ભાજપના ભ્રષ્ટાચારી રાજમાં દર વર્ષે રોડ બને છે અને તૂટે છે
કોંગ્રેસના શાસનમાં સાત વર્ષે રોડ બનતો હતો અને વર્ષો સુધી ટકતો હતો
તંત્રી સ્થાનેથી…
ગુજરાતમાં ચૌદ વર્ષ શાસન કરી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી પદે બેઠા બાદ દશ વર્ષના ગાળામાં ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છેકે ત્રાસી ગયેલા લોકો હવે બીજો વિકલ્પ વિચારતા થઈ ગયા છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી પદે હતા ત્યારે સરકાર અને સંગઠન બન્ને ઉપર કાબુ હતો. જેના કારણે સરકાર કે સંગઠનના વગદાર નેતાની જોહુકમી ચાલતી નહોતી. પ્રજા વાત્સલ્યતાનો મિજાજ ધરાવતા નરેન્દ્રભાઈ મોદીના કારણે લોકોને અપાતી સુવિધામાં ગેરરીતી થતી નહોતી, પણ અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદ્યાત્મિક અને સરળ સ્વભાવ ઉપર ગાંધીનગર કમલમની નેતાગીરી હાવી થઈ હોવાના અનેક વખત આક્ષેપો થયા છે. સરકાર કમલમના ઈશારે ચાલતી હોવાથી દાદા ફક્ત નામના મુખ્યમંત્રી બની ગયા છે. કમલમના ઈશારે મળતીયા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવતા હાલ ચોમાસામાં એવી તો સ્થિતિ સર્જાઈ છેકે ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત તે કહેવુ મુશ્કેલ બની ગયુ છે. આ વર્ષેજ ચોમાસામાં ભારે વરસાદ થયો એવુ નથી, અગાઉ પણ ભારે વરસાદ થયો છે અને પૂર આવ્યા છે. પરંતુ હાલમાં જે ડામર રોડ તૂટવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ભૂતકાળમાં એકેય સરકારમાં જોવા મળી નથી. ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ શહેર કોઈ ગામ કે કોઈ રસ્તો બાકી નથી કે જ્યા ડામર રોડમાં ખાડા પડ્યા ન હોય. ભાજપના ભ્રષ્ટાચારના કારણે પડેલા ખાડાથી ગુજરાતની જનતા પટકાઈ રહી છે. બે-ત્રણ વર્ષ પહેલા બનાવેલ ડામરના રોડ ધોવાયા છે એવુ નથી, ગયા વર્ષેજ કે ચોમાસા પહેલા નવા બનાવેલ રોડ ધોવાયા છે. ક્યાંક કપચી ઉખડી ગઈ છેતો ક્યાંક રોડ ધોવાતા ખાડા પડી ગયા છે. ચોમાસામાં રોડ ધોવાતા રાજ્યનો એક પણ વિસ્તાર ખાડામાંથી બાકાત નહી રહેતા વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ છેકે, કમલમના કમિશનના કારણે રસ્તાઓ ઉપરના ખાડાઓથી લોકોની કમર તુટી રહી છે. ગુજરાતના નાગરિકો વર્ષે રૂા.૪૮૦૦ કરોડનો ટોલટેક્ષ આપે છે છતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના ગામડાથી લઈ ગાંધીનગર સુધીના ભ્રષ્ટાચારના કારણે ખાડારાજ થઈ ગયુ છે. ડામર રોડની વાત તો એક બાજુ રહી પરંતુ ભાજપના ભ્રષ્ટાચારીઓના કારણે આર.સીસી.ના પુલ પણ ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થવામાં બાકાત નથી. ચુંટણીમાં ભાજપના નેતાઓ ભાષણો કરે છે કે કોંગ્રેસના શાસનમાં પાંચ સાત વર્ષે પણ રોડ બનતા નહોતા, પરંતુ અત્યારે એ પણ યાદ કરવુ એટલુજ જરૂરી છેકે, સાત વર્ષે ડામર રોડ બનતો હતો તે વર્ષો સુધી તૂટતો નહતો. ભાજપના શાસનમાં દર વર્ષે રોડ બને છે, તૂટે છે રીપેરીંગ થાય છે અને બે-ત્રણ વર્ષે કાર્પેટ પાથરવામાં આવે છે. ડામર રોડ બનાવવા અને મરમ્મત કરવામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે. જેમાંથી ૫૦ ટકા પણ કામ થતુ નથી. જોકે હવે ભાજપમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર ભાજપનેજ ભારે પડી રહ્યો છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાના એક કિલ્લામાં ગત વર્ષેજ પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમા ભારે પવન સાથેના વરસાદથી તુટી પડી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી સમયેજ ભ્રષ્ટાચારનુ પાપ નડતા ભાજપ ભીસમાં આવી ગયુ છે. જેમાં જયદિપ આપ્ટે અને ચેતન પાટીલ નામના કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી. ભ્રષ્ટાચારની નિમ ઉપર બનેલી પ્રતિમા પડતા ખુદ પ્રધાનમંત્રીને શિવાજી મહારાજની માફી માગવી પડી. ખાડામાંથી ગુજરાતને બહાર કાઢવુ હોય તો કેન્દ્રીય નેતાગીરીએ કમલમમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો પડશે. નહીતો ચોમાસામાં રોડ ધાવવાનો સીલસીલો આજે પણ નથી અટકવાનો કે કાલે પણ નથી અટકવાનો. રોડ કોન્ટ્રાક્ટમાં ભાજપના અદના નેતાઓ અને બાંધકામના ખાતાના ઉચ્ચ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના ભાગીદાર બની ગયા છે. રોડમા ટેન્ડર પ્રક્રિયા ફક્ત નામનીજ હોય છે. મોટેભાગે રાજકીય નેતા અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ભાગીદારી ધરાવતા કોન્ટ્રાક્ટરોનેજ ટેન્ડરના કામ મળતા હોય છે. ટેન્ડરમા પણ ઓફીસનુ ૧૦ થી ૧૫ ટકા જેટલુ કમિશન તો ખરુજ. જેના કારણે ૫૦ થી ૬૦ ટકા જેટલુ પણ કામ થતુ નહી હોવાથી એક ચોમાસુ પણ રોડ ટકતા નથી. ચોમાસામાં ડામર રોડ ધોવાવાની સ્થિતિ ગણા સમયથી છે. રોડમાં ચાલતા ભ્રષ્ટાચાર દૂર કરવા કડક કાયદા નહી બને ત્યા સુધી ખાડામાથી ગુજરાત બહાર આવી શકવાનુ નથી. જે કોન્ટ્રાક્ટરનો રોડ ધોવાઈ જાય તેને આખો રોડ ફરીથી તેના ખર્ચે બનાવી આપવો. રોડ ધોવાવાના ગુનામાં ફોજદારી ગુનો બને તેમજ સજાની જોગવાઈ કરવામાં આવે. આવા કડક નિયમો તથા કાયદા બનશે તોજ કોન્ટ્રાક્ટરો ભાજપના નેતાઓ તથા અધિકારીઓના મહોરા બનશે નહી અને રોડ ધોવાવાના બનાવો બનશે નહી.