ગુજરાત સરકારનુ કાળાજાદુ-અંધશ્રધ્ધા નિર્મૂલન માટે આવકારદાયી વિધેયક
પાખંડીઓના કારણે અનેક લોકો પાયમાલ થઈને જીવ ગુમાવ્યા
તંત્રી સ્થાનેથી…
વહેમ, અંધશ્રધ્ધા, કુરિવાજો, ગેરમાન્યતાઓ, ભૂવા પ્રથા વિગેરે બંધ કરવાનો સમય પાકી ગયો છે. જે ઈષ્ટદેવને માનતા હોઈએ તે ઈષ્ટદેવને સીધાજ શ્રધ્ધાથી અનુસરવુ જોઈએ. વચેટીયા ગુમરાહ કરે છે અને ચમત્કારથી કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. અંધશ્રધ્ધાના કારણેજ ધર્મગુરૂઓની વૈભવી લીલાઓ ઝડપથી પ્રગતિ કરે છે. પરિવાર સુખી થાય અને ઘર ઝડપથી મહેલ બને તે માટે પુરૂષાર્થ વગર કંઈ શક્ય નથી. આંડબરો ફગાવી દઈ વિજ્ઞાન અને ટેકનોલોજીને અપનાવવા જોઈએ. જીવનમાં બનતી તમામ ઘટનાઓ કર્મને આધીન છે. જેવુ વાવશો તેવુ લણશો કે ફળ પામશો. પરંતુ લોકોમાં ધીરજ નથી જેના કારણે ભારતમાજ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં અંધશ્રધ્ધા ફેલાયેલી છે. પ્રાચીન કાળથી ભારતમાં અંધશ્રધ્ધા પ્રવર્તેલી હોવાથી સમાજમાં અંધશ્રધ્ધા કોઈ નવી વાત નથી. અંધશ્રધ્ધા સામાજીક દુષણ છે. અંધશ્રધ્ધા અને ભુવા ભોપાળા એ ખરેખર ચિંતાનો વિષય છે. પહેલા શિક્ષણનો અભાવ હતો એટલે લોકો અંધશ્રધ્ધામાં ફસાતા હતા. પરંતુ પ્રવર્તમાન સમયમાં શિક્ષિત લોકો પણ તાંત્રિકોની માયાજાળમાં ફસાય છે. ટેકનોલોજી રોકેટ ગતિએ આગળ વધી રહી છે અને વિજ્ઞાને અનેક રહસ્યોનો ભેદ ઉકેલ્યો છે તેમ છતા સમાજમાં અંધશ્રધ્ધાના કારણે બનતી ઘટનાઓનો અંત આવતો નથી. તાંત્રિકો, મેલી વિદ્યા અને અંધશ્રધ્ધાના કારણે ભારત ભૂમિમાં પ્રાચીન સમયથી લોકો સહન કરતા આવ્યા છે. તેમ છતાં આઠ દશ વર્ષથી ગુજરાતમાં બનેલી ઘટના જોઈએ તો, જૂન-૨૦૧૫ માં અરવલ્લી જીલ્લાના ભીલોડા વિસ્તારમાં પ્રથમ પત્નીનુ મૃત્યુ થયુ અને બીજી પત્ની પણ બીમાર રહેતા દાદી ડાકણ હોવાના વહેમમાં પૌત્ર અને પૌત્રવધુએ દાદીની હત્યા કરી. જાન્યુઆરી-૨૦૧૭ માં બનાસકાંઠામાં જમીન પચાવી પાડવા રામીબેન નામની મહિલાને ડાકણ ગણાવીને કાવતરૂ કરવામાં આવતા પોલીસ ફરિયાદ થઈ હતી. નવેમ્બર-૨૦૧૭ માં વિરમગામના પેટ્રોલપંપમાં પૈસાની ચોરી થતા સત્યના પારખા કરાવવાના બહાને કર્મચારીઓને તેમના હાથ ઉકળતા તેલમાં નાખવાની ફરજ પડાઈ હતી. જૂન-૨૦૧૯ માં થરાદ તાલુકાના એક ગામમાં હૃદયની બીમારી ધરાવતી ૭ મહિનાની બાળકીને ભૂવા પાસે લઈ જતા ડામ આપવાના કારણે બાળકીનુ મૃત્યુ થયુ. ઓક્ટોબર-૨૦૨૦ માં બનાસકાંઠામાં મેલી વિદ્યાના નામે અમાસની રાત્રીએ ૧૨ વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરાઈ હતી. ઓક્ટોબર-૨૦૨૨ માં ગીર સોમનાથ જીલ્લાના ધાવા ગામમાં ૧૪ વર્ષની દિકરીને અંધશ્રધ્ધાના કારણે તેમના પિતા, કાકા, દાદા અને ફોઈએ ખેતરમાં બાંધી રાખી તેને ટોર્ચર કરી મારી નાખી હતી. કિશોરીના નાનાએ ફરિયાદ કરતા હત્યાનો ગુનો નોધાયો હતો. એપ્રીલ-૨૦૨૩ માં રાજકોટ જીલ્લામાં એક દંપત્તીએ અંધશ્રધ્ધા અને કાળાજાદુની વિધિ માટે પોતાનુ ગળુ કાપીને આત્મહત્યા કરી જીવ ગુમાવ્યો હતો. ઓક્ટોબર-૨૦૨૩ માં રાજકોટના ધ્રોલ વિસ્તારમાં નવરાત્રીના સમયમાં ભાઈ અને મોટી બહેન દ્વારા નાની બહેનનો બલી ચડાવી દેવાયો હતો. તાજેતરમાં ઓગષ્ટ-૨૦૨૪ માં વડોદરા કોલેજમાં અભ્યાસ કરતી મધ્યપ્રદેશની યુવતીને કમળો થતા તાંત્રિક પાસે કમળો મંતરાવવા ગઈ હતી. તાંત્રિકે આપેલી ફાંકી ખાતા યુવતીનુ મૃત્યુ થયુ હતુ. લગભગ બે વર્ષ અગાઉ દેશની રાજધાની દિલ્હીના પોષ વિસ્તારમાં કાળા જાદુના કારણે પરિવારના પાંચ થી છ સભ્યોનુ મૃત્યુ થયુ હતુ. દુકાન કે ફેક્ટરી ચાલતી ન હોઈ, દેવામાંથી કે આર્થિક સંકડામણમાંથી બહાર નિકળવા, પરિવારમાં ખટરાગ ચાલતો હોઈ, સંતાન પ્રાપ્તી માટે, બીમારીમાંથી છુટકારો મેળવવા એવા જીંદગીની તકલીફ સમયે કેટલાક લોકો કાળો જાદુ કે તાંત્રિક વિધિનો સહારો લેતા હોય છે. જેના કારણે પરિવારોને ઘણુ સહન કરવુ પડે છે. ગુજરાતમાં આવી સંખ્યાબંધ ઘટના રાજ્યના વિવિધ જીલ્લાઓમાં બનતી રહે છે. દરેક માણસને કોઈને કોઈ તકલીફ તો રહેતીજ હોય છે. આ તકલીફને દૂર કરવા માટે ક્યારેક અંધશ્રધ્ધામાં ફસાઈ જાય છે અને પછી તેમાંથી બહાર નીકળી શકતો નથી. રાજ્યમાં મેલી વિદ્યા, અંધશ્રધ્ધા, ભૂવા, પાખંડી બાવાઓ દ્વારા વારંવાર લોકો સાથે છેતરપીંડી, હત્યા, છેડતી, બળાત્કાર, બલી ચઢાવવી જેવી ઘટનાઓ બનતી રહે છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે દેશના અન્ય રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડીશા, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ વિગેરે રાજ્યોમાં અંધશ્રધ્ધા નિર્મૂલન માટેનો કાયદો છે. ગુજરાતમાં કાળો જાદુ, તાંત્રિક વિધિ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ રોકવા માટે છેલ્લા ઘણા વર્ષથી વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓએ રાજ્ય સરકારના દ્વાર ખખડાવી કાયદો ઘડવા રજુઆત કરી હતી. ત્યારે ગુજરાત પ્રિવેન્શન એન્ડ ઈરેડિકેશન ઓફ હ્યુમન સેક્રિફાઈસીસ એન્ડ અધર ઈન્હ્યુમન એવિલ એન્ડ અઘોરી પ્રેક્ટીસીસ એન્ડ બ્લેક મેજિક બીલ નામનુ અંધશ્રધ્ધા નિર્મૂલન કરવા વિષેયક પસાર કરવા જઈ રહ્યુ છે. જેનાથી અંધશ્રધ્ધા કાળો જાદુ કરતા પાખંડીઓ સામે કાયદેસરના પગલા લઈ શકાશે.