વડીલોના સહવાસથી યુવા પેઢી અને પરિવાર ઉપર સકારાત્મક અસર થાય છે
તંત્રી સ્થાનેથી…
સ્ત્રી વગર પુરૂષ અધૂરો છે અને પુરૂષ વગર સ્ત્રી અધૂરી છે તેમ વડીલ વગરનુ ઘર તેમજ પરિવાર અધૂરો છે. ભારત દેશમાં દર દશ વર્ષે વસ્તી ગણતરી થાય છે. કોરોના કાળના કારણે ૧૬મી વસ્તી ગણતરી થઈ શકી નહોતી. હવે ૧૬મી વસ્તી ગણતરીનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ વસ્તી ગણતરી કાગળ અને પેન ઉપર નહી પરંતુ ડિજિટલ ધોરણે ડેટા એકત્રીત કરવામાં આવશે. દેશની આ પ્રથમ વસ્તી ગણતરી હશે જેમાં જાતિ આધારીત વસ્તીનો ડેટા એકત્રીત કરવામાં આવશે. આ વસ્તી ગણતરીથી ભારતમાં અમીરી, ગરીબી, શિક્ષણ, આવક, લિંગ ગુણોત્તર, જાતિ, ધર્મ, યુવાન, વૃધ્ધ, સ્ત્રી, પુરૂષ વિગેરે બાબતેનુ ચિત્ર સ્પષ્ટ કરશે. ભારત દેશ અત્યારે યુવાનોનો દેશ કહેવાય છે. પરંતુ દેશમાં લિંગ ગુણોત્તર સબંધીત અહેવાલોએ દેશમાં વૃધ્ધ લોકોની વધતી વસ્તીનો અંદાજ લગાવ્યો છે. દેશમાં વડીલોની વસ્તીમાં વધારો થવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે ત્યારે તેમની સામાજીક સુરક્ષા માટેનો વિચાર કરવાનો તથા સુરક્ષા આપતા કાયદા ઘડવાનો પણ સમય આવી ગયો છે. પ્લેસ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબના ડેટા પ્રમાણે વર્તમાનમાં દર ચોથા કે પાંચમાં વૃધ્ધ યાદશક્તિ ગુમાવવી, ભાષાનો ઉપયોગ કરવામાં અસમર્થતા, વિચારવાની, સમજવાની કે નિર્ણય લેવાની ક્ષમતામાં નબળાઈ જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એસ.બી.આઈ.ના પ્રકાશીત રિપોર્ટના અહેવાલ મુજબ ભારતમાં ૦ થી ૧૪ વર્ષની વયના બાળકોની વસ્તી ઘટી રહી છે. ૧૯૯૧મા આ વસ્તી ૩૬.૪ કરોડની હતી તે ૨૦૨૬મા ઘટીને ૩૪ કરોડ થઈ જશે. ૧૯૯૧મા ૦ થી ૧૪ વર્ષની વસ્તીનો હિસ્સો ૩૭ ટકા હતો. તે ૨૦૨૬મા ઘટીને ૨૪.૩ ટકા થઈ જશે. આમ છેલ્લા અઢી દાયકામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી બમણી થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે વૃધ્ધ વડીલોની વસ્તી ૨૦૦૧મા ૭.૯ કરોડ હતી તે વધીને લગભગ ૧૫ કરોડની થઈ જશે. જેમાં ૭.૭ કરોડ પુરૂષ અને ૭.૩ કરોડ મહિલાઓનો સમાવેશ થશે. કેન્દ્ર સરકારના આંકડા મંત્રાલય દ્વારા પ્રકાશીત કરવામાં આવેલા ત્રીજા અહેવાલ પ્રમાણે ૨૦૨૬ સુધીમા દેશમાં બાળકો અને કિશોરોની વસ્તીમા ઘટાડો થશે અને વૃધ્ધ તથા મધ્યમ વયના લોકોની સંખ્યામાં વધારો થશે. આ અહેવાલ મુજબ હાલમાં દેશની વસ્તીમા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની ટકાવારી ૯.૫ છે જે ૨૦૨૬મા વધીને ૧૩.