વિવિધ આંદોલનો વિધાનસભાની ચુંટણીમાં ભાજપને દઝાડશે
કોંગ્રેસ અને આપની વચનોનો લ્હાણી સાથે
તંત્રી સ્થાનેથી…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા તે પેટર્નથી અત્યારે ગુજરાતની ભાજપ સરકાર કામ કરી રહી છે. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી પદે હતા ત્યારે વહીવટ ઉપર અંકુશ હતો અને ભ્રષ્ટાચાર નહિવત હતો. નરેન્દ્રભાઈ મોદી દેશની જવાબદારી સંભાળવા દિલ્હી ગયા બાદ ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ એકહથ્થુ અને એકધારા શાસનના નશામાં જાણે રાજપાટ મળી ગયુ હોય તેમ બેફામ બનીને શાસન કર્યુ. સરકારના તમામ વિભાગમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો. વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણી વખતે પાટીદાર અનામત આંદોલનનો માહોલ હોવાથી ભાજપને સત્તા મેળવવા નાકે દમ આવી ગયો હતો. આ આંદોલન બાદ ભાજપે તેમાંથી ગણુ શીખવાનુ હતુ. પરંતુ આવા માહોલમાં જીત મેળવી છે તો હવે કોઈ હરાવનાર નથી તેવા ગુમાનમાં આવી ભાજપ સરકારના મંત્રીઓએ કોઈને ગણકાર્યા વગર બેફામ વહીવટ કર્યો. પ્રશ્નો અનેક હતા પરંતુ ગણકાર્યા નહી. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતનુ ભવિષ્ય ભાખી વિધાનસભાની ચુંટણીના સવા વર્ષ પહેલા આખે આખી સરકાર બદલી નાખી. સરકારના નવા મંત્રીઓએ વહિવટ સંભાળ્યો પણ વ્યાપેલો ભ્રષ્ટાચારનો નિવેડો લાવવાનો સમય ન મળ્યો. કોરોના કાળ બાદ વિકાસ કામ ઝડપથી આગળ વધ્યા પરંતુ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવામાં સમય ઓછો પડ્યો. જેના કારણે વિવિધ આંદોલનોનો ઉદ્ભવ થયો. ઓક્ટોબર માસના અંતમાં વિધાનસભાની ચુંટણીનુ જાહેરનામુ પડવાની શક્યતા છે. તે સમયે ગુજરાતની ભાજપ સરકારની સામે શિક્ષકોનું આંદોલન, પોલીસ કર્મચારીઓનુ ગ્રેડ પે આંદોલન, વનરક્ષકો અને વનપાલનનુ આંદોલન, કિસાન આંદોલન, વિદ્યાસહાયક ભરતી આંદોલન, આંગણવાડી અને તેડાઘર બહેનોનુ આંદોલન, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર(વીસીઈ) આંદોલન, હોમગાર્ડ પગાર વધારો આંદોલન, આઉટ શોર્સીંગ કર્મચારી આંદોલન, આશા વર્કર બહેનોનુ આંદોલન, તલાટી કમ મંત્રી મંડળનુ આંદોલન, શિક્ષણ મહાસંઘનુ આંદોલન, બક્ષીપંચ સમાજ આંદોલન, માલધારી સમાજનું આંદોલન, જુની પેન્શન યોજનાનુ આંદોલન, પૂર્વ સૈનિકોનુ આંદોલન, સરકારી કર્મચારી સંકલન સમિતિ આંદોલન, આરોગ્ય વિભાગના કર્મચારીનુ આંદોલન, મધ્યાહન ભોજન યોજના કર્મચારી આંદોલન જેવા વિવિધ આંદોલનો મોં ફાડીને ઉભા છે. વિવિધ આંદોલનના સમાધાન માટે સરકારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજા એમ પાંચ મંત્રીઓની સ્પેશ્યલ આંદોલન કમિટિ બનાવી. આ કમિટિએ આંદોલન કર્તાઓ સાથે મીટીંગો શરૂ કરતાજ લાભ લેવા બીજા યુનિયનો પણ સક્રીય થયા. અગાઉની સરકારમાં કર્મચારીઓની વિવિધ માગણીઓ પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવતા વિધાનસભાની ચુંટણી ટાણે વકરેલા આંદોલનો બીજા કોઈ પક્ષને નહી પરંતુ ભાજપને દઝાડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચુંટણી ટાણે મોંઘવારીનો મુદ્દો પણ અસર કરી રહ્યો છે. જીવન જરૂરીયાતની કોઈ એક વસ્તુમાં નહી પરંતુ દરેક ચીજ વસ્તુમાં ભાવ વધતા મધ્યમ અને ગરીબ વર્ગનુ જીવન મુશ્કેલ બની ગયુ છે. વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણી સુધી ભાજપ સામે પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષ હતો. જ્યારે આ વખતે વર્ષ ૨૦૨૨ ની ચુંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરી ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. દિલ્હી બાદ પંજાબમાં સત્તા મળ્યા પછી અરવિંદ કેજરીવાલ ડબલ જોશથી ગુજરાતમાં પ્રસાર પ્રચાર શરૂ કર્યો છે. સત્તાના નશામાં ચકચુર બનેલા ભાજપની સરકારે કર્મચારીઓની માગણીઓને અવગણતા આ તકનો લાભ ઉઠાવી કોંગ્રેસ અને આપ દ્વારા વચનોની લ્હાણી શરૂ કરી છે. આવા સંજોગોમાં ભાજપ માટે અનામત આંદોલન કરતા પણ કઠીન સમય આવ્યો છે.