સામાન મળી આવ્યો છે. ચાલુ કોલમા ઈન્સ્પેક્ટર સુનીલની ઓળખ આપી આ બીજા વ્યક્તિએ જણાવલ કે આ ઈલીગલ સામાનવાળુ પાર્સલ તમારૂ ન હોય તો તેને રીજેક્ટ કરતા પહેલા તમારા આઈ.ડી.થી બીજી કોઈ ઈલીગલ પ્રવૃત્તિ થઈ છેકે નહી તે ચેક કરવુ પડશે. ત્યારબાદ જણાવેલ કે આ આઈ.ડી.થી મનીલોન્ડ્રીંગ અને હ્યુમન ટ્રાફીકીંગ જેવા ગંભીર પ્રકારના ગેરકાયદેસર કામ કરવામાં આવ્યા છે. આમ જણાવી વ્હોટ્સએપમાં કોર્ટના સીક્કા અને સહીવાળુ એરેસ્ટ વોરંટ તથા સી.બી.આઈ. ઈન્કવાયરીના બીજા ડૉક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. તમારા વિરુધ્ધ દિલ્હી સી.બી.આઈ.માં પણ ઈન્કવાયરી ચાલુ છે તેમ જણાવી સી.બી.આઈ. ચીફ અનીલ યાદવના નામથી ત્રીજી એક વ્યક્તિએ વાત કરી હતી. સી.બી.આઈ.ની ઓળખ આપનારે જણાવેલ કે તમારા આધારકાર્ડથી કોલકત્તા એચ.ડી.એફ.સી. બેન્કમાં ખાતુ ખુલેલ છે. જેમાં રૂા.૭ કરોડ છે અને આ રૂપિયા ૧૬ પરિવારોને ધમકીઓ આપીને મેળવેલા છે. અનીલ યાદવે પોતાનુ સી.બી.આઈ. અધિકારી તરીકેનુ આઈ.ડી. પણ મોકલી આપ્યુ હતુ. વ્હોટ્સએપ કોલને વિડિયો કોલમાં કન્વર્ટ કરતા અંદર પોલીસ યુનિફોર્મ પહેરેલ માણસ દેખાયેલ. સી.બી.આઈ. અધિકારીની ઓળખ આપનારે જણાવેલ કે અમે બેન્ક મેનેજરને પકડ્યો છે. જેની પાસેથી ૧૮૦ બેન્ક ખાતા મળી આવ્યા છે. જેમાં એક ખાતુ તમારૂ પણ છે. અધિકારીની ઓળખ આપનારે ર્ડા.લીના ગુપ્તાને જણાવેલ કે તમે પ્રતિષ્ઠીત વૈજ્ઞાનિક છો અને દેશ માટે સારૂ કામ કરો છો. જેથી આ બાબતે તમારી ઓનલાઈન ઈન્કવાયરી કરી તમે નિર્દોષ છો કે કેમ તે જાણવા તમારા તમામ બેન્ક ખાતામાંથી ફંડ લીગલાઈઝેશનની પ્રોશેશ કરવી પડશે. અજાણ્યા લોકોએ કોર્ટનુ એરેસ્ટ વોરંટ, સી.બી.આઈ.નુ આઈ કાર્ડ, કસ્ટમ વિભાગનો કેસ રીપોર્ટ ફાઈલના ડૉક્યુમેન્ટ મોકલ્યા હોવાથી મહિલા વૈજ્ઞાનિક ગભરાઈ જતા ફંડ લીગલાઈઝેશનની પ્રોસેસ કરવા તૈયાર થઈ ગયા હતા.
ર્ડા.લીના ગુપ્તાના આઈ.ડી.(આધાર કાર્ડ)ના ઉપયોગથી મલેશીયા મોકલવામાં આવેલા પાર્સલમાંથી ૧૬ પાસપોર્ટ, ૫૪ સીમકાર્ડ અને ડ્રગ્સના પેકેટનો ઈલીગલ સામાન હોવાનુ જણાવી ફસાવ્યા
સી.બી.આઈ. અધિકારીની ઓળખાણ આપનાર અનીલ યાદવે આર.બી.આઈ.ના સીક્કા અને સહીવાળો લેટર મોકલી આપ્યો હતો. જેમાં આર.બી.આઈ.ના ઓર્થોરાઈઝ યશ બેન્કનો ખાતા નં. તથા આર.બી.એલ. બેન્ક લી.ના ખાતા નં. તેમજ આઈ.એફ.સી. કોડ મોકલી. આ બન્ને ખાતા ફંડ લીગલાઈઝેશન કરવા આર.બી.આઈ. દ્વારા ઓર્થોરાઈઝ કરવામાં આવેલ છે તેમજ ફંડ લીગલાઈઝેશન પ્રોસેસ કરવા તમારા ખાતાઓમાંથી આ બન્ને બેન્ક ખાતામાં પૈસા ભરવા પડશે તેમ જણાવેલ. ચાલુ કોલ દરમ્યાન અધિકારીઓની ઓળખ આપનાર આ લોકોએ મોડી રાત સુધી ઈન્કવાયરી કરી હતી. દેશની સુરક્ષાની બાબત હોઈ તથા પરિવારના લોકોના જીવનો ખતરો હોઈ આ વાત કોઈને પણ નહી કરવા મહિલા વૈજ્ઞાનિકને જણાવ્યુ હતુ.
દિલ્હી એરપોર્ટના કસ્ટમ ઓફીસર, સી.બી.આઈ.ના અધિકારીની ઓળખ આપી વિડિયો કોલ કર્યા
બીજા દિવસે તા.૫-૮-૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ કલાકે અનીલ યાદવે વ્હોટ્સએપ કોલ કરી જણાવેલ કે, આ કેસમાંથી નિર્દોષ સાબીત થવા માટે ફંડ લીગલાઈઝશેન કરવુ જરૂરી છે. જેથી આર.બી.આઈ.ના મોકલેલ ખાતામાં પૈસા ભરવા પડશે. પૈસા ભર્યા બાદ ફંડ લીગલાઈઝેશન પૂર્ણ થયેથી સાંજ સુધીમાં તમારા તમામ પૈસા પાછા મળી જશે. મહિલા વૈજ્ઞાનિક બેન્ક ઓફ બરોડાની વિસનગર મેઈન શાખામાં જઈ એક ખાતામાં રૂા.૭,૦૦,૨૨૧/- તથા બીજા ખાતામાં રૂા.૧૯,૦૩,૯૯૪/- નુ આર.ટી.જી.એસ. કર્યુ હતુ. ફંડ લીગલાઈઝેશનની પ્રોસેસ કરવા કુલ રૂા.૨૬,૦૪,૨૧૫/- નુ આર.ટી.જી.એસ. કર્યુ હતુ. ફંડ ટ્રાન્સફર કર્યા બાદ નોટરી કરેલ ડૉક્યુમેન્ટ મોકલ્યુ હતુ. જેમાં તમારા પૈસા સરકારમાં જમા થઈ ગયા છે. જે કાયદેસરની કાર્યવાહી બાદ પરત મળશે અને આ બાબતે કોઈને વાત કરવી નહી તેમ જણાવ્યુ હતુ. મહિલા વૈજ્ઞાનિક ઘરે જઈને તેમના પિતાને વાત કરતા ફ્રોડ થયુ હોવાનુ જણાવ્યુ હતુ. જે બનાવમાં પ્રથમ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી. જે આધારે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે છેતરપીંડીની ગુનો નોધી તપાસ હાથ ધરી છે.