Select Page

વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નોટીસ અપાઈ વિસનગરની ૩૧ મહિલાઓ રોજગારીની લાલચે છેતરપીંડીનો ભોગ બની

વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નોટીસ અપાઈ વિસનગરની ૩૧ મહિલાઓ રોજગારીની લાલચે છેતરપીંડીનો ભોગ બની

ગુજરાતની ૧૫૦૦ થી વધુ મહિલાઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર ઠગમંડળીનો ભોગ વિસનગરની મહિલાઓ પણ બની છે. મહિલાઓની રજુઆત સંદર્ભે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લાગતા વળગતા અધિકારીઓ તથા પદાધિકારીઓને રજુઆત કરવા છતા હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. મહિલા સેવા સહકારી બેન્ક લી.ની જ્યારે નોટીસો મળી ત્યારે રોજગારની લાલચે તાલીમ લીધેલ મહિલાઓને જાણ થઈ કે તેમના નામે લોન લેવાઈ છે. વિસનગરની કુલ ૩૧ મહિલાઓના નામે રૂા.૧૧ લાખ ઉપરાંત્તની લોન લઈ છેતરપીંડી કરવામાં આવતા વિસનગર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હોવા છતા હજુ સુધી કોઈ ગુનો નોધાયો નથી.
પુરાવા સાથે અરજી કરી હોવા છતા વિસનગર પોલીસ ગુનો દાખલ કરવા ઠાગાઠૈયા
મહિલાઓ આત્મનિર્ભર અને પગભર બને તે માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મુકે છે. જ્યારે સરકારની યોજનાઓના નામે મહિલાઓ સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. વિસનગરમાં કડા રોડ ઉપર આવેલ હેરીટેજ ટાઉનશીપમાં રહેતો ભાવેશ શાહે આ ટાઉનશીપની મહિલાઓને રોજગારી મળે તેવી તાલીમ આપવા જણાવ્યુ હતુ. ૧૦ દિવસમાં ચપ્પલ બનાવવાની તાલીમ તથા અન્ય તાલીમ લેશો તો સારી આવક થશે તેવી લાલચ આપતા મહિલાઓ તાલીમ લેવા માટે પ્રેરાઈ હતી. તાલીમ બાદ સર્ટીફીકેટ માટે તથા અન્ય લાભો માટે પુરાવા માગતા મહિલાઓએ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજ આપ્યા હતા. ૩૧ મહિલાઓએ તાલીમ લઈ દસ્તાવેજ આપ્યા બાદ કોઈ સર્ટીફીકેટ મળ્યા નહોતા. પરંતુ શ્રી મહિલા સેવા સહકારી બેન્ક લી.ની નોટીસ મળી હતી કે મહેસાણા શાખામાંથી તા.૩૧-૩-૨૦૨૩ ના રોજ જે લોન લીધી હતી તેના રૂા.૩૬૩૯૭/- જમા કરાવી દેવા. ૩૧ મહિલાઓને નોટીસ મળતા ચોકી ઉઠી હતી. તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે તેમને આપેલા ડૉક્યુમેન્ટ આધારે ભાવેશ શાહ તથા બેન્કના જવાબદાર કર્મચારીઓની મીલીભગતથી લૉન લેવાઈ હતી. લૉન લીધી તેની મહિલાઓને કોઈ જાણ નહોતી કે મોબાઈલ નંબર ઉપર મેસેજ પણ આવ્યો નહોતો. ૩૧ મહિલાઓના નામે કુલ રૂા.૧૧,૩૧,૫૦૦/- ની લોન લઈ છેતરપીંડી કરતા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરતી અરજી કરવામાં આવી હતી. મહિલાઓની અરજી આધારે ગ્રાહક સુરક્ષા મંડળે મુખ્યમંત્રી, મહિલા સેવા આયોગ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગૃહમંત્રી, ડી.જી.પી., એ.સી.બી., રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ડી.વાય.એસ.પી. વિસનગરને જાણ કરવામાં આવી હતી. જેમાં વિસનગર પોલીસ સ્ટેશનમાં આધાર પુરાવાઓ સાથે જાણ કરવામાં આવી હોવા છતા ઠગાઈ કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હોવાનુ જણાવ્યુ હતુ.
નોધપાત્ર બાબત છેકે ૩૧ મહિલાઓ સાથે ઠગાઈ કરનાર ભાવેશ શાહે લણવા ગામની ૪૦ મહિલાઓને રોજગારીની લાલચ આપી છેતરી તેમના નામે લોન લેતા ગુનો નોધાયો હતો. ભાવેશ શાહ અને મહિલા સેવા સહકારી બેન્ક લી.ના કર્મચારીઓની ઠગ ટોળકીએ આવી રીતે ૧૫૦૦ ઉપરાંત્ત મહિલાઓ સાથે છેતરપીંડી કરી હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે આ ઠગ ટોળકી સામે કોઈ કાર્યવાહી નહી કરી સરકાર બી ઝેડ ગૃપ જેવા કૌભાંડની રાહ જોતી હોય તેમ જણાય છે.