ખેરાલુ પ્રાન્તની પદયાત્રિકો-સેવા કેમ્પોની તકલીફ દુર કરવા અધિકારીઓ સાથે મિટીંગ
- જય અંબે સેવા કેમ્પ સમિતિ ખેરાલુને સહકાર આપવા પ્રાન્ત અધિકારીની ખાત્રી
ખેરાલુ તાલુકામા ભાદરવી પુનમના મહામેળામાં આવનાર પદયાત્રિકો માટે ૭૧ ઉપરાંત સેવા કેમ્પો કાર્યરત હોય છે. ચાલુ વર્ષે ખેરાલુ તાલુકાના સેવા કેમ્પોને પડતી અડચણો દુર કરવા તમામ સેવા કેમ્પોને એક છત્ર નીચે લાવવા જય અંબે સેવા કેમ્પ સમિતિ બનાવવામાં આવી છે. જેના અધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ (ખોડલ) દ્વારા સાંઈ મંદિરે સેવા કેમ્પોના આયોજકોની મિટીંગ રાખી હતી. જેમાં સેવા કેમ્પો કરવામાં પડતી તકલીફો વિશે બૃહદ ચર્ચાઓ કરાઈ હતી તે પછી ખેરાલુ પ્રાન્ત અધિકારી વર્ષાબેન પરમાર સાથે મિટીંગ કરી હતી. બીજા દિવસે યુધ્ધના ધોરણે પ્રાન્ત અધિકારીશ્રીએ તા.૪-૯-૨૦૨૪ના રોજ વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના મામલતદાર, ટી.ડી.ઓ., પી.આઈ., પી.એસ. આઈ., ચિફ ઓફિસર, નેશનલ હાઈવેનું કામ કરતા કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓ, વિજ કચેરીના ડેપ્યુટી ઈજનેરોની મિટીંગ બોલાવી હતી. જેમાં જય અંબે સેવા કેમ્પ સમિતિના પ્રતિનિધિઓને પણ ખાસ હાજર રહેવા સુચન કર્યુ હતુ.
ખેરાલુ પ્રાન્ત અધિકારી બહેનશ્રીની અધ્યક્ષતામાં મિટીંગ યોજાતા સેવા કેમ્પ સમિતિમાંથી અરવિંદભાઈ પ્રજાપતિ, પાલિકા પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલ તથા સાંઈ મંદિર ટ્રસ્ટી મનોજભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. જેમાં પ્રાન્ત અધિકારીએ જણાવ્યુ હતુ કે, સેવા કેમ્પોમા પર્યાવરણને નુકશાન થાય તેવા પ્લાસ્ટીકના વપરાશ ઉપર પ્રતિબંધ છે. જેથી તમામ અધિકારીઓએ ખાસ ધ્યાન રાખવાનુ છે. નેશનલ હાઈવે બની રહ્યો છે. જેથી રોડની બેન્ને સાઈડ ખાડા કરી દીધા છે. જેથી રાત્રે ચાલતા જતા પદયાત્રિકો ખાડામાં પડી ન જાય તે માટે રોડની બાજુમાં રેડીયમ પટ્ટા તેમજ દિશા સુચક લગાવવા સુચના આપી હતી. જેને અમલ ગણત્રીના કલાકોમાં થઈ ગયો હતો. વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં પદયાત્રિકા પસાર થાય તે રોડ ઉપર સેવા કેમ્પોમાં થનાર કચરાના કલેક્શનની જવાબદારી નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના માથે નાંખી છે. ડભોડા રેલ્વે ઓવરબ્રીજ બનતો હોવાથી બંન્ને બાજુના ડાયવર્ઝન રોડ સાંકડા હોવાથી ખેરાલુ વૃંદાવન ચાર રસ્તાથી ડભોડા અને ટીમ્બા થી ડભોડા સુધીના રોડ ઉપર ફોર વ્હીલર માટે પ્રતિબંધ લગાવવામાં ચર્ચા થઈ હતી. જેમાં પ્રાન્ત કચેરી અને પોલીસ ઈન્સપેક્ટર, ખેરાલુ અને પોલીસ સબ ઈન્સપેક્ટર સતલાસણા અને માલતદાર સતલાસણાએ રસ્તાના ડાયવર્ઝન માટે અભિપ્રાયો કલેક્ટરશ્રીને મોકલી દેવાનું જણાવ્યુ હતુ.
સેવા કેમ્પોમાં મેડીકલ કેમ્પો થાય છે. પરંતુ પદયાત્રીકોને આડેધડ દવાઓ આપી દવાથી ભારે તકલીફ ઉભી થાય છે. જેથી ફરજીયાત મેડીકલ કેમ્પ ઉપર ડાક્ટરો હાજર રાખવા સુચના અપાઈ હતી. ખેરાલુ તાલુકાના ૭૧ સેવા કેમ્પોમાં વિજ કચેરી આડેધડ વિજ કનેક્શનો આપે છે. પરંતુ સેવા કેમ્પોમાં વોલ્ટેજના પ્રશ્નો હોવાથી પારાવાર તકલીફનો સામનો કરવો પડે છે. જેથી તમામ સેવા કેમ્પોને પુરતા વોલ્ટેજ આપવા સુચના અપાઈ હતી. લાઈવ ડી.જે. પાર્ટીઓ રોડથી ૧૦૦ મીટર દુર બનાવવા ચર્ચા થઈ હતી ઉપરોક્ત તમામ ચર્ચાઓ કરી અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ પ્રાન્ત અધિકારી વર્ષાબેન પરમાર દ્વારા અપાઈ હતી. પહેલી વખત પ્રાન્ત અધિકારી કચેરી દ્વારા પદયાત્રિકાની સેવા માટે દરરોજ નિયમિત મોનીટરીંગ કરાઈ રહ્યુ છે. જે ખરેખર સરાહનીય કહેવાય.