૯ ટકા થશે. ચોથો અહેવાલ સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળનો છે તે પ્રમાણે આગામી ૨૫ વર્ષમાં ભારતની વસ્તીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોનો હિસ્સો ૨૦.૮ ટકા સુધી પહોચી જશે. આ પ્રમાણે દેશનો દરેક પાંચમો વ્યક્તિ વૃધ્ધ શ્રેણીમાં હશે. દેશની કુલ વસ્તીમા ૧૮ ટકાનો વધારો થશે ત્યારે વૃધ્ધોની વસ્તીમાં ૧૩૪ ટકાનો વધારો થશે. વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ભારતમાં વૃધ્ધોની વસ્તી ૧૪.૯ કરોડ હતી. આ અહેવાલોનો સારાંશ એ છેકે ભારતમાં વૃધ્ધ વડીલોની સંખ્યા વધી રહી છે. આપણી ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની છે. પરંતુ આ સંસ્કૃતિ તથા તેની પાછળ રહેલી ભાવના લુપ્ત થતી જાય છે. વૃધ્ધ વડીલોની વધતી વસ્તીના અહેવાલોનો સંદર્ભ એટલા માટે લેવામાં આવ્યો છે કે, તેના માટે હવે કેન્દ્ર સરકારે પણ વિચારવુ પડશે. ગત અઠવાડીયે એક એવી બાબત જાણવા મળી કે જેના કારણે પુત્ર ઉપર તિરસ્કાર ઉત્પન્ન થાય. મહારાષ્ટ્રમાં એક વૃધ્ધ મહિલા ચામડીના કેન્સરથી પીડાતી હતી. જેની સારવાર કરવાની જગ્યાએ તેને કચરાના ઢગલામા નાંખી દીધી. સમાજમાં આવાતો એક નહી પરંતુ અનેક બનાવો જોવા મળે છે કે જેમાં વૃધ્ધો ઉપર અત્યાચાર થતા હોય. સંપત્તિ નામે કર્યા બાદ પુત્રો માતા-પિતાને વૃધ્ધાશ્રમમા તરછોડી દેતા હોવાનુ અનેક વખત જાણવા અને સાંભળવા મળ્યુ છે. નવ મહિના કુખમા રાખી જન્મ આપનાર માતા તથા પેટે પાટા બાંધી પગભર બનાવાનર પિતાનુ ઋણ ચુકવવાના બદલે તેમની સાથે દુર્વ્યવહાર થતો હોવાના સમાજમાં ઘણા બનાવો બને છે. આવનાર સમયમાં દેશમાં વૃધ્ધોની સંખ્યા વધવાના અહેવાલ છે ત્યારે તેમને સામાજીક-આર્થિક સુરક્ષા મળે તેવા કાયદા તથા જોગવાઈઓની પણ એટલીજ જરૂર છે. વૃધ્ધ-વડીલ એ પરિવારમા સંસ્કાર અને અનુભવોનુ ભાથુ પીરસતુ સ્ત્રોત છે. સિનિયર સિટીઝન્સ પાસે જ્ઞાનનો અઢળક ભંડાર હોય છે. અનેક રિસર્ચમાં એ બાબત સાબીત થઈ છેકે, પરિવારમાં વડીલોનો સહવાસ યુવાપેઢી ઉપર સકારાત્મક અસર ઉભી કરે છે. તેમની સાથે કોઈ પણ બાબતની વાતચીત કરવાથી સાચી શિખામણ મળે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકને તથા કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીને બહારના અનુભવ આધારે શિખ મળે છે. જ્યારે જે પરિવારમાં વડીલ હોય છે તેમને ઘરમાંથીજ અનુભવ પ્રાપ્ત થાય છે. દરેક પરિવારમાં વૃધ્ધોનુ વિશેષ મહત્વ છે. દેશમાં વૃધ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે વૃધ્ધ પરિવાર સાથે સંકળાયેલા રહે, અને તેમને પુરતી સુરક્ષા મળે તે બાબતે સરકારે વિચાર કરવાનો સમય હવે પાકી ગયો છે.