૭૫ દિવસમાં ડબલના નામે રૂા.૨.૩૦ કરોડનુ ફૂલેકૂ ફેરવ્યુ
કડામાં બાપ નંબરી બેટા દશ નંબરી જેવી છેતરપીંડી
- રાજપૂત દરબાર સમાજના ૧૫ ઈસમોને લાલચ આપી ફસાવ્યા
વિસનગર તાલુકાના કડા ગામમાં રાજપૂત સમાજના બાપ અને બેટાએ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં રોકાણ કરશો તો ૭૫ દિવસમાં ડબલ કરી આપવાની બાહેધરી આપી ગામના રાજપૂત સમાજના લોકો પાસે પૈસા લીધા હતા. મુદત બાદ નાણાં પરત નહી આપતા અને આપેલા ચેક રીટર્ન થતા રોકાણ કરનાર લોકોએ બાપ નંબરી બેટા દશ નંબરી જેવો અનુભવ થયો હતો. રાજપૂત સમાજના કુલ ૧૫ ઈસમો પાસેથી રૂા.૨.૩૦ કરોડ ઈન્વેસ્ટમેન્ટના નામે ઉઘરાવી છેતરપીંડી કરતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
વિસનગર તાલુકાના કડા ગામના કિરીટસિંહ સમરૂજી અંબુજી ચાવડા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમનો પ્રાથમિક શાળા સુધીનોજ અભ્યાસ છે. આઠેક મહિના પહેલા કિરીટસિંહ ચાવડા ઘરે હાજર હતા ત્યારે કડા ગામમાં ગણપતિ મંદિરની પાછળ રહેતા કિરીટસિંહ રજુજી ચાવડા તથા તેમનો દિકરો વિશાલસિંહ કિરીટસિંહ ચાવડા આવ્યા હતા. આ બાપ બેટાએ કિરીટસિંહ ચાવડાને સમજાવેલ કે આજીવન ખેતી તથા મજુરી કરશો તો પણ પૈસા ભેગા કરી શકશો નહી. ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં પૈસા રોકશો તો ઝડપી પૈસાવાળા થઈ જશો અને પછી મજૂરી કરવાની જરૂર રહેશે નહી. સ્કીમમાં રોકાણ કરવાવાળા ઘણા છે, પરંતુ ગામના અને એકજ સમાજના છીએ એટલે સમજાવીએ છીએ. સ્કીમમાં ૭૫ દિવસમાં પૈસા ડબલ થઈ જશે એ અમારી જવાબદારી છે. જે રોકાણ કરશો તેના ચેક આપીશુ અને પૈસાની જરૂર હોય ત્યારે ચેકથી ઉપાડી લેવાના. કિરીટસિંહ સમરૂજી ચાવડા વિશ્વાસમાં આવી જતા તેમણે એચ.ડી.એફ.સી. બેંકમાંથી રૂા.૬.૫૦ લાખની લોન લીધી હતી. ગામની ક્રેડીટ સોસાયટીમાંથી રૂા. બે લાખની લોન લીધી હતી તેના પૈસા ઘરમાં પડ્યા હતા. આમ રૂા.૭.૫૦ લાખ રૂપિયા આપ્યા હતા. જે ૭૫ દિવસે ડબલ લઈ જવા જણાવ્યુ હતુ. જેમાં રૂા.૧૫ લાખનો ચેક પણ તારીખ લખીને આપેલો હતો. ૭૫ દિવસ પુરા થતા સોફ્ટવેર બંધ છે એટલે ૧૫ દિવસ પછી ડબલ પૈસા લઈ જજો અને ફરીથી ડબલ મુકવા હોય તો રૂા.૩૦ લાખ મલશે તેમ જણાવ્યુ હતુ. સ્કીમમાં રોકાણ કરનાર કિરીટસિંહ ચાવડાને હપ્તા ભરવાના હોવાથી મારે ડબલ જોઈતા નથી. આપેલા પૈસા આપી દો તેવી ઉઘરાણી કરી હતી. જેમાં છેતરપીંડી કરનારાઓએ જણાવેલ કે સોફ્ટવેર બંધ છે. પેનલ્ટી લાગશે અને પૈસા ઓછા આવશે. ઓછા પૈસા લેવાની તૈયારી બતાવતા સ્કીમમાં રોકાણ કરનારને રૂા.૪.૫૦ લાખ, રૂા.૭૦ હજાર અને રૂા.બે લાખના ત્રણ ચેક આપ્યા હતા. જેમાં રૂા. બે લાખનો ચેક બેંકમાં જમા કરાવતા રીટર્ન થયો હતો.
આ દરમ્યાન કડા ગામમાંથી વાતોવાતમાંથી જાણવા મળેલ કે કિરીટસિંહ ચાવડા તથા તેમનો પુત્ર વિશાલસિંહ ચાવડાએ ૭૫ દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમ કરી છે. જે રોકાણ કરનારને ૭૫ દિવસે ડબલના ચેક આપે છે. ૭૫ દિવસે ડબલ થાય તે રકમથી ડબલ રકમના બીજા ૭૫ દિવસના ચેક આપે છે. આમ ડબલ રકમના ચેકજ આપતા હોવાથી અને પૈસા આપતા નહી હોવાથી છેતરપીંડી તથા વિશ્વાસઘાતની બાપ બેટાની સ્કીમથી ભારે હોબાળો થયો હતો. કડા ગામના મહિપાલસિંહ રમેશજી ચાવડાએ પણ આ રીતે રૂા. બે લાખનુ રોકાણ કર્યુ હતુ. કિરીટસિંહ ચાવડા તથા મહિપાલસિંહ ચાવડા પૈસાની ઉઘરાણી કરવા જતા જણાવેલ કે ઘણા લોકોએ પૈસા આપ્યા છે, પણ તમારી જેમ કોઈ ઘરે આવીને બેસતુ નથી. ગામના છો એટલે નહી તો લાશ પણ મળશે નહી તેવી ધમકી આપી હતી.
કડામાં બાપ બેટાની એકના ડબલની સ્કીમનો ભારે હોબાળો થતા ગામના અન્ય લોકો પણ આ સ્કીમમાં છેતરાયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેમાં (૧) ચાવડા કિશનસિંહ જશવંતસિંહ રૂા.૪ લાખ (૨) ચાવડા અપૂર્વસિંહ નટવરસિંહ રૂા.૧૦ લાખ (૩) ચાવડા રણજીતસિંહ ગણપતસિંહ રૂા.૩૦ લાખ (૪) ચાવડા કૌશિકસિંહ ગીરીશસિંહ રૂા.૧૧.૪૦ લાખ (૫) ચાવડા રાજપાલસિંહ હિમ્મતસિંહ રૂા.૧૬ લાખ (૬) ચાવડા મયુરસિંહ જયરામજી રૂા.૧૩.૫૦ લાખ (૭) ચાવડા હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ રૂા.૯ લાખ (૮) ચાવડા વનરાજસિંહ દપુજી રૂા.૩૦ લાખ (૯) ચાવડા અક્ષયસિંહ રમેશજી રૂા.૧૫ લાખ (૧૦) ચાવડા મુકેશસિંહ પરથીજી રૂા.૭.૫૦ લાખ (૧૧) ચાવડા ધવલસિંહ વિજયસિંહ રૂા.૨૫ લાખ (૧૨) ચાવડા સિધ્ધરાજસિંહ ગજેન્દ્રસિંહ રૂા.૧૫ લાખ (૧૩) ચાવડા રાજપાલસિંહ પરબતસિંહ રૂા.૧.૬૦ લાખ (૧૪) ચાવડા નીતિનસિંહ પારખાનસિંહ રૂા.૪ લાખ (૧૫) ચાવડા પ્રતિકસિંહ રણજીતસિંહ રૂા.૧૫ લાખ તથા આજુબાજુના ગામના લોકો પાસેથી પણ કાવતરૂ રચી જુદી જુદી સ્કીમો બનાવી બાપ બેટાએ છેતરપીંડી આચરી હતી. આ બનાવમાં કિરીટસિંહ સમરૂજી અંબુજી ચાવડાની ફરિયાદ આધારે પોલીસે કિરીટસિંહ રજુજી ચાવડા તથા વિશાલસિંહ કિરીટસિંહ ચાવડા વિરુધ્ધ રૂા.૨.૩૦ કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે.