Select Page

ગંજબજાર વેપારી મંડળમાં તખ્તાપલટ-જગદીશભાઈ પટેલ પ્રમુખ

ગંજબજાર વેપારી મંડળમાં તખ્તાપલટ-જગદીશભાઈ પટેલ પ્રમુખ

સત્તા આગળ શાણપણ ભારે પડ્યુ – અક્કડ વલણથી પી.સી.પટેલે હોદ્દો ગુમાવ્યો

  • વિવાદની નાવ મધદરીયે લઈ જઈ ડુબવા આવતા પોતાનુ હિત બચાવવા સાથીદારોએ સાથ છોડ્યાનો અનુભવ કરતા પી.સી.પટેલ

આપણા વડીલોની પ્રચલિત કહેવત છેકે, સત્તા આગળ શાણપણ નકામુ તેમ છતા વરસાદી પાણીના વિવાદમાં ગંજબજાર વેપારી મંડળ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપરવટ જતા ગંજબજાર વેપારી મંડળમાં તખ્તાપલટ થઈ છે. વેપારી મંડળના પ્રમુખ પદે વેપારી વિભાગના ડીરેક્ટર જગદીશભાઈ પટેલની નિમણુંક કરવામાં આવતા સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં વિવાદમાં જેમનો ભોગ લેવાયો તે પૂર્વ પ્રમુખ પી.સી.પટેલ સહીતના કેટલાક હોદ્દેદારો ગેરહાજર રહેતા હજુ પણ શાંત થયેલા જ્વાળામુખીના પેટાળમાં લાવારસ ધગધગતો હોવાનો માહોલ અનુભવાતો હતો.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ નેતૃત્વ હજુ પણ કેટલાક લોકોને ખટકી રહ્યુ છે. જે ક્યારેક વિવાદની આડમા બહાર આવે છે. કેબીનેટ મંત્રીના પ્રયત્નોથીજ ગંજબજારથી વિશાલ પાર્ટી પ્લોટ સુધી વરસાદી લાઈન માટે રૂા.૪.૫ કરોડની માતબર રકમનુ પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ભાવ ઉંચા આવતા ટેન્ડરના બીજી વખતના પ્રયત્નના કારણે વિલંબ થયો હતો. આ દરમ્યાન ભારે વરસાદ પડતા ગંજબજારમાં પાણી ભરાતા વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલ અને સાથી હોદ્દેદારોએ અચોક્કસ મુદત માટે ગંજબજાર બંધનુ એલાન કર્યુ હતુ. કેબીનેટ મંત્રીએ વેપારી મંડળના પ્રમુખ સહીતના હોદ્દેદારોને સમજાવવા ખુબજ પ્રયત્ન કર્યો હતો. પરંતુ સત્તા આગળ શાણપણ નકામુ તે ભુલી જઈ વેપારી મંડળ પોતાના નિર્ણય ઉપર અક્કડ વલણ રાખતા માર્કેટ કમિટિએ ગંજબજારને બાનમાં લેવામાં જવાબદાર પાંચ વેપારીઓના લાયસન્સ રદ કરીને સખ્ત રૂપ અપનાવ્યુ હતુ. અન્ય વેપારીઓ શાનમાં સમજી જતા ગંજબજારનુ કામકાજ રાબેતા મુજબ શરૂ થયુ હતુ.
રદ કરેલા લાયસન્સ રીન્યુ કરવા ઘણા ધમપછાડા થયા હતા. જાણવા મળ્યા પ્રમાણે કેબીનેટ મંત્રીને રજુઆત કરતા લાયસન્સ રીન્યુમા વેપારી મંડળ બરખાસ્ત કરી પ્રમુખ સહીતના નવા હોદ્દેદારોની વરણી કરવા શરત મુકવામાં આવી હતી. પી.સી.પટેલ પ્રમુખ પદે રહે અને લાયસન્સ રીન્યુ થાય તે માટે ભારે ધમપછાડા કરવામાં આવ્યા હતા. વેપારી મંડળના હૉલમાં મળેલ મીટીંગમાં ગંજબજારના તમામ વેપારીઓના લગભગ ૩૫૦ જેટલા લાયસન્સ સરન્ડર કરી માર્કેટ કમિટિને બાનમાં લેવાના પણ પ્રયત્ન થયા હતા. વેપારી વિભાગના ચાર ડીરેક્ટરો પણ રાજીનામુ ધરી દે તેવા દબાણ થયા હતા. પરંતુ ગંજબજાર વેપારી મંડળની સત્તાની આડમા ખોટા નિર્ણય કરાતા હોવાનુ તેમજ પોતાની મુમતમા વેપારીઓનો દુરઉપયોગ થતો હોવાનુ જણાતા આ વિવાદમાંથી મોટા ભાગના વેપારીઓ ખસી ગયા હતા. જ્યારે પી.સી.પટેલે વિવાદની નાવ મધદરીયે લઈ જઈ ડુબવા આવતા સાથીદારોએ સાથ છોડ્યાનો અનુભવ કર્યો.
છેલ્લા ઘણા સમયથી ગંજબજાર માર્કેટ કમિટિ અને ગંજબજાર વેપારી મંડળ વચ્ચે નાના મોટા વિવાદ થયે રાખતા હતા. ત્યારે માર્કેટ કમિટિ અને વેપારી મંડળ સંકલનમાં તેમજ એક બીજાની પડખે રહી ગંજબજારના વિકાસની સાથે વેપારીઓ તથા ખેડૂતોનુ પણ હિત સચવાય તેવુ વેપારી મંડળ બનાવવાના પ્રયત્નોમાં છેવટે વેપારી વિભાગના ડીરેક્ટર જગદીશભાઈ શંકરલાલ પટેલની વેપારી મંડળના પ્રમુખ પદે વરણી કરવામાં આવી. નવા નિમાયેલા પ્રમુખનુ સૌપ્રથમ કોપરસીટી નવરાત્રી મહોત્સવના આયોજન માટે મળેલ કોપરસીટી એસો.ની જનરલ સભામાં સન્માન કરવામાં આવ્યુ. ત્યારબાદ તા.૨૦-૯-૨૦૨૪ ને શુક્રવારના રોજ માર્કેટયાર્ડ ભોજનાલય હૉલમાં ગંજબજાર વેપારી મંડળના નવીન વરાયેલા પ્રમુખ જગદીશભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વેપારીઓ આવશે નહી તેવી ધારણા વચ્ચે હૉલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ડીરેક્ટરો અને વેપારીઓ દ્વારા વેપારી મંડળના નવા પ્રમુખનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
સત્કાર સમારંભમાં માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલે વેપારી મંડળના પ્રમુખને આવકારતા જણાવ્યુ હતું કે, માર્કેટ કમિટિ અને ગંજબજાર વેપારી મંડળ સાથે મળીને કામ કરશે, દરેક પ્રશ્નોનો ઉકેલ આવશે. મને આપણા વિસ્તારના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં માર્કેટનો વિકાસ કરવાનો લાભ મળ્યો છે. માર્કેટયાર્ડમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ થશે. માર્કેટયાર્ડનુ વિસનગરના ધંધા રોજગારમાં અને વિકાસમાં મોટુ યોગદાન છે. માર્કેટયાર્ડના ડીરેક્ટર પરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, માર્કેટયાર્ડમાં દરેક વેપારી ધંધા રોજગાર કરવા આવ્યા છે. ત્યારે વેપારીઓ કોઈ વિવાદ ન થાય તેવી રીતે કામ કરવુ જોઈએ. હવે આપણે નવા પ્રમુખ જગદીશભાઈ પટેલને સહયોગ આપવાનો છે. માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, માર્કેટયાર્ડમાં પહેલા પણ વિવાદ અને ઝઘડા થતા હતા. છતા માર્કેટ વેપાર ધંધાથી ધમધમતુ હતુ. માર્કેટયાર્ડમાં વેપારીઓને સારી આવક થતી હતી. અત્યારે વેપારીઓની આવક ઘટી છે. જોકે બીજા માર્કેટયાર્ડ કરતા વિસનગર માર્કેટયાર્ડના વેપારીઓની શાખ ઘણી સારી છે.
ગંજબજાર વેપારી મંડળના નવા પ્રમુખની વરણી ઉપરાંત્ત રદ કરવામાં આવેલા પાંચ લાયસન્સ પણ રીન્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતા વેપારી મંડળના પૂર્વ પ્રમુખ પી.સી.પટેલ, કરશનભાઈ પટેલ સહિતના કેટલાક હોદ્દેદારોની સત્કાર સમારંભમાં ગેરહાજરી જોવા મળતા શાંત પડેલા વિવાદના જ્વાળામુખીના પેટાળમાં લાવા ધગધગતો હોવાનુ જણાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